14 October, 2026 05:03 PM IST | Mumbai | Kajal Rampariya
એક વાર પહેરી લીધા પછી બીજી વાર કેમ પહેરાય?
નવરાત્રિમાં નવેનવ દિવસ નવા લુક માટે નવા કૉસ્ચ્યુમ્સ વસાવવાનું શક્ય નથી. ધારો કે એક વર્ષે એમ કર્યું તોય બીજા વર્ષે ફરી રિપીટ કરવું પડે. નવા લુક અને નવા ટ્રેન્ડના આગ્રહને કારણે ડિઝાઇનર ગરબા કૉસ્ચ્યુમ્સનો રેન્ટલ બિઝનેસ ધૂમ ફૂલ્યોફાલ્યો છે. જાણીએ રેન્ટલ ડ્રેસિસમાં શું ટ્રેન્ડમાં છે અને ભાડેથી કૉસ્ચ્યુમ્સ લેવાનો ગરબાપ્રેમીઓનો અનુભવ કેવો છે એ
નવરાત્રિમાં ગરબાનું ગ્રાઉન્ડ ફૅશન અને કલરફુલ લુકનું બહુ મોટું પ્લૅટફૉર્મ બની જાય છે. અત્યારના ગરબાપ્રેમીઓ માટે નવેનવ નોરતાંમાં અનોખો લુક ટ્રાય કરવો અનિવાર્ય બની ગયું છે, પણ બધા જ દિવસો માટે નવાં અને મોંઘાં ચણિયાચોળી ખરીદવાનું દરેક વ્યક્તિના બજેટમાં નથી હોતું. ઘણા લોકો તો એવું પણ વિચારે કે મોંઘાં ચણિયાચોળી લઈ તો લીધાં, પણ હવે બીજી વાર એ જ ચણિયાચોળી પહેરીશ તો નહીં ચાલે. ગરબાપ્રેમીઓની આ જ જરૂરિયાતે રેન્ટલ ગરબા કૉસ્ચ્યુમ્સના કન્સેપ્ટને બૂસ્ટ આપ્યો છે. આ વર્ષે નવરાત્રિમાં લોકોનો ઉત્સાહ બેવડાયો છે ત્યારે ભાડેથી કૉસ્ચ્યુમ્સ આપતા વેપારીઓને ત્યાં આભલાંવર્ક અને હેવી રજવાડી લુકથી લઈને ફ્યુઝન અને ઇન્ડો-વેસ્ટર્ન ચણિયાચોળીનું ઍડ્વાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. દર વર્ષે નવાં કપડાં ખરીદીને કબાટમાં પૂરવાને બદલે વાજબી ભાવે દરરોજ નવો લુક મેળવવાનો આ સ્માર્ટ રસ્તો ખેલૈયાઓને ખૂબ પસંદ પડી રહ્યો છે.
ગ્રાઉન્ડ પર રમતી વખતે આઉટફિટ્સની પસંદગી કેવી હોય છે એ વિશે કાંદિવલીમાં રહેતાં અને વ્યવસાયે ઝુમ્બા ફિટનેસ ટ્રેઇનર નિધિ વેદ પોતાના અનુભવ વિશે કહે છે, ‘હું છેલ્લાં ૬-૭ વર્ષથી દર વર્ષે રેન્ટ પર જ આઉટફિટ્સ લઉં છું. મારી પસંદગી હંમેશાં ડિઝાઇન અને કલર કૉમ્બિનેશનવાળા અનોખા લુક પર હોય છે. ઓમ સાથિયા, સુંદર લટકણવાળાં આઉટફિટ્સ નવો લુક આપે છે. ટિપિકલનેસથી દૂર રહીને લોકો ફ્યુઝન ટ્રાય કરવા માગે છે અને હું પણ એમાંની એક છું. અત્યારે હવે ચણિયાચોળીમાં નિયોન જેવા ગ્લોઇંગ કલર્સ આવવા લાગ્યા છે અને એ મને બહુ ગમે છે. નિયોન ફ્રિન્જ બૉર્ડરનાં ચણિયાચોળી મેં રેન્ટ પર લીધાં હતાં અને ગ્રાઉન્ડ પર મને બધા જોતા રહી ગયા હતા. ફાલ્ગુની કે નેસ્કો જેવાં મોટાં ગરબા-ગ્રાઉન્ડ્સ પર જ્યારે જવાનું હોય ત્યારે લુક પણ એકદમ ખાસ હોવો જોઈએ એવું મારું માનવું છે.’ પોતાનાં આઉટફિટ્સનું આયોજન સમજાવતાં નિધિ વેદ કહે છે, ‘હું દર વર્ષે નવરાત્રિ માટે પાંચથી ૬ અલગ-અલગ આઉટફિટ્સ ભાડે લઉં છું. વસ્ત્રો ભલે ટ્રેડિશનલ હોય, પણ એમાં કંઈક હટકે અને નવું હોવું જોઈએ. એકદમ ટિપિકલ જૂની ફૅશનને બદલે આજના યુગ પ્રમાણેના લેટેસ્ટ ટ્રેન્ડવાળાં આઉટફિટ્સ મને વધુ આકર્ષે છે.’
કાંદિવલીમાં આવેલો રૂપલ ડિઝાઇન સ્ટુડિયો મુંબઈના મોટા ભાગના ખેલૈયાઓનું રેન્ટલ કૉસ્ચ્યુમ્સ ડેસ્ટિનેશન બની ગયું છે. આ વખતે ડિમાન્ડ અને ક્રેઝ કેવાં છે એ વિશે જણાવતાં સ્ટુડિયોના સંચાલક રાહુલ ભદ્રેશ્વરા કહે છે, ‘અમારી પાસે નવરાત્રિ દરમ્યાન તમામ પ્રકારના મિક્સ કસ્ટમર્સ આવતા હોય છે. કેટલાક ખેલૈયાઓ ગ્લિટર કે શાઇની મટીરિયલ્સવાળાં કૉસ્ચ્યુમ્સ પસંદ કરે છે તો વળી કેટલાક ગ્રાહકો ટિપિકલ દેશી વર્ક, કાચકામવાળાં અને હેવી એમ્બ્રૉઇડરીવાળાં પરંપરાગત વસ્ત્રોનો આગ્રહ રાખે છે. ૨૫૦૦થી ૩૦૦૦ રૂપિયાની રેન્જમાં જોઈએ એવાં આઉટફિટ્સ મળી જાય છે. જે યુવાનો કે ડાન્સર્સ સતત ગરબા રમવાના શોખીન હોય છે તેઓ એવાં કપડાં પસંદ કરે છે જેમાં સરળતાથી ડાન્સ કરી શકે અને કમ્ફર્ટેબલ રહે. કેટલાક શોખીન ગ્રાહકો એવા પણ હોય છે જેમને ડાન્સ કરતી વખતે થોડી અગવડ પડે તો પણ ચાલે, પરંતુ લુક એકદમ હેવી અને રજવાડી જ જોઈએ છે. આ વખતે ઑલઓવર જોવા જઈએ તો આઉટફિટ્સની ડિમાન્ડમાં થોડો ચેન્જ જોવા મળી રહ્યો છે. ટ્રેડિશનલ આઉટફિટ કરતાં હવે લોકો ફ્યુઝન આઉટફિટ્સને વધુ પસંદ કરી રહ્યા છે. મિરરવર્ક સાથે ગોટાપત્તીનું વર્ક અને પૅચવર્ક બહુ ટ્રેન્ડમાં છે. કેડિયા અને ચણિયાચોળીનો ક્રેઝ આ વખતે પણ એટલો જ છે. કળીદાર 3D વર્કવાળા ઘાઘરા અને ચણિયાચોળી સાથે પહેરાતાં જૅકેટ્સ યુવતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. વર્ષે-વર્ષે ગરબા અને આઉટફિટ્સનો ક્રેઝ વધી જ રહ્યો છે. નવરાત્રિ શરૂ થાય એના અઠવાડિયા પહેલાં જ સ્ટુડિયોમાં આવીને આઉટફિટ્સ બુક કરી જાય. પછી ઑફિસથી છૂટીને સીધા ગ્રાઉન્ડ કે ડોમમાં પહોંચીને પોર્ટરથી આઉટફિટ્સ મગાવે છે અને બીજા દિવસે સવારે પોર્ટર કરીને જ આપી દે છે.’
નવરાત્રિમાં દરરોજ નવો લુક અપનાવવા માટે રેન્ટલ કૉસ્ચ્યુમ્સ કેટલાં ઉપયોગી સાબિત થાય છે એ વિશે વાત કરતાં કાંદિવલીમાં રહેતાં અને હેરડ્રેસર તરીકે કામ કરતાં તેજલ રાઠોડ કહે છે, ‘હું છેલ્લાં પાંચ વર્ષથી ભાડેથી જ ગરબાનાં કૉસ્ચ્યુમ્સ લઉં છું. ફૅશન અને ટ્રેન્ડ સતત બદલાતાં રહે છે એટલે દર વખતે નવું ખરીદવા કરતાં રેન્ટ પર લેવું એ સૌથી બેસ્ટ અને સ્માર્ટ ઑપ્શન છે. અમારે તો ગરબા રમવાના હોય એટલે કૉસ્ચ્યુમ એવાં હોવાં જોઈએ જેમાં ડાન્સ કરતી વખતે પૂરી કમ્ફર્ટ મળે. મારી પસંદગી હંમેશાં ઇન્ડો-વેસ્ટર્ન ટચવાળાં આઉટફિટ્સ, ડ્રેસવાળા લુક, બૅકલેસ અને આકર્ષક ડિઝાઇનવાળાં કૉસ્ચ્યુમ્સની રહે છે જેથી ગરબાના તાલે ઝૂમતી વખતે લુક પણ શાનદાર લાગે અને ડાન્સમાં પણ કોઈ અડચણ ન નડે. આ વખતે મેં દેખાવમાં ભલે મિનિમલ હોય પણ લુક સરસ એલિવેટ કરે એવાં કૉસ્ચ્યુમ્સ ભાડે લીધાં છે. મલ્ટિકલર ઘાઘરા સાથે કૉર્સેટ સ્ટ્રેપ્સવાળું ભરેલું બ્લાઉઝ બહુ જ ગમી ગયું તો મેં રવિવાર માટે બુક કરાવી દીધું છે. હું બધા દિવસ રમવા નથી જતી એટલે જરૂર પડ્યે રેન્ટલ આઉટફિટ્સ સ્ટાઇલ કરીને ગ્રાઉન્ડમાં પહોંચું છું. આ વખતે હું ગીતા રબારી અને ફાલ્ગુની પાઠકના ગરબામાં જઈશ.’
પંચાવન વર્ષની ઉંમરે પણ ગરબાનાં શોખીન હોવાનું જણાવતાં સાંતાક્રુઝનિવાસી ડિઝાઇનર કસ્તુરી ગડા કહે છે, ‘આ વર્ષે નવરાત્રિમાં લોકોનો ક્રેઝ વધી ગયો છે. આ વખતે ઘણીબધી નવરાત્રિ ડોમમાં યોજાતી હોવાથી કૉસ્ચ્યુમ્સ ખરાબ થવાનો કે બગડવાનો કોઈ ડર રહેતો નથી. અગાઉ વરસાદ કે કીચડના કારણે ચિંતા રહેતી હતી, પરંતુ હવે ડોમકલ્ચરને કારણે ખેલૈયાઓ નિશ્ચિંત થઈને રમી શકે છે. હવે રેન્ટના ચાર્જિસ આપવામાં લોકો જરાય આનાકાની કરતા નથી. દેખાવમાં અને શો-ઑફમાં એકદમ ઇમ્પ્રેસિવ હોવું જોઈએ એવી લોકોની ડિમાન્ડ રહે છે. પોમ-પોમવાળાં, મિરરવાળાં અને લેસવાળાં મિક્સ ઍન્ડ મૅચ કૉસ્ચ્યુમ્સ અત્યારે ખૂબ ચાલે છે, જે એક જ નજરમાં જોતાંની સાથે ગમી જાય એવાં આકર્ષક હોય છે.’ કૉસ્ચ્યુમ્સની સાથે જ્વેલરી અને ઑર્નામેન્ટ્સની ભારે ડિમાન્ડ વિશે કસ્તુરીબહેન કહે છે, ‘મારી પાસે હૅન્ડમેડ જ્વેલરી અને ઑર્નામેન્ટ્સની ડિમાન્ડ સૌથી વધુ આવે છે. એમાં પોમ-પોમ, કોડી અને કાંગરીવાળાં હેવી ઑર્નામેન્ટ્સનો સમાવેશ થાય છે. કપડાં સાદાં કે નૉર્મલ હોય તો પણ આ પ્રકારનાં ભારે અને આકર્ષક ઑર્નામેન્ટ્સ પહેરવાથી આખો લુક એકદમ હેવી દેખાય છે. ૮૦૦થી લઈને ૧૮૦૦ રૂપિયાની રેન્જમાં આઉટફિટ્સ અને ઑર્નામેન્ટ્સ મળતાં હોવાથી મને ડોમ્બિવલી, અંબરનાથ, વસઈ તેમ જ મુંબઈના અન્ય દૂરના વિસ્તારોમાંથી ખેલૈયાઓ ઑર્ડર કરે છે. અત્યારે વીફાસ્ટ જેવી ડિલિવરી સર્વિસની સગવડ એટલી સરસ થઈ ગઈ છે કે કુરિયર કે ડિલિવરી દ્વારા કૉસ્ચ્યુમ્સની આપ-લે કરવાનું અને ગ્રાહકો સુધી પહોંચાડવાનું ખૂબ જ સરળ બની ગયું છે.’
સમયની સાથે ફૅશન અને કૉસ્ચ્યુમ્સના ટ્રેન્ડમાં પણ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. અગાઉનાં વર્ષોમાં ભારેભરચક અને આખાં કૉસ્ચ્યુમ્સમાં ભરી દેવાયેલા વર્કનો ક્રેઝ હતો, પરંતુ હવે સમય બદલાયો છે. આ બદલાતા પ્રવાહ વિશે વાત કરતાં બોરીવલીના ક્લાસિક કૉસ્ચ્યુમ્સ ડિઝાઇન સ્ટુડિયોના ઓનર અને ટેક્સટાઇલ ડિઝાઇનર વૈશાલી ઠક્કર કહે છે, ‘પહેલાં એવું હતું કે કૉસ્ચ્યુમ્સમાં બહુબધું હેવી વર્ક ભરી દેવામાં આવતું અને ઘેર પણ થોડો ઓછો રાખવામાં આવતો, પણ છેલ્લાં બે-ત્રણ વર્ષથી અને ખાસ કરીને આ વર્ષે ટ્રેન્ડ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. હવે લોકો મિનિમલ પણ ડિઝાઇનર આઉટફિટ્સ વધુ પસંદ કરે છે. મારી પાસે ૯૦૦થી ૩૦૦૦ રૂપિયા સુધીની
રેન્જનાં રેન્ટલ આઉટફિટ્સ અવેલેબલ છે.’
હવે લોકો પહેલાં કરતાં ઘણા વધારે ગરબા રમે છે અને પ્રોફેશનલ ડાન્સર્સની જેમ બેઠક અને હાઈ-ઇન્ટેન્સિટી સ્ટેપ્સ કરે છે એટલે ખેલૈયાઓ માટે એવા ચણિયા જરૂરી છે જે ઓછામાં ઓછા ૧૦ મીટરના ફ્લેરવાળા હોય અને હાથમાં ચણિયો પકડીને સહેલાઈથી રમી શકાય. કૉસ્ચ્યુમ્સ એકદમ ટિપિકલ હેવી હોવા કરતાં થોડાં ઇન્ડો-વેસ્ટર્ન ટચવાળાં અને યુવકો-યુવતીઓને આકર્ષે એવાં હોય છે. આ વખતે ખાસ કરીને જૅકેટ સ્ટાઇલ અને દીપિકા પાદુકોણ સ્ટાઇલનાં આઉટફિટ્સનો ક્રેઝ યુવાનોમાં વિશેષ જોવા મળી રહ્યો છે.’
કલર અને મિરરવર્ક વિશે વૈશાલીબહેન કહે છે, ‘આ વખતે કૉસ્ચ્યુમ્સમાં મિરર-લુક અને એની બારીક ડીટેલિંગવાળી સ્ટાઇલ સૌથી વધુ ડિમાન્ડમાં છે. ખેલૈયાઓ હવે નવરાત્રિના દિવસો મુજબ કલર-વાઇઝ પ્લાનિંગ કરીને પહેરવાનું પસંદ કરે છે. કલરની ચૉઇસ અને પર્સનલાઇઝ્ડ ટચ પર વધુ ધ્યાન આપવામાં આવે છે. છેલ્લાં ૨૪ વર્ષથી હું કૉસ્ચ્યુમ્સ અને ફૅશન-ડિઝાઇનિંગના ક્ષેત્રમાં સક્રિય છું. ગરબાપ્રેમીઓનો ઉત્સાહ સતત વધતો જ રહ્યો છે. આજે સ્થિતિ એ છે કે માત્ર મુંબઈ જ નહીં; અમેરિકા, ઑસ્ટ્રેલિયા, યુરોપ જેવા દૂર-દૂરના દેશોમાંથી પણ લોકો અને ડાન્સ-ગ્રુપ્સ ખાસ નવરાત્રિ રમવા અહીં આવે છે. તેઓ પોતાનાં માટે સ્પેશ્યલ કૉસ્ચ્યુમ્સ અને એની સાથે મૅચિંગ થતાં લાઇટવેઇટ ક્લોથ્સ કે ઑક્સિડાઇઝ્ડ ઍક્સેસરીઝ ભાડે કે ખરીદીને લઈ જાય છે. ખેલૈયાઓ ગરબાની સાથે પોતાના લુક અને ફૅશનમાં કોઈ જ સમાધાન કે કૉમ્પ્રોમાઇઝ કરવા માગતા નથી.’