10 December, 2025 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇલ્ડ ગ્લૅમર
લેપર્ડ-પ્રિન્ટેડ ફૅશનના ટ્રેન્ડનું રહસ્ય એની વર્સેટિલિટીમાં છુપાયેલું છે. તમે એને બોલ્ડ અને ડ્રામેટિક લુકમાં અપનાવી શકો છો અથવા કૂલ અને ન્યુટ્રલ આઉટફિટ સાથે મિક્સ કરીને એને લો-કી પણ રાખી શકો. જોકે એ ગ્લૅમરસ, રિલૅક્સ્ડ, બીચ-ફ્રેન્ડ્લી, ડ્રામૅટિક એમ દરેક મૂડ અને વ્યક્તિ માટેનું અલગ વર્ઝન પૂરું પાડે છે. અત્યારે લેપર્ડ પ્રિન્ટની ફૅશન કેટલીક સેલિબ્રિટીઝને કારણે ચર્ચામાં છે. તેમની જેમ તમે પણ આવા ઍનિમલ-પ્રિન્ટેડ આઉટફિટને વૉર્ડરોબમાં સ્થાન આપી શકો છો.
ડ્રામૅટિક રેડ કાર્પેટ ગ્લૅમ
તાજેતરમાં કરીના કપૂરે કટઆઉટ બ્લાઉઝ સાથે લેપર્ડ-પ્રિન્ટેડ સાડી પહેરીને ગ્લૅમરસ લુક અપનાવ્યો હતો. કરીનાની આ ફૅશનમાં બ્લાઉઝ મૉડર્ન અને બોલ્ડ ટ્વિસ્ટ આપે છે. આ સાથે તેની લેયર્ડ જ્વેલરી આખા દેખાવને લેવલ અપ કરે છે.
વેકેશન વાઇબ
બૉલીવુડની અભિનેત્રી અનન્યા પાંડેએ લેપર્ડ પ્રિન્ટને વેકેશન સ્ટાઇલ સાથે જોડીને રિલૅક્સ્ડ સ્પિન આપ્યો છે. તેણે બૉડી-ફિટેડ અને હાઈ-વેસ્ટ લેપર્ડ સ્કર્ટને સાદા કાળા ટૉપ સાથે પેર કરીને કમ્ફર્ટેબલ અને વેકેશન-ફ્રેન્ડ્લી લુક અપનાવ્યો છે. તેણે પોતાનો મેકઅપ મિનિમલ રાખ્યો છે જે તેના લુકને એફર્ટલેસ બનાવે છે. અનન્યાની ફૅશન એ સાબિત કરે છે કે લેપર્ડ-પ્રિન્ટેડ ફૅશન લાઉડ હોય એ જરૂરી નથી.
સ્લીક નાઇટ ડ્રામા
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ થોડા સમય પહેલાં લેપર્ડ-પ્રિન્ટેડ બૉડી-હગિંગ મિડી ડ્રેસમાં જોવા મળી હતી. તેણે વાળને બાંધીને ડેલિકેટ જ્વેલરી પહેરવાનું પસંદ કર્યું હતું જેથી લેપર્ડ પ્રિન્ટ વધુ હાઇલાઇટ થાય. જો તમે નાઇટઆઉટ માટે લેપર્ડ પ્રિન્ટ અજમાવવા માગતા હો પણ બોલ્ડ લુક પણ ન જોઈતો હોય તો રકુલની ફૅશન ફૉલો કરી શકો છો.
લક્ઝરી વિન્ટર સ્ટેટમેન્ટ
ઇન્ટરનૅશનલ સુપરમૉડલ હેલી બીબરનો લેપર્ડ-પ્રિન્ટેડ ફૉક્સ ફર કોટ કોઝી લક્ઝરી વાઇબ આપી રહ્યો છે. આ કોટ આખા લુકને પાવરફુલ સ્ટેટમેન્ટમાં પરિવર્તિત કરે છે અને વધુ ગ્લૅમરસ બનાવે છે. શિયાળામાં પહેરી શકાય અને એની ટેક્સ્ચરવાળી સપાટી આ પ્રિન્ટને વધુ અટ્રૅક્ટિવ બનાવે છે. તેણે વાળને સ્લીક રાખ્યા છે અને જ્વેલરીને મિનિમલ રાખી છે, જેથી જોનારી વ્યક્તિનું ધ્યાન સીધું કોટ પર જ જાય.
સ્ટેજ-રેડી લુક
ગાયિકા સબરિના કાર્પેન્ટરના લેપર્ડ-પ્રિન્ટેડ બૉડીસૂટની સાથે ગ્લૅમ મેકઅપ રેટ્રો ફીલિંગ આપી દે છે. જો તમે આર્ટિસ્ટ હો અને સ્ટેજ પર પોતાને પ્રેઝન્ટ કરવું હોય તો સબરિનાનો લુક શો-સ્ટૉપિંગ છે.
તમે કેવી રીતે અપનાવશો લેપર્ડ પ્રિન્ટ?
જો તમે પણ સૌથી હૉટ ટ્રેન્ડને ફૉલો કરવા માગતા હો તો આ સ્ટાઇલ ટિપ્સ લેપર્ડ પ્રિન્ટને આત્મવિશ્વાસ સાથે અપનાવવામાં તમને મદદ કરશે.
લેપર્ડ પ્રિન્ટ પોતે જ એક સ્ટ્રૉન્ગ સ્ટેટમેન્ટ છે. તેથી જો તમે આવી ફૅશન પહેલી વાર અપનાવી રહ્યા હો તો સ્કાર્ફ, બેલ્ટ, પર્સ અથવા શૂઝ જેવી ઍક્સેસરીઝથી શરૂઆત કરો. જો એ ફાવે અને તમને એવું ફીલ થાય કે આ ફૅશન મને સૂટ થઈ રહી છે તો આવી પ્રિન્ટનાં આઉટફિટ્સને અજમાવો.
મોટા ભાગના લેપર્ડ પ્રિન્ટના પીસને કાળા, સફેદ, ક્રીમ, બ્રાઉન અથવા ડેનિમ જેવા ન્યુટ્રલ કલર્સ સાથે પેર કરો. એનાથી આ પ્રિન્ટ ઓવરપાવરિંગ નહીં લાગે.
જો તમે હેલી બીબરની જેમ લેપર્ડ-પ્રિન્ટેડ કોટ પહેરી રહ્યા હો તો અંદર ટૉપ અને પૅન્ટ સાદું અથવા એક જ રંગનું રાખો. લેપર્ડ ઑન લેપર્ડ એટલે કે પગથી માથા સુધી લેપર્ડ પ્રિન્ટેડ આઉટફિટ અથવા એના જેવી જ્વેલરી સારી નહીં લાગે. રકુલ પ્રીત સિંહની જેમ ડ્રેસ પહેર્યો હોય તો ઍક્સેસરીઝ મિનિમલ રાખો.
અલગ-અલગ ફૅબ્રિકમાં લેપર્ડ-પ્રિન્ટ
અલગ-અલગ રીતે દેખાય છે. સિલ્ક અને શિફૉન પર એ ગ્લૅમરસ અને ફ્લોઈ લાગે છે. ઊનના કાપડ પર એ લક્ઝુરિયસ લુક આપે છે અને લેધર ટેક્સ્ચર પર બોલ્ડ ફિનિશિંગ આપે છે.
ગુલાબી, વાદળી અથવા લીલા જેવા તેજસ્વી રંગોમાં પણ લેપર્ડ-પ્રિન્ટ ઉપલબ્ધ છે. જો તમે યુવા અને ફંકી લુક ઇચ્છતા હો તો આ વિકલ્પો અજમાવી શકો છો. પ્રિન્ટમાં બ્લૅક ધબ્બાનું નાનું કે મોટું કદ તમારા લુકને બદલી શકે છે. નાની પ્રિન્ટ તમારા લુકને વધુ સટલ દેખાડશે અને મોટી પ્રિન્ટ બોલ્ડ વાઇબ આપશે.