શરીરમાં ઓમેગા-થ્રીની ઊણપ ચહેરા પર કઈ રીતે દેખાય?

01 May, 2025 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્વચાની સુંદરતા વધારવા માટે આપણે અનેક સ્કિનકૅર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ જો તમારે અંદરથી ગ્લો જોઈતો હોય તો તમારા ભોજનમાં ઓમેગા થ્રી-ફૅટી ઍસિડથી ભરપૂર ફૂડનો સમાવેશ કરો

પ્રતીકાત્મક તસવીર

ચહેરાને ચમકાવવા માટે સ્કિનકૅર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો સારી વાત છે, પણ ફક્ત સ્કિનકૅર પ્રોડક્ટ્સ યુઝ કરવાથી ચહેરા પર ચમક આવી જશે એવું નથી. એ માટે તમારે હેલ્ધી ડાયટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો તમારા ભોજનથી શરીરને સરખું પોષણ નહીં મળતું હોય તો એની અસર ચહેરા પર દેખાશે. ચહેરો શુષ્ક અને નિસ્તેજ દેખાવા લાગશે. ત્વચાને હેલ્ધી રાખવા માટેનું આવું જ એક ન્યુટ્રિઅન્ટ એટલે ઓમેગા-થ્રી ફૅટી ઍસિડ. શરીરમાં ઓમેગા-થ્રીની અછત હોય તો એની અસર ચહેરા પર દેખાવાનું શરૂ થઈ જાય છે. ચહેરો ડ્રાય થઈ જાય, લાલાશ-ખંજવાળ આવે, કરચલીઓ દેખાય, ત્વચા લચી પડે.

શું ફાયદો થાય?

ઓમેગા-થ્રી ત્વચાના નૅચરલ મૉઇશ્ચરને જાળવી રાખવાનું કામ કરે છે, પરિણામે સ્કિન હાઇડ્રેટેડ રહે છે. ધૂળ, પ્રદૂષણથી ત્વચાને રક્ષણ આપવા માટે હેલ્ધી સ્કિન બૅરિયર ખૂબ જરૂરી છે. એમાં રહેલા ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો ખીલ, ખરજવું, સોરાયસિસ જેવી ત્વચા સંબંધિત સમસ્યામાં રાહત આપવાનું કામ કરે છે. ઓમેગા-થ્રી અલ્ટ્રાવાયલેટ કિરણો સામે ત્વચાને રક્ષણ આપવાનું કામ કરે છે, પરિણામે તડકાને કારણે થતી સનબર્ન અને સ્કિન રેડનેસની સમસ્યાનું જોખમ ઘટે છે. એ કૉલેજન નામના પ્રોટીનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. એને કારણે ત્વચાની લવચીકતા વધે છે. ઓમેગા-થ્રી ત્વચા પરથી ડાઘ દૂર કરવાનું અને ચહેરાનો રંગ નિખારવાનું કામ કરે છે.

શેમાંથી મળે?

ઓમેગા-થ્રીને હેલ્ધી ફૅટ્સ કહેવામાં આવે છે. તમે તમારી ડાયટમાં હેલ્ધી ફૅટ્સથી ભરપૂર ફૂડનો સમાવેશ કરીને ઓમેગા-થ્રી મેળવી શકો છો. આમ તો કાજુ, બદામ, પિસ્તાં બધાંમાં હેલ્ધી ફૅટ્સ હોય છે, પણ સૌથી વધુ ઓમેગા-થ્રી ફૅટી ઍસિડ્સ અખરોટમાં હોય છે. એવી જ રીતે ફ્લેક્સ સીડ્સ અને ચિયા સીડ્સ બન્ને ઓમેગા-થ્રીના સારા સોર્સ છે.  

skin care beauty tips life and style columnists gujarati mid-day mumbai