સમજ્યા વગરની ફૅશન એટલે ટેન્શન

15 January, 2019 01:12 PM IST  |  | Varsha Chitaliya

સમજ્યા વગરની ફૅશન એટલે ટેન્શન

પ્રતીકાત્મક તસવીર

લેડીઝ સ્પેશ્યલ 

નવી સ્ટાઇલ અને ફૅશન ટ્રેન્ડ સેટ કરવા માટે બૉલીવુડ જાણીતું છે. મહિલાઓમાં ફિલ્મી અભિનેત્રીઓની સ્ટાઇલને અનુસરવાનો જબરો ક્રેઝ છે. અભિનેત્રીઓના રેડ કાર્પેટ ફોટો, પાર્ટી પિક્ચર, વેકેશન પિક્ચર, ઍરર્પોટ પરના ફોટો વગેરે જોઈને મહિલાઓ અંજાઈ જાય છે એટલું જ નહીં; એવા જ ડ્રેસ પહેરવાનો મોહ પણ રાખે છે. ડ્રેસ-ડિઝાઇનરે બનાવેલા આકર્ષક અને પર્ફેક્ટ ફિટિંગ ડ્રેસ પહેરવા છતાં ફૅશન આઇકન મનાતી આ અભિનેત્રીઓને પણ કોઈક વાર પોતાના ડ્રેસના કારણે ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવું પડે છે. જો તેઓ હાંસીનું પાત્ર બની જતી હોય તો તેમની સ્ટાઇલનું આંધળું અનુકરણ કરવાના ચક્કરમાં આપણે કેવા લાગીએ? સ્ટાઇલ અપનાવવી એમાં કંઈ ખોટું નથી, પરંતુ જાહેરમાં વરવું ન લાગે એટલી સભાનતા હોવી જોઈએ. આ સંદર્ભે એક્સપર્ટનું શું કહેવું છે જોઈએ.

ફૅશન-બ્લન્ડર એટલે જાહેરમાં ડ્રેસની ઝિપ ખૂલી જવી કે ડ્રેસ ફાટી જવો એવું નથી. બ્લન્ડર અનેક રીતે થાય છે એમ જણાવતાં થાણેના ફૅશન-ડિઝાઇનર જાગૃતિ વિકમ કહે છે, ‘સામાન્ય રીતે સ્ટાઇલિંગ, ફૅબ્રિક અને કલર આ ત્રણ રીતે ફૅશન-બ્લન્ડર થાય છે. કોઈ ઍક્ટ્રેસે પાર્ટીમાં ડાર્ક કલરનો ડ્રેસ પહેર્યો હોય તેનું જોઈને એકદમ જ પાતળી યુવતી આવો ડ્રેસ પહેરે તો એ વધારે સુકલકડી દેખાય. એને ફૅશન-બ્લન્ડર કહેવાય. મોટા ભાગનાં બ્લન્ડર્સ કલર્સના કારણે જ થાય છે. આ સિવાય ફૅબ્રિકના કારણે પણ જાહેરમાં ખરાબ દેખાય છે. થોડા સમય પહેલાં એક ફંક્શનમાં ફૅબ્રિકના કારણે મહિલાની સાડી પાછળથી ફાટી ગઈ હતી. સેલિબ્રિટીઝનું સ્ટાન્ડર્ડ અને બજેટ બહુ ઊંચું હોય છે. આપણે પૅટર્ન અને કલર્સને ફૉલો કરી શકીએ, પણ બજેટ ઓછું હોવાના કારણે ફૅબ્રિક સાથે મૅચ ન થાય એથી જોઈએ એવો લુક ન આવે અને ઢંકાવાં જોઈએ એ અંગો પણ ઉઘાડાં થઈ જાય છે. સેલિબ્રિટીએ પગમાં કટ્સવાળો ડ્રેસ પહેર્યો હોય એવો જ ડ્રેસ બનાવડાવી લીધા બાદ જો તમે એને સરખી રીતે કૅરી ન કરી શકો તો ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવું પડે. આ ઉપરાંત સવારે પહેરવાનો ડ્રેસ રાતના ફંક્શનમાં પહેરો એ પણ એક પ્રકારનું બ્લન્ડર જ છે. મોટા ભાગની મહિલાઓ સ્ટાઇલને અનુસરતી વખતે સામાન્ય બાબતો પર ધ્યાન આપતી નથી. એના કારણે જાહેરમાં વરવું લાગે છે.’

આપણે બધા જ ફિલ્મી કલાકારોથી ખૂબ પ્રભાવિત છીએ. મોટા-મોટા ફૅશન-ડિઝાઇનરો પ્રમોશન માટે તેમનો સહારો લે છે, કારણ કે તેમને માસ પબ્લિકને અટ્રૅક્ટ કરવાની છે. યંગસ્ટર્સમાં તેમની સ્ટાઇલ ફૉલો કરવાનો ક્રેઝ વધારે જોવા મળે છે એમ જણાવતાં જાગૃતિ કહે છે, ‘આજની યુવતીઓનું બૉડી-સ્ટ્રક્ચર થોડું અલગ છે. જન્ક ફૂડના કારણે તેમનાં હિપ્સ અને થાઇઝ વધારે હોય છે. ફિલ્મસ્ટાર્સ જેવાં શૉટ્ર્સ અને સ્કિન ટાઇટ ડ્રેસ પહેરીને તેઓ પબ અને ડિસ્કોથેકમાં જાય છે. આવી જગ્યાએ તેઓ પોતાની જાતને સંભાળી શકતી નથી તેથી બ્લન્ડર થાય છે. તાજેતરમાં દીપિકા પાદુકોણે તેના રિસેપ્શનમાં લાલ રંગનો વન પીસ ડ્રેસ પહેર્યો હતો. તેનું જોઈને હવે નવો ટ્રેન્ડ શરૂ થશે, પણ જો દીપિકાની જેમ ડ્રેપ કરતાં નહીં આવડે તો ફિયાસ્કો થઈ જશે. થોડા સમય પહેલાં હું એક લગ્નમાં ગઈ હતી. બ્રાઇડની બહેને સેલિબ્રિટીની સ્ટાઇલને કૉપી કરી ડ્રેસ સીવડાવ્યો હતો. આ મહિલાના બાળકની ઉંમર બહુ નાની હતી અને વારેઘડીએ તેને તેડવો પડતો હતો. જેટલી વાર તે બાળકને તેડતી તે રડવા લાગતો, કારણ કે ડ્રેસની પૅટર્ન અને વર્ક તેને ખૂંચતાં હતાં. બાળકના રડવાના કારણે મહિલા લગ્નને માણી શકતી નહોતી અને અપસેટ હતી. ડ્રેસ બેશક સુંદર હતો, પરંતુ ડ્રેસના કારણે તેનો જાહેરમાં ફિયાસ્કો થયો. આને પ્રૅક્ટિકલ ડિસિઝન ન કહેવાય. લોકોનું અટેન્શન મેળવવા અને પોતાની જાતને ફૅશનેબલમાં ખપાવવાના ચક્કરમાં બ્લન્ડર થાય છે. આંખ બંધ કરીને ફૅશનને અનુસરતાં પહેલાં ડ્રેસ-ડિઝાઇનર સાથે વાત કરી લેવી જોઈએ. કલર્સ, ફૅબ્રિક્સ અને સ્ટાઇલની સાથે તમારા બૉડી-સ્ટ્રક્ચર અને સીઝનને ધ્યાનમાં રાખી નર્ણિય લેવા. ડે-ટુ-ડે લાઇફમાં પણ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. કોઈ પણ સ્ટાઇલને ફૉલો કરતાં પહેલાં પોતાની જાતને અરીસામાં એક વાર નહીં, સો વખત જોઈ લેવી. સૌથી મહત્વનું એ છે કે જે ડ્રેસમાં તમે કમ્ફર્ટ ફીલ ન કરી શકો એ સ્ટાઇલ ન અપનાવવામાં જ શાણપણ છે.’

નવી સ્ટાઇલને અપનાવવા જતાં શરમજનક પરિસ્થિતિમાં ત્યારે મુકાવું પડે જ્યારે તમે સમજ્યા-વિચાર્યા વગર એનું અનુકરણ કરો એવો અભિપ્રાય આપતાં ઇમેજ કન્સલ્ટન્ટ ઋતુજા કંટક કહે છે, ‘સૌથી પહેલાં તો મહિલાઓએ એ વાત સમજી લેવી જોઈએ કે અભિનેત્રીઓ જે ડ્રેસ પહેરે છે એ ખાસ તેમની પબ્લિક ઇમેજને ધ્યાનમાં રાખીને જ ડિઝાઇન કરવામાં આવે છે. એ લોકોની દુનિયા અને આપણી દુનિયા અલગ છે. તેમના કૅરૅક્ટર, સ્કિન ટોન, ફિગર વગેરેને ધ્યાનમાં રાખી પર્ફેક્ટ ડ્રેસ તૈયાર થાય છે. બીજું, તેમને પોતાને આ બાબતનું સારું એવું જ્ઞાન હોય છે. અભિનેત્રીઓના પબ્લિક અપીરન્સ પાછળ આખી ટીમ હોય છે. જો આપણે માત્ર તેમના ફોટો જોઈને ફૉલો કરીએ તો હાસ્યાસ્પદ લાગે. કોઈ પણ પ્રકારની ફૅશનને અનુસરતાં પહેલાં તમારા બૉડી-સ્ટ્રક્ચરને સમજો. વાસ્તવમાં ફૅશન-બ્લન્ડર જેવું કશું હોતું નથી, માત્ર આપણી બેદરકારી અને અજ્ઞાનતાના કારણે જ હાસ્યાસ્પદ લાગે છે. થોડા સમય પહેલાં પટિયાલા ડ્રેસ ટ્રેન્ડમાં હતા. લેટેસ્ટમાં વન પીસ અને અનારકલીનો ટ્રેન્ડ છે. હવે બધી જગ્યાએ આવા ડ્રેસ પહેરીને ન જવાય. દાખલા તરીકે તમે વર્કિંગ મહિલા છો તો તમારે સૉફિસ્ટિકેટેડ અને સોબર લુક ધરાવતા ડ્રેસ જ પહેરવા જોઈએ. ઘણી મહિલાઓ ઑફિસમાં અનારકલી પહેરીને જાય છે. કામકાજના સ્થળે આવા પાર્ટી ડ્રેસ પહેરો તો લોકો હસવાના જ. આને તમે ફૅશન-બ્લન્ડર કહી શકો છે.’

તમે કયા કલ્ચરમાં રહો છો એ પણ મહત્વનું છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘મહિલાઓની એક નબળાઈ હોય છે. તેઓ ઇચ્છે છે કે તેમને કોઈ નોટિસ કરે. આકર્ષણનું કેન્દ્ર બનવાના ચક્કરમાં ઊંધું પડે છે. એવી ઘણી મહિલાઓ છે જેમણે યુવાનીમાં ક્યારેય જીન્સ પહેયાંર્ હોતાં નથી. આજે વેસ્ટર્ન ડ્રેસની ફૅશન છે એટલે તેઓ પણ બીજાનું જોઈને જીન્સ પહેરીને નીકળી પડે છે. જો તર્મે વર્ષો પછી અથવા પહેલી વાર આવાં વસ્ત્રો પહેરતા હો તો અચાનક પહેરીને જાહેર સ્થળે ન જાઓ. શરૂઆતમાં તમારા નજીકના સર્કલમાં ફૅશનેબલ બનીને જાઓ. તેમનું રીઍક્શન જુઓ. કોઈ ચેન્જિસની આવશ્યકતા હશે તો તમારા હિતેચ્છુ તમને જણાવશે. જ્યાં સુધી તમે આવાં વસ્ત્રોમાં કમ્ફર્ટ ફીલ ન કરો ત્યાં સુધી અનુકરણ ન કરો. લેટેસ્ટ ટ્રેન્ડને અપનાવવાનો અર્થ એ નથી કે તમે માત્ર ડ્રેસ પર ફોકસ કરો; ડ્રેસની સાથે તમે કઈ ઍક્સેસરીઝ પહેરો છો, મેકઅપ કેવો કર્યો છે, હેરસ્ટાઇલ કેવી છે, સૅન્ડલ મૅચ થાય છે કે નહીં એમ ટૉપ ટુ બૉટમ તમારા ઓવરઑલ લુક પર ધ્યાન આપો. આ બધાની સાથે તમારા ઍટિટuુડમાં પણ તફાવત દેખાવો જોઈએ. જો તમે એને કૅરી ન કરી શકો તો પણ બ્લન્ડર થશે. મહિલાઓએ એક વાત મગજમાંથી કાઢી નાખવી જોઈએ. ઘણી મહિલાઓનું માનવું છે કે આ ડ્રેસ પાતળા લોકો જ પહેરે અથવા આ ડ્રેસ પહેરવાની ચોક્કસ ઉંમર હોવી જોઈએ. એવું કશું હોતું નથી. તમારા વ્યક્તિત્વને નિખારવાની સમજણ તમને ફૅશન આઇકન બનાવે છે. મને બધા જ પ્રકારના ડ્રેસ શોભે છે એવો આત્મવિશ્વાસ તમારી ઇમેજ બદલી નાખશે.’

વાસ્તવમાં ફૅશન-બ્લન્ડર જેવું કશું હોતું નથી, માત્ર આપણી બેદરકારી અને અજ્ઞાનતાના કારણે જ ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવું પડે છે. ફૅશન જગતમાં શું ચાલે છે એનું પબ્લિકમાં આંધળું અનુકરણ કરતાં પહેલાં તમારા નજીકના સર્કલમાં રીઍક્શન જાણી લેશો તો કમ્ફર્ટ ફીલ કરશો તેમ જ બ્લન્ડર નહીં થાય

- ઋતુજા કંટક, ઇમેજ-કન્સલ્ટન્ટ

આ પણ વાંચો : સાડીના પાલવને આ રીતે રાખશો, તો કમર દેખાશે પાતળી

સ્ટાઇલિંગ, ફૅબ્રિક અને કલર આ ત્રણ રીતે ફૅશન-બ્લન્ડર થાય છે. સેલિબ્રિટીઝની સ્ટાઇલને અનુસરતાં પહેલાં પ્રૅક્ટિકલ ડિસિઝન લેવા જોઈએ. તેમનું સ્ટાન્ડર્ડ અને બજેટ બહુ ઊંચું હોય છે. આપણે પૅટર્ન અને કલર્સને ફૉલો કરી શકીએ, પણ બજેટ ઓછું હોવાના કારણે ફૅબ્રિક સાથે મૅચ ન થાય તેથી જાહેરમાં ફિયાસ્કો થઈ જાય

- જાગૃતિ વિકમ, ફૅશન-ડિઝાઇનર