ના-ના, આ ઍક્ટ્રેસિસ નાઇટ સૂટ પહેરીને બહાર નથી આવી

03 January, 2023 04:57 PM IST  |  Mumbai | Aparna Shirish

લૉકડાઉનમાં લાઉન્જવેઅરની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે હવે સૅટિન-સિલ્કના કો-ઑર્ડ સેટની ફૅશન ટ્રેન્ડ બની ગઈ છે

ના-ના, આ ઍક્ટ્રેસિસ નાઇટ સૂટ પહેરીને બહાર નથી આવી

લૉકડાઉનમાં જો કોઈ કપડાંનો ટ્રેન્ડ ખૂબ લોકપ્રિય થયો હોય તો એ છે લાઉન્જવેઅર. કમ્ફર્ટેબલ કપડાં પહેરીને આખો દિવસ ઘરમાં પડ્યા રહેવાની આદત હવે જાણે છૂટી જ નથી રહી. લૉકડાઉનનો એક ટ્રેન્ડ એટલે કો-ઑર્ડ સેટ્સ. આના વિશે વાત કરતાં ફૅશન ડિઝાઇનર રિદ્ધિ ગાંધી કહે છે, ‘કો-ઑર્ડ સેટ એક વર્સટાઇલ અને ખૂબ જ લક્ઝુરિયસ એવો લાઉન્જવેઅરનો ટ્રેન્ડ છે. દેખાવમાં થોડો અટપટો જરૂર લાગશે પણ કમ્ફર્ટવેઅરની દૃષ્ટિએ ખૂબ પ્રૅક્ટિકલ છે. અને હવે લોકો એને રિસૉર્ટવેઅરથી લઈને ઈવનિંગ નાઇટ પાર્ટીઝમાં પણ પહેરવા લાગ્યા છે. આ એક એવો ટ્રેન્ડ છે જેમાં તમારે વધુ મહેનત નથી કરવાની અને તોય એ સ્ટાઇલિશ લાગશે.’

નાઇટસૂટ કે કો-ઑર્ડ? | કો-ઑર્ડ સેટ સૅટિન, મૉડલ સિલ્ક, રેયૉન, ક્રેપ અને શિફોન જેવા ફ્લોઇ ફૅબ્રિકમાંથી બને છે અને એ બધાં જ ફૅબ્રિકમાં સારાં પણ લાગે છે. હવે જો વાત કરીએ સૅટિન અને સિલ્કના કો-ઑર્ડ સેટની તો એ પહેર્યા બાદ દેખાવમાં નાઇટ સૂટ પહેર્યો હોય એવા લાગી શકે છે. પણ એ નાઇટ સૂટ જેવા ન લાગે એ માટે શું કરવું એ વિશે રિદ્ધિ કહે છે, ‘કો-ઑર્ડ સેટ નાઇટ ડ્રેસ જેવા ન લાગે એ માટે સૌથી મહત્ત્વની છે પ્રિન્ટ્સની પસંદગી. સૉલિડ કલર્સ પણ પહેરી શકાય અથવા ઍબ્સ્ટ્રૅક્ટ અને ફ્લોરલ પણ મૉડર્ન પ્રિન્ટ્સ પસંદ કરવી. ‘ક્યુટ’ પ્રિન્ટ હશે તો ચોક્કસ એ નાઇટ ડ્રેસ જેવો જ લાગશે. ક્યુટ ટેડી બેઅર કે છૂટાં ફ્લાવર્સ વગેરે પ્રિન્ટ્સથી દૂર રહો. પ્રિન્ટ જેટલી સ્ટાઇલિશ હશે એટલો જ સેટ સ્ટાઇલિશ લાગશે.’

વર્સટાઇલ ટ્રેન્ડ છે | કો-ઑર્ડ સેટ એક વર્સટાઇલ ટ્રેન્ડ છે. એ અનેક રીતે પહેરી શકાય છે. બૉટમને બીજા કોઈ શર્ટ કે ટૉપ સાથે પહેરી શકાય અને એ જ રીતે ટૉપ સ્કર્ટ કે જીન્સ સાથે બ્લાઉઝ કે ટૉપ તરીકે સારતુ લાગશે. અહીં કો-ઑર્ડ સેટ સાથે બીજું કંઈ પહેરો ત્યારે કલર્સ કો-ઑર્ડિનેટ કરવાની ટ્રાય કરવી.

ઍક્સેસરીઝ ઍડ કરો

કો-ઑર્ડ સેટ એક એફર્ટલેસ સ્ટાઇલ છે આવું જણાવતાં રિદ્ધિ ઉમેરે છે, ‘આ એક એટલો સિમ્પલ ટ્રેન્ડ છે કે એ પહેરવામાં વધુ કંઈ જ વિચારવાની જરૂર રહેતી નથી. સ્પોર્ટ્સ શૂઝ કે સ્નીકર્સ સાથે પણ ડે-ટાઇમમાં કો-ઑર્ડ સેટ પહેરી શકાય અને એ જ કો-ઑર્ડ સેટ સાથે ઈવનિંગમાં પાર્ટીમાં જવા માટે હાઈ હિલ્સ પહેરી લો બસ. વધુ સ્ટાઇલિશ બનાવવા માટે બેલ્ટ પહેરી શકાય.’ સાથે ઍક્સેસરીઝમાં એક ટોટ બૅગ અથવા સ્લિંગ બૅગ સારી લાગશે. જ્વેલરીમાં મોટા હુપ્સ કે પછી હાલમાં ટ્રેન્ડમાં છે એવા બિગ સાઇઝ પર્લ સ્ટડ અને એક વૉચ કે બ્રેસલેટથી ઓવરઑલ લુક કમ્પ્લીટ લાગશે.

આ લક્ઝરીવેઅર નાઇટ સૂટ ન લાગે એ માટે ક્યુટ પ્રિન્ટ્સથી દૂર રહો. પ્રિન્ટ જેટલી મૉડર્ન અને રિચ એટલો જ કો-ઑર્ડ સેટ સ્ટાઇલિશ લાગે છે. - રિદ્ધિ ગાંધી, ફૅશન ડિઝાઇનર

fashion news fashion life and style