આ છે રેડ અલર્ટ

13 February, 2023 05:21 PM IST  |  Mumbai | Sejal Patel

પ્રેમનો દિવસ આવે એટલે ભલભલા લોકોને લાલ કલરના આઉટફિટ્સ ટ્રાય કરવાનું મન થઈ જાય. જોકે યાદ રહે, આ રંગ સાથે એક્સપરિમેન્ટ કરવામાં પુરુષોએ જરા સાવચેત રહેવું જોઈએ. યસ, રેડ રોમૅન્સનો રંગ હોવા છતાં એને કઈ રીતે તમારા પર સૂટેબલ બનાવવો એ જાણી લો

આ છે રેડ અલર્ટ

તમને ખબર છે, શા માટે વૅલેન્ટાઇન્સ ડેના દિવસે લાલ રંગનો વધુ ઉપયોગ થાય છે? એનું કારણ એ છે કે આ રંગ લલચામણો છે. તમે ચાહો કે ન ચાહો, લાલ રંગ તમારું ધ્યાન આકર્ષે જ છે. વૅલેન્ટાઇન્સ ડેની વાત આવે એટલે લાલચટક સ્ટ્રૉબેરી, રેડ વાઇન કે બ્લડ રેડ રંગનાં બલૂન્સ નજર સામે આવે. લાલ રંગમાં એક ખાસ વૉર્મ્થ છે. લવ અને પૅશન ખૂબ પ્રબળ લાગણીઓ છે જે લાલ રંગની સ્ટ્રૉન્ગનેસમાં બહુ સારી રીતે કમ્યુનિકેટ થાય છે. જોકે આ રંગ ગર્લ્સને જેટલો સૂટ થાય છે એટલો પુરુષોને પણ થાય જ એવું જરૂરી નથી. યંગસ્ટર્સ કદાચ કંઈ પણ ફન્કી પહેરે તો ચાલી જશે, પણ એક ચોક્કસ ઉંમર વટાવ્યા પછી મૅરિડ જેન્ટલમૅન થઈ ગયા પછી રેડ કલર પહેરવામાં થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. 

તાજેતરમાં જ ન્યુ યૉર્ક ફૅશન વીકમાં પણ જેની ડિઝાઇને ધૂમ મચાવી હતી એ મુલુંડના યંગ ફૅશન ડિઝાઇનર સ્મિત શાહ કહે છે, ‘રેડ બહુ અટ્રૅક્ટિવ કલર છે, પણ એ કેવી પર્સનાલિટી પર સૂટ થાય એ સમજવું પણ જરૂરી છે. વળી તમે આ રંગ કયા આઉટફિટમાં વાપરો છો એ પણ મહત્ત્વનું છે. બ્લડ રેડ શર્ટ બધાને સૂટ નહીં જ થાય. રેડ પૅન્ટની વાત તો કરવી જ નહીં. એ તો ટૂથપેસ્ટની ઍડના રણવીર સિંહ જેવી પર્સનાલિટી હોય તો જ ચાલે. પણ જો તમારે અટ્રૅક્ટિવ અને છતાં સેફ લુક અપનાવવો હોય તો રેડ કોટ કે રેડ બ્લેઝરમાં ઇન્વેસ્ટ કરી શકો છો. વાઇટ પૅન્ટની સાથે આવું બ્લેઝર તમને રોમૅન્ટિક પણ બનાવશે અને જૅન્ટલમૅન પણ. ડાર્ક સૉલિડ કલર્સ યુઝ કરવા હોય તો બને ત્યાં સુધી ઉપરના આવરણમાં કરવા. અંદર લાઇટર શેડનું શર્ટ પહેરીને ઉપર બ્લેઝરના રંગમાં એક્સપરિમેન્ટ ચાલશે.’

રેડના શેડ્સ 

વૅલેન્ટાઇન્સ ડે છે એટલે ટ્રેડિશનલ વેઅર નહીં, ફૉર્મલ્સ પર જ પસંદગી ઉતારવી જોઈએ. એમાં પણ રેડના અન્ય કયા શેડ્સ ટ્રાય કરી શકાય એની વાત કરતાં સ્મિત કહે છે, ‘લાલમાં થોડોક બ્લૅક તરફનો રંગ હોય તો એ પણ ઘણા પુરુષો કૅરી કરી શકે છે. એ રંગ થોડોક મૅનલી લુક આપે છે. બાકી આજકાલ પેસ્ટલ શેડ્સ બહુ જ ચાલે છે. તમે ટ્રેડિશનલ બ્રાઇટ રેડને ડિચ કરીને પિન્ક પેસ્ટલ શેડ્સ પર જાઓ તો એ ક્લાસી પણ લાગશે અને હાલના ટ્રેન્ડ સાથે મૅચ પણ થશે. પેસ્ટલ અને પિન્ક શર્ટ્સમાં પ્લેન અને પ્રિન્ટેડ બન્ને ચાલી શકે છે.’

આ પણ વાંચો: સેલ્ફ-મેકઅપમાં આટલું ધ્યાન નહીં રાખો તો મજાક બની જશો

 જો તમારે અટ્રૅક્ટિવ અને છતાં સેફ લુક અપનાવવો હોય તો રેડ કોટ કે રેડ બ્લેઝરમાં ઇન્વેસ્ટ કરી શકો છો. વાઇટ પૅન્ટની સાથે આવું બ્લેઝર તમને રોમૅન્ટિક પણ બનાવશે અને જેન્ટલમૅન પણ. - સ્મિત શાહ, ફૅશન ડિઝાઇનર

ઍક્સેસરીઝ મસ્ટ

એક સમયે પુરુષોની જ્વેલરી પણ મૅનલી અને હેવી વધુ ચાલતી હતી, પણ હવે ગોલ્ડની  પાતળી ચેઇન કે સ્ટાઇલિશ કફલિંક્સ વધુ મૅચ થશે. 

કપડાં પહેરવા પર તમે ગમેએટલું ધ્યાન રાખ્યું હશે, પણ જો શૂઝ શાઇનિંગવાળાં અને સાફ નહીં હોય તો પર્સનાલિટીમાં પંક્ચર પડશે. 

બ્લેઝર કે કોટ પહેર્યો હોય તો બેલ્ટ પણ વિઝિબલ અને અટ્રૅક્ટિવ હોવો જરૂરી છે. ખાસ કરીને એનું બક્કલ યુનિક અને ધ્યાન ખેંચે એવું હોવું જોઈએ. 

તમારા હાથમાં કપડાંને મૅચ થાય એવી રિસ્ટ વૉચ હોવી પણ એટલી જ જરૂરી છે. હંમેશાં મોંઘી જ હોય એ જરૂરી નથી, પણ વૉચ વિના તમારો લુક કમ્પ્લીટ નહીં થાય. 

અને હા, તમારા હાથમાં લાલ રંગના ગુલાબનો બુકે હશે તો એ લુકની બીજી ઘણી કમીઓ ઢંકાઈ જશે.

columnists fashion news fashion valentines day sejal patel