કાલા કાલા ચશ્મા જચદા હૈ

09 May, 2022 12:39 PM IST  |  Mumbai | Aparna Chotaliya

ઉનાળાની મસ્ટ હૅવ ઍક્સેસરીને અપનાવીને ફૅશનેબલ કઈ રીતે દેખાવું એ રણવીર સિંહ પાસેથી શીખવા જેવું છે

અવનવા ટ્રેન્ડને ફૉલો કરતાં એ ધ્યાનમાં રાખવું કે શું એ ટ્રેન્ડ આવતાં ઓછાંમાં ઓછાં બે વર્ષ ચાલશે? જો જવાબ હા હોય તો જ ખરીદો. મનીષા જૈન, ઇમેજ કન્સલ્ટન્ટ

એવિએટર્સ, વેફેરર્સ, હાફ રિમ્ડ, રિમલેસ, શીલ્ડ, બાઇકર એમ અનેક પ્રકાર છે સનગ્લાસિસમાં અને એટલે જ કેવા સનગ્લાસિસ પસંદ કરવા એ મોટું કન્ફ્યુઝન બની જાય છે. ખૂબ સિમ્પલ સાવ સાદા લાગે અને ખૂબ ફૅન્સી પસંદ કરવામાં ડર લાગે કે એ સૂટ થશે કે નહીં. રણવીર સિંહ જેવો કૉન્ફિડન્સ હોય તો જે રંગ અને આકાર પસંદ આવે એ પહેરી લેવું પણ જો નથી તો જાણી લો તડકાથી આંખને પ્રોટેક્શન આપતા આ સનગ્લાસિસની પસંદગી કઈ રીતે કરવી. 
શું છે ટ્રેન્ડમાં? | ૨૦૨૨માં સનગ્લાસિસના ટ્રેન્ડની વાત કરીએ તો અવનવા શેપ અને કલર્સ જોવા મળી રહ્યા છે. થોડા દિવસો પહેલાં કાર્તિક આર્યન ખૂબ જ નાની ફ્રેમના ગ્લાસિસ પહેરેલો જોવા મળ્યો હતો. આવા ગ્લાસિસ રેટ્રો કૅટેગરીમાં આવે છે. એ કાં તો ગૉલ્ફ કોર્સ પર સારા લાગે અને કાં તો હિપ-હોપ હવાઇયન હૉલિડે પર. સ્ટાઇલ માટે સારા પણ જો આંખોના પ્રોટેક્શનની વાત આવે તો આ કામના નથી. 
રણવીર સિંહની વાત કરીએ તો ગોળ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ જેવો અજુગતો શેપ પણ એ આસાનીથી પહેરી લે છે. હાલમાં ત્રિકોણ ગ્લાસિસ પણ ટ્રેન્ડમાં છે. ચહેરો નાનો અને સ્લિમ હોય તો આવા શેપ સાથે એક્સપરિમેન્ટ કરી શકાય. ગોળાકાર સનગ્લાસિસ જોકે ક્લાસિક છે. એ સિવાય મોટી ચોરસ ફ્રેમના વેફેરર્સ મોટા ભાગના બધા જ ચહેરાના આકાર પર સૂટ થાય છે. આ ગ્લાસિસ સેફ પણ છે, કારણ કે એ આંખને યોગ્ય રીતે ઢાંકે છે અને સૂરજના તડકા સામે જોઈતું પ્રોટેક્શન મળે છે. 
જેવો ફેસ  |  સનગ્લાસિસસની પસંદગી કરવાની છે તમારા ચહેરાના આકાર પ્રમાણે અને તમારી પર્સનાલિટી પ્રમાણે. એ વિશે ઇમેજ કન્સલ્ટન્ટ મનીષા જૈન કહે છે, ‘ગ્લાસિસ એવા હોવા જોઈએ જે ચહેરાને અને તમારી પર્સનાલિટીને કૉમ્પ્લીમેન્ટ કરે. ચહેરાને ઢાંકી દે એવા ન હોવા જોઈએ. ગોળ ચહેરા પર ગોળ ગ્લાસિસ પહેરશો તો ચહેરો વધુ ગોળમટોળ લાગશે એટલે ચોરસ શેપના ઍન્ગ્યુલર ફ્રેમના ગ્લાસિસ ગોળ ચહેરાને સૂટ થશે. એ જ પ્રમાણે ચહેરો જો ચોરસ હોય તો ગ્લાસિસ ગોળાકાર કે પછી એવિએટર સ્ટાઇલના વધુ સારા લાગશે. બીજો એક શેપ એટલે કે ઓબલૉન્ગ. ઓબલૉન્ગ ચહેરો લંબગોળાકાર હોય છે. આવા ચહેરા પર પણ સૉફ્ટ રેક્ટૅન્ગ્યુલર ફ્રેમ સારી લાગે. 
ઓવરસાઇઝ્ડ ગ્લાસિસ | મોટા આખા ફેસને કવર કરતા શીલ્ડ ટાઇપના ગ્લાસિસ સિંગર બાદશાહ પર જોયા હશે. આવા ગ્લાસિસ કેવા ચહેરા પર સૂટ થાય એ વિશે મનીષા જૈન કહે છે, ‘આજકાલ ટ્રેન્ડ ફૉલો કરવાના ચક્કરમાં યંગ છોકરાઓ ખૂબ મોટી ફ્રેમના કલરફુલ ગ્લાસિસ પહેરેે છે. કેટલીક વાર ચહેરો ખૂબ નાનો હોય તો આ ગ્લાસિસ ચહેરાને ડૉમિનેટ કરે છે અને ચહેરાને ઢાંકી દે છે. આવા ગ્લાસિસ ચહેરો વાઇડ અને મોટો હોય તો જ સારા લાગે.’

 અવનવા ટ્રેન્ડને ફૉલો કરતાં એ ધ્યાનમાં રાખવું કે શું એ ટ્રેન્ડ આવતાં ઓછાંમાં ઓછાં બે વર્ષ ચાલશે? જો જવાબ હા હોય તો જ ખરીદો.  
મનીષા જૈન, ઇમેજ કન્સલ્ટન્ટ

fashion news fashion columnists