વિરાટ કોહલી જેવી બિઅર્ડ રાખવી હોય તો એની પ્રૉપર કૅર પણ કરજો

02 December, 2019 01:35 PM IST  |  Mumbai

વિરાટ કોહલી જેવી બિઅર્ડ રાખવી હોય તો એની પ્રૉપર કૅર પણ કરજો

વિરાટ કોહલી

તમે કોઈ બિઝનેસ મીટિંગમાં હો અથવા પ્રેઝન્ટેશન આપી રહ્યા હો ત્યારે અચાનક દાઢીમાં સખત ખંજવાળ આવે અને ખંજવાળ કન્ટ્રોલ ન કરી શકવાના લીધે તમારા ડાર્ક શર્ટ પર સફેદ પાઉડર જેવું કંઈક ખરે તો કેવી ઇમેજ પડે? ડૅન્ડ્રફ તમને જાહેરમાં આવી પરિસ્થિતિમાં મૂકી શકે છે.
પુરુષોની ફૅશનમાં બિઅર્ડ અત્યારે સ્ટાઇલ સ્ટેટમેન્ટ ગણાય છે. લગભગ બધા બૉલીવુડ સ્ટાર અને ક્રિકેટરો દાઢી રાખે છે. એનાથી ચહેરો પ્રભાવશાળી અને પરિપક્વ લાગે છે તેથી યંગ બૉયઝથી લઈને મધ્યમ વયના પુરુષો બિઅર્ડના ટ્રેન્ડને ફૉલો કરી રહ્યા છે. ફૅશન, સ્ટાઇલ અને મર્દાનગીના પ્રતીક સમી દાઢીથી તમારી ઇમેજ અને પર્સનાલિટીમાં ખાસ્સો ફરક પડે છે, પરંતુ માત્ર લેટેસ્ટ ટ્રેન્ડને ફૉલો કરવાથી તમે કોઈને ઇમ્પ્રેસ ન કરી શકો. બિઅર્ડની કૅર પણ એટલી જ જરૂરી છે. ખાસ કરીને વિન્ટર સીઝનમાં દાઢીમાં ડૅન્ડ્રફ અને ડ્રાયનેસની સમસ્યા જોર પકડે છે. તમારી ઓવરઑલ પર્સનાલિટી અને લુક્સને ડૅમેજ કરતા દાઢીના વાળમાં થતા ડૅન્ડ્રફનાં લક્ષણો, ઉપાય તેમ જ સારવાર વિશે જાણી લો.
કેવી તકલીફો થઈ શકે?
બિઅર્ડ તમને સ્ટાઇલિશ લુક આપે છે, પણ એની પ્રોપર કૅર ન કરો તો સેબોરિક ડર્મેટાઇટિસ નામના રોગથી પરેશાન થવું પડે. દાઢીના વાળમાં ડૅન્ડ્રફ થાય એને તબીબી ભાષામાં સેબોરિક ડર્મેટાઇટિસ કહે છે. બિઅર્ડ રાખતા પુરુષોમાં આ રોગ સામાન્ય બાબત છે. જોકે રોગનાં ચોક્કસ લક્ષણો વિશે વિજ્ઞાન પાસે કોઈ સ્પષ્ટતા નથી પણ જેમ-જેમ દાઢીની લેન્ગ્થ વધે છે, સમસ્યા વધુ વકરે છે. તમારા ચહેરા પર થતી માઇટ (ત્વચાની નીચેના ભાગમાં થતી ડેમોડેક્સ ફૉલિક્યુલરમ નામની એકદમ જ માઇક્રો સાઇઝની જીવાત) તમારી દાઢીના વાળમાં વધે છે. ખાસ કરીને ગાલ પાસેના ભાગમાં એની અસર વધુ દેખાય છે. આ માઇટના લીધે દાઢીમાં ડૅન્ડ્રફ થાય છે એવું શોધી કાઢવામાં આવ્યું છે.
દાઢીના વાળમાં ડૅન્ડ્રફનાં લક્ષણો વિશે માહિતી આપતાં કૉસ્મેટોલૉજિસ્ટ ડૉ. મોહન થોમસ કહે છે, ‘માથાના વાળની જેમ
દાઢી-મૂછમાં પણ ડૅન્ડ્રફ થાય છે. દાઢીમાં ડૅન્ડ્રફ થવાનાં મુખ્ય કારણો છે ડ્રાયનેસ અને ઇન્ફેક્શન. માઇટથી દાઢીના વાળમાં ડૅન્ડ્રફ અને ત્વચા પર ઍલર્જી બન્ને થઈ શકે છે, પરંતુ ડૅન્ડ્રફ થવાનું સામાન્ય લક્ષણ ફંગલ ઇન્ફેક્શન હોય છે. વાસ્તવમાં ઇન્ડિયાનું ક્લાઇમેટ ડ્રાય છે તેથી આપણે ત્યાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ડ્રાય ક્લાઇમેટથી માથાના વાળ નીચેની ત્વચામાં ફંગલ ઇન્ફેક્શન થાય છે. તમે માથું ઓળો કે ખંજવાળો ત્યારે આ ડૅન્ડ્રફ દાઢી-મૂછના વાળ પર ખરે છે. ચહેરાની ત્વચા પર ઇન્ફેક્શન થયું હોય ત્યારે દાઢીના વાળમાં પાઉડર જેવો ડૅન્ડ્રફ વિકસે છે. હવામાન પરિવર્તન અને ડસ્ટ ડૅન્ડ્રફનાં અન્ય લક્ષણો છે. આ ઉપરાંત દાઢીમાં બહુ રેર કેસમાં ત્વચા પર સોજો, એક્ઝિમા અને સૉરાયસિસ જેવી બીમારી જોવા મળે છે. આ રોગ માથાના વાળથી લઈને ગરદનના વાળ સુધી ફેલાય છે. એનાથી ઇચિંગ થાય છે.’
પ્રિવેન્શન માટે શું?
પહેલાં તો દાઢીમાં ડૅન્ડ્રફ ન થાય એનું ખાસ ધ્યાન રાખો. જમતી વખતે દાઢીનો ડૅન્ડ્રફ મોઢામાં જાય તો બીજી તકલીફો ઊભી થઈ શકે છે તેથી પ્રી-કૅર લેવામાં સમજદારી છે. દાઢીના વાળની કાળજી કઈ રીતે લેવી જોઈએ એ વિશે જાણકારી આપતાં ડૉ. મોહન કહે છે, ‘વાળની અંદર શેરડીના ખેતરની જેમ ઘણીબધી વસ્તુ ગ્રો થાય છે. શક્ય હોય ત્યાં સુધી દાઢીના વાળની લેન્ગ્થ બહુ લાંબી ન રાખો. એને સમય-સમય પર ટ્રિમ કરાવતા રહો. રોગને પ્રસરવાનો ચાન્સ ન મળવો જોઈએ. માથાના વાળની જેમ જ દાઢીના વાળની કાળજી લેવાની છે એ વાત હંમેશાં ધ્યાનમાં રાખો. અઠવાડિયે બે વાર શૅમ્પૂ અને એક વાર કોઈ પણ ઑઇલથી મસાજ કરો. માથાના
વાળ નીચેની ત્વચા અને ચહેરાની ત્વચાની ડ્રાયનેસમાં તફાવત હોય છે ખરો, પરંતુ ડ્રાયનેસ દૂર કરવા માટે મસાજ બેસ્ટ સોલ્યુશન છે. જમ્યા બાદ માત્ર મોઢું નહીં, આખો ચહેરો
ધૂઓ. ખાસ કરીને મૂછ. આપણે ગમે એટલું ધ્યાન રાખીએ જમતી વખતે કોઈક વાર તો દાઢી-મૂછના વાળ પર હાથ લાગવાનો જ છે. વાળ ધોવા માટે બને ત્યાં સુધી જેન્ટલ સોપનો ઉપયોગ કરવો. સિમ્પલ
હાઇજિનિક પૅટર્ન પર ફોકસ કરશો તો ઇન્ફેક્શનને ફેલાવાની જગ્યા નહીં મળે.’
શૅમ્પૂની પસંદગી મહત્ત્વની
જો વિન્ટરમાં ડ્રાયનેસના લીધે સમસ્યા ઊભી થઈ જ હોય તો ઘરમેળે સારવાર શક્ય છે. આ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘ડૅન્ડ્રફને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય છે શૅમ્પૂ. જોકે ચુટકી વગાડતાં ડૅન્ડ્રફ દૂર કરવાનો દાવો કરતાં જુદા-જુદા શૅમ્પૂ માર્કેટિંગ ગિમિકથી વિશેષ કંઈ નથી. ડૅન્ડ્રફથી છુટકારો મેળવવા કેટોકૅનાઝોલ નામનું રસાયણ ઉમેરી તૈયાર કરવામાં આવેલું શૅમ્પૂ જ વાપરવું જોઈએ. એઝોલ ગ્રુપ ઑફ મેડિસિનવાળા શૅમ્પૂથી અઠવાડિયામાં બે વાર માથું અને દાઢી બન્ને ક્લીન કરવાં. ડૅન્ડ્રફ ભલે કદાચ દાઢીમાં જ હોય અથવા ફ્કત માથામાં હોય, પણ જો તમે દાઢી રાખતા હો તો બન્ને જગ્યાના વાળ માટે એક જ શૅમ્પૂ વાપરવું. વાળમાં શૅમ્પૂ લગાવ્યા બાદ પાંચ મિનિટ રહેવા દઈ સાદા પાણીથી વાળ ધોઈ લેવા. શૅમ્પૂની ખરીદી કરતી વખતે ઇન્ગ્રીડિયન્ટ વિશે વાંચી જવું. આ સમય દરમ્યાન દાઢીના વાળમાં દિવસમાં બે-ત્રણ વખત કાંસકી અથવા હેરબ્રશ ફેરવવું જોઈએ.’
ઉપરોક્ત ઉપચારથી રિલીફ ન મળે તો ડૉક્ટરનો સંપર્ક કરવાની સલાહ છે. મેડિકલ ટ્રીટમેન્ટ વિશે વાત કરતાં ડૉ. મોહન કહે છે, ‘કેટલાક કેસમાં હાઇજીનનું ધ્યાન રાખવા છતાં અને ઘરમાં ઉપચાર કર્યા બાદ પણ ડૅન્ડ્રફ જતો નથી અથવા વારંવાર થયા કરે છે. આવા ટાઇમે ડૉક્ટર પાસે જવાની જરૂર પડે છે. માથાના વાળમાં જે રીતે ડૅન્ડ્રફની ટ્રીટમેન્ટ થાય છે એવી જ રીતે દાઢીના વાળની સારવાર છે. એ માટે પહેલાં ત્વચામાં શું તકલીફ છે એની તપાસ કરવી પડે. નિદાન થયા બાદ આગળની સારવાર શરૂ કરવામાં આવે છે. જોકે નેવું ટકા કેસમાં ત્રીસથી ચાળીસ દિવસ સ્પેસિફિક શૅમ્પૂના પ્રયોગથી ડૅન્ડ્રફ દૂર થઈ જ જાય છે.’

virat kohli fashion