પિમ્પલ્સને ટાળવા આઇસક્રીમ, બટર, પનીર, ચીઝ વગેરેનો ત્યાગ કરવો પડે?

08 November, 2019 01:51 PM IST  |  Mumbai | Varsha Chitaliya

પિમ્પલ્સને ટાળવા આઇસક્રીમ, બટર, પનીર, ચીઝ વગેરેનો ત્યાગ કરવો પડે?

પ્રતીકાત્મક તસવીર

કિશોરાવસ્થામાં પગ મૂકતાં જ યુવાનોને સૌથી વધુ કોઈ બાબત પરેશાન કરતી હોય તો એ છે ખીલ. ચહેરા પર ખીલ નીકળે એ જોઈને મોટા ભાગના યુવાનો નિરાશ થઈ જાય છે. જોકે ખીલ કાયમ માટે રહેતા નથી, પણ જો ડાઘ-ધબ્બા રહી જાય તો ચહેરો ખરાબ થવાની સંભાવના છે. જન્ક ફૂડની ટેવ, સ્ટડીનું પ્રેશર, રાતના ઉજાગરા, હૉર્મોન પરિવર્તન વગેરે અનેક કારણોસર આ ઉંમરમાં ખીલ થાય છે એવું અભ્યાસ દ્વારા સામે આવ્યું છે. થોડા સમય પહેલાં ટીનેજ ઍક્ને વિશે કરવામાં આવેલી વધુ એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે દૂધની બનાવટની ચીજો ખાવાથી પણ ખીલની સમસ્યા વકરે છે.

કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર દૂધ અને એની બનાવટનો ડાયટમાં સમાવેશ કરવો જ જોઈએ એવું આહારશાસ્ત્રીઓ કહે છે. દૂધ અને ડેરી ઉત્પાદનો આપણા શરીર માટે આરોગ્યપ્રદ છે, પરંતુ ત્વચા માટે હાનિકારક છે એવું શોધી કાઢવામાં આવ્યું છે. દૂધમાં હાજર IGF-1 નામના હૉર્મોનની ત્વચા પર આડઅસર થાય છે. IGF-1 પચવામાં ભારે હોય છે તેથી ત્વચા અને શરીરના અવયવોની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. એનાથી ત્વચા પર બળતરા, ખીલ, પિગ્મેન્ટેશન, સ્કાર્સ વગેરે તકલીફો ઊભી થાય છે એવું જાણવા મળ્યું છે.

રિપોર્ટ શું છે?

ડેરી ઉત્પાદનો ખાવાના શોખીન યુવાનોએ પોતાની ખૂબસૂરતી બરકરાર રાખવી હશે તો આ ખાદ્ય પદાર્થોનો ત્યાગ કરવો પડશે એવું રિપોર્ટ કહે છે. યુરોપીય ઍકૅડેમી ઑફ ડર્મેટોલૉજિસ્ટ ઍન્ડ વેનેરોલૉજી કૉન્ગ્રેસમાં રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર ચીઝ અને બટર જેવી દૂધની બનાવટની વસ્તુઓ ખાવાથી ચહેરા પર ખીલ, પિગ્મેન્ટેશન અને ઍક્ને જેવી સમસ્યામાં વધારો થાય છે એટલું જ નહીં; ચહેરા પર મલાઈ, દહીં અને દૂધ જેવા ખાદ્ય પદાર્થ લગાવવાથી તકલીફમાં વધારો થાય છે. ફ્રાન્સની એક યુનવિર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં છ હજારથી વધુ યંગસ્ટર્સને આવરી લેવામાં આવ્યા હતા. મુખ્ય સંશોધનકર્તા બ્રિગિટ ડૈનોએ શોધી કાઢ્યું છે કે નિયમિતપણે ડેરી ઉત્પાદનોનું સેવન કરતા ૪૮.૨ ટકાથી વધુ યુવાનોમાં ઉપરોક્ત સમસ્યા જોવા મળી હતી. ડેરી ઉત્પાદનો ઉપરાંત સોડા, કોલ્ડ ડ્રિન્ક્સ, ચૉકલેટ્સ અને પેસ્ટ્રીઝ જેવા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી પણ ચહેરા પર ખીલ થાય છે. ખીલ, પિગ્મેન્ટેશન અને ઍક્નેનાં અન્ય કારણોમાં પૉલ્યુશન, સ્ટ્રેસ અને કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટ્સ હોવાનું સામે આવ્યું હતું.

એક્સપર્ટનો અભિપ્રાય

ઍક્ને-ફ્રી સ્કિન માટે ડેરી ઉત્પાદનોનો ત્યાગ કરવો જોઈએ એવા રિપોર્ટ સંદર્ભે સ્પષ્ટતા આપતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. બતુલ પટેલ કહે છે, ‘કિશોરાવસ્થામાં ખીલ થવા ખૂબ જ સામાન્ય બાબત છે. ડેરી ઉત્પાદનો ખાતા હોય એવા યુવાનોને જ ખીલ થાય એવું સ્પષ્ટપણે કહી ન શકાય. આ ઉંમરમાં લગભગ બધા જ ટીનેજરો ખીલની સમસ્યાથી પરેશાન રહે છે. ટીનેજમાં એન્ટર થાઓ એટલે સ્કિનમાં ઑઇલ ગ્લૅન્ડ્સ પહોળી થાય. પરિણામે ત્વચા પર પિગ્મેન્ટેશન અને ઍક્ને થાય છે. હૉર્મોનલ ચેન્જિસના કારણે ઍક્ને થવા એ કુદરતી પ્રક્રિયા છે.’

જોકે ડેરી ઉત્પાદનોની કેટલીક આડઅસર જોવા મળે છે ખરી એમ જણાવતાં તેઓ આગળ કહે છે, ‘તમે જે ડેરી ઉત્પાદનો ખાઓ છો એ કયા પ્રકારના મિલ્કમાંથી બનાવવામાં આવ્યાં છે એ મહત્ત્વનું છે. સ્કિમ્ડ મિલ્ક, લો-ફૅટ મિલ્ક અને હાઈ-ફૅટ મિલ્કની તમારી ત્વચા પર જુદી-જુદી અસર થાય છે.’

શું ખવાય?

ઉપરોક્ત રિપોર્ટ સંદર્ભે કેટલાક ત્વચા નિષ્ણાતોનું કહેવું છે કે બધાં જ ડેરી ઉત્પાદનો ત્વચાના કાર્યમાં અવરોધ ઊભાં નથી કરતાં. દાખલા તરીકે દહીંમાં હાજર પ્રોબાયોટિક્સ ત્વચાની બળતરાને શાંત કરવામાં સહાયક છે. તેથી દહીં ખાવું સ્વાસ્થ્યવર્ધક અને સલામત છે, જ્યારે દૂધ અને આઇસક્રીમનું સેવન હાનિકારક છે.

દૂધ અને ડેરી ઉત્પાદનોને તમારા આહારમાંથી સંપૂર્ણપણે કાઢી નાખવામાં કોઈ લૉજિક દેખાતું નથી એવો જવાબ આપતાં ડૉ. બતુલ કહે છે, ‘યોગર્ટ અને ચીઝ ખાવાથી ઍક્ને થતા નથી, પરંતુ દૂધથી થઈ શકે છે. ઍક્નેના ડેવલપમેન્ટ માટે ઇન્સ્યુલાઇન રેઝિસ્ટન્સ જવાબદાર હોય છે. ઇન્સ્યુલાઇન ઍક્ટિવેટ થતાં ખીલની સમસ્યા વકરે છે. એનો અર્થ એ નથી કે દૂધ પીવું જ ન જોઈએ. અઠવાડિયે બે વાર દૂધ પીવામાં વાંધો નથી. ખીલ થતા હોય એવા યુવાનોને રોજ દૂધ પીવાની સલાહ હું નથી આપતી. ચીઝ અને બટરમાં હાઈ કાર્બોહાઇડ્રેટ હોય છે. પરિણામે વજન વધી જાય છે. ઓબેસિટીથી ઍક્ને ઉપરાંત બીજી ઘણી તકલીફોમાં વધારો થાય છે. તેથી એનો અતિરેક ટાળવો જોઈએ. તમે શું ખાઓ છો, એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ અને દૂધ સાથે કૉમ્બિનેશનમાં શું લો છો એ પણ મહત્ત્વનું છે. ખોટી ફૂડ હૅબિટના કારણે યુવાનોમાં ઍક્ને અને પિગ્મેન્ટેશન ઉપરાંત ઓબેસિટી અને લેઝિનેસ પણ જોવા મળે છે.’

વ્હે પ્રોટીન

વાસ્તવમાં ડેરી ઉત્પાદન સાથે વ્હે પ્રોટીનનો ઇનટેક તમારી સુંદરતાને નષ્ટ કરવાનું કામ કરે છે એવો અભિપ્રાય આપતાં ડૉ. બતુલ કહે છે, ‘આજકાલ યુવાનોમાં મસલ્સ ડેવલપ કરવાનો જે ટ્રેન્ડ ચાલ્યો છે એ ત્વચાની ખૂબસૂરતીને નષ્ટ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. યુવાનોમાં મેટાબોલિક સિન્ડ્રૉમ અને ઍક્નેનું મુખ્ય કારણ દૂધ અને ડેરી ઉત્પાદનો સાથે લેવામાં આવતું વ્હે પ્રોટીન છે. વ્હે પ્રોટીનના ઇન્ટેકથી ઍક્ને ઉપરાંત બ્લૅકહેડ્સ, વાઇટહેડ્સ, પિગ્મેન્ટેશન, સ્કાર્સ વગેરે જોવા મળે છે. શરીરમાં ટૉક્સિન અને હૉર્મોન્સ લેવલ વધવાથી ચહેરા પર ખીલ નીકળે છે. વ્હે પ્રોટીન લેતાં યુવાનોએ ડેરી ઉત્પાદનોનો ઇન્ટેક ઘટાડવો જોઈએ. જોકે ભલાઈ એમાં છે કે તમે વ્હે પ્રોટીન ન લો.’

મલાઈ લગાવી શકાય?

ત્વચાના પ્રકાર અનુસાર પ્રાકૃતિક વસ્તુઓ વાપરી શકાય છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘ઘરગથ્થુ પ્રયોગોથી સામાન્ય રીતે કોઈ નુકસાન થતું નથી, પરંતુ મલાઈ વાપરતાં પહેલાં તમારી ત્વચાના પ્રકાર વિશે જાણકારી મેળવી લો. શુષ્ક ત્વચામાં મલાઈનો પ્રયોગ કરી શકાય. તૈલીય ત્વચા ધરાવતા યુવાનોમાં ઍક્નેની સમસ્યા વધુ જોવા મળે છે. મલાઈમાં લૅક્ટિક ઍસિડની માત્રા વધુ હોવાથી સ્કિનના પોર્સને ક્લૉગિંગ (ત્વચાનાં છિદ્રોને શ્વાસ લેવામાં અવરોધ ઊભો થવો) કરે છે. ઍક્ને પર મલાઈનો ઉપયોગ કદાપિ ન કરવો જોઈએ. અલોવેરા, ટમેટાનો પલ્પ અથવા ઑરેન્જ સ્ક્રબ વાપરી શકાય. હોમ રેમેડીમાં રીઍક્શનને ટ્રીટ કરતાં એક વર્ષ જેટલો સમય લાગી જાય છે. તેથી ઘરમેળે ઉપચાર કરતાં પહેલાં સો વખત વિચાર કરવો.’

ઉપચાર શું?

ફૂડ હૅબિટ ચેન્જ કરવી બેસ્ટ ટ્રીટમેન્ટ છે એવી સલાહ આપતાં ડૉ. બતુલ કહે છે, ‘મોટા ભાગે કિશોરાવસ્થામાં જોવા મળતા ઍક્ને વીસ વર્ષની ઉંમર સુધીમાં આપમેળે મટી જાય છે અને ચહેરો ક્લિયર થઈ જાય છે, પણ એ માટે છથી સાત વર્ષ રાહ જોવી પડે. આટલા લાંબા સમય સુધી ચહેરા પર ઍક્ને કોને ગમે? ઍક્નેની સારવાર શક્ય એટલી વહેલી કરવી જોઈએ. મટી જશે એવું વિચારીને સારવાર ટાળવાથી ડાઘ-ધબ્બા રહી જવાની શક્યતા વધી જાય છે. જાણતાં-અજાણતાં ક્યારેક તો તમે ખીલને ફોડી જ નાખો છો. પરિણામે ડાઘ રહી જાય છે અને એની સારવાર ઘણી લાંબી ચાલે છે. સમજદારી એમાં છે કે તમારી ફૂડ હૅબિટ અને લાઇફ-સ્ટાઇલ ચેન્જ કરો. ટીનેજમાં જ સ્કિનની પ્રૉપર સંભાળ લેવામાં આવે તો ચહેરો સ્વચ્છ અને સુંદર રહે છે.’­

fashion fashion news Varsha Chitaliya