14 October, 2026 05:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવરાત્રિમાં રાસ-ગરબાની રમઝટ દરમ્યાન શરીરનો ઉત્સાહ અને એનર્જી ટૉપ લેવલ પર હોય છે. સતત ત્રણ-ચાર કલાક સુધી ગરબા રમતી વખતે હજારો સ્ટેપ્સ થતાં હોય છે અને સેંકડો કૅલરી બર્ન થતી હોય છે, જેને ટ્રૅક કરવા માટે સ્માર્ટવૉચ અત્યંત ઉપયોગી સાધન બની ગઈ છે. જોકે જ્યારે તમે ચણિયાચોળી, કેડિયા-ધોતી કે ભારે ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યાં હોય ત્યારે ઇનોવેટિવ ફૅશન-આઇડિયાઝ અને યોગ્ય સ્માર્ટ ઍક્સેસરીઝની મદદથી તમે ટેક્નૉલૉજીને તમારા ટ્રેડિશનલ લુકમાં એવી રીતે બ્લેન્ડ કરી શકો છો જે તમારા આઉટફિટને વધુ આકર્ષક બનાવે અને તમારું ફિટનેસ-ટ્રૅકિંગ પણ અટકે નહીં.
સ્માર્ટવૉચને તમારા એથ્નિક લુકનો જ એક હિસ્સો બનાવવા માટે થોડું મિક્સ ઍન્ડ મૅચ કરવું જરૂરી છે. તમે જ્યારે કાંડામાં સ્માર્ટવૉચ પહેરો છો ત્યારે એની સાથે પરંપરાગત ઘરેણાંનું લેયરિંગ કરી શકાય છે.
જો તમે ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી પહેરી રહ્યા છો તો સ્માર્ટવૉચની બાજુમાં જ બે કે ત્રણ પાતળાં ઑક્સિડાઇઝ્ડ કડાં અથવા એક સ્ટેટમેન્ટ ઍન્ટિક કડું ઉમેરો. આનાથી ઘડિયાળનો ટેક-લુક ઢંકાઈ જશે અને એ આખી કડા-સેટ ડિઝાઇનનો જ એક ભાગ લાગશે.
જો તમારો આઉટફિટ જરી, ગોટાપત્તી કે ગોલ્ડન વર્કવાળો હોય તો સ્માર્ટવૉચની ડાયલ ફ્રેમ મેટાલિક ગોલ્ડ કે રોઝ ગોલ્ડ હોવી જોઈએ. એની સાથે પિત્તળ કે ગોલ્ડ-પ્લેટેડ ટ્રેડિશનલ કડાં પેર કરવાથી કાંડું ખાલી પણ નહીં લાગે અને રૉયલ લુક મળશે.
જો એક હાથમાં સ્માર્ટવૉચ સાથે એક કડું પહેર્યું હોય તો બીજા હાથમાં ટ્રેડિશનલ બાજુબંધ, ભારે કડાં કે કાચની બંગડીઓનો સેટ પહેરો. આનાથી બન્ને કાંડાનો ઓવરઑલ લુક બૅલૅન્સ્ડ દેખાશે.
સ્માર્ટવૉચનો આઉટર લુક બદલવાનો સૌથી સરળ રસ્તો એના સ્ટ્રેપ અને કેસિંગ છે. નવરાત્રિ દરમ્યાન દૈનિક વપરાશના સિલિકૉન કે રબરના સ્ટ્રેપ બદલીને મેટલ ચેઇન, એમ્બ્રૉઇડરી, થ્રેડ વર્કનો સ્ટ્રેપ્સ નાખી શકો છો. કેડિયા-ધોતી અને કુરતા-પાયજામા માટે રૉ અને રસ્ટિક લુક જોઈતો હોય તો લેધર અથવા રોપ સ્ટ્રેપ પણ સારો લાગે.
બજારમાં અત્યારે ઑક્સિડાઇઝ્ડ કે સ્ટોનવર્કવાળા સ્માર્ટવૉચ કેસિંગ પ્રોટેક્ટર મળે છે. ઘડિયાળના ડાયલ પર આ કવર ચડાવી દેવાથી તમારી સાદી સ્માર્ટવૉચ ઍન્ટિક ડાયલ જેવી દેખાવા લાગે છે. સ્માર્ટવૉચના ડિસ્પ્લે પર ડિજિટલ ફિગર્સને બદલે ઍનલૉગ, વિન્ટેજ થીમ આધારિત ડાયલ ફેસ સેટ કરો. આનાથી ઘડિયાળ સ્ક્રીન પરથી પણ ટ્રેડિશનલ ફીલ આપશે.
પુરુષો ઘડિયાળ સાથે જાડું સિલ્વર કે ઑક્સિડાઇઝ્ડ કડું અથવા તો લેધર બ્રેસલેટ પેર કરી શકે છે. કાળા કે સફેદ રબર સ્ટ્રેપને બદલે ડાર્ક બ્રાઉન લેધર અથવા ઑક્સિડાઇઝ્ડ સિલ્વર ચેઇન સ્ટ્રેપ વાપરવો. આનાથી કેડિયાની કલરફુલ બૉર્ડર સાથે સ્માર્ટવૉચ એકદમ પર્ફેક્ટ સેટ થશે.
નવરાત્રિમાં ગરબા રમતી વખતે યોગ્ય મોડ સેટ કરવાથી ઍક્યુરેટ ડેટા મળે છે. મોટા ભાગની સ્માર્ટવૉચમાં ડાન્સ અથવા ઍરોબિક્સ મોડ હોય છે. જો આ વિકલ્પ ન દેખાય તો કાર્ડિયો અથવા ફ્રી ટ્રેઇનિંગ મોડ ઑન રાખવો. આનાથી ગરબાની મૂવમેન્ટ, હાર્ટરેટ, કૅલરી બર્ન અને ડ્યુરેશન બરાબર ટ્રૅક થશે.
ગરબામાં એક રાઉન્ડ દરમ્યાન હજારો સ્ટેપ્સ થતાં હોય છે. સ્માર્ટવૉચમાં ડેઇલી ગોલ વધારીને ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ સ્ટેપ્સનો રાખી શકાય છે, જેથી રમ્યા પછી તમારો ગરબાનો પર્ફોર્મન્સ ગ્રાફ જોવા મળે.
સતત ગરબા રમવાથી ડીહાઇડ્રેશન થવાનો અને હાર્ટરેટ ખૂબ વધી જવાનો ભય રહે છે. સ્માર્ટવૉચમાં હાઈ-હાર્ટરેટ વૉર્નિંગ અને વૉટર રિમાઇન્ડર સેટ કરીને રાખવું જેથી શરીર પર વધુપડતું સ્ટ્રેસ ન પડે.
ગરબાનાં ફાસ્ટ સ્ટેપ્સ અને તાળીઓની મૂવમેન્ટ દરમ્યાન ઘડિયાળ કે સ્માર્ટ ઍક્સેસરીઝને નુકસાન ન થાય એ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઘડિયાળ બહુ ઢીલી ન રાખવી. જો ઘડિયાળ કાંડા પર સરકતી રહેશે તો હાર્ટરેટ સેન્સર સાચો ડેટા નહીં આપે અને તાળીઓ પાડતી વખતે સાથે પહેરેલાં કડાં વાગવાથી સ્ક્રીન પર સ્ક્રૅચ પડી શકે છે.
સ્માર્ટવૉચની સ્ક્રીન પર ટેમ્પર્ડ ગ્લાસ ફિઝિકલ પ્રોટેક્ટર લગાવી લેવું. ગરબા રમતી વખતે અન્ય ખેલૈયાઓનાં આભલાં, કડાં કે દાગીના સાથે અથડાવાથી સ્ક્રીન તૂટી જવાનું જોખમ રહે છે. ગરબા રમતી વખતે પુષ્કળ પરસેવો થાય છે. ખાતરી કરો કે તમારી સ્માર્ટવૉચ વૉટર રેસિસ્ટન્ટ હોય. લેધર સ્ટ્રેપ પરસેવાથી જલદી ખરાબ થઈ જતા હોવાથી એને ગરબા પૂરા થયા પછી સૂકા કપડાથી સાફ કરી લેવા.