25 August, 2023 07:42 PM IST | Mumbai | Heta Bhushan
પ્રતીકાત્મક તસવીર
એક સમય હતો જ્યારે વારતહેવારે બે-ત્રણ પ્રકારના તાકા લાવીને ઘરે દરજી બેસાડીને ઘરના તમામ સભ્યોનાં લગભગ એકસરખાં કપડાં સીવવામાં આવતાં. કદાચ એ વાત ભલે હવે સદીઓ જૂની થઈ ગયેલી લાગતી હોય, પરિવારના સભ્યોમાં સિમિલર સ્ટાઇલનાં કપડાં પહેરવાનું ચલણ ફરીથી પાછું આવ્યું છે. કપલ્સમાં ટ્વિનિંગનો ટ્રેન્ડ ઘણા સમયથી ચાલી રહ્યો છે, મા-દીકરી અને પિતા-પુત્ર પણ હવે ટ્વિનિંગ કરે છે અને હવે રક્ષાબંધન આવી રહ્યો છે ત્યારે કિડ્સમાં ભાઈ-બહેનોમાં પણ ટ્વિનિંગ ટ્રેન્ડમાં છે.
ઘરમાં જો ટ્વિન્સ બાળકો હોય તો તેમને એકસરખાં કપડાં વર્ષોથી પહેરાવવામાં આવે જ છે પણ ટ્વિન્સ ન હોય તેવાં ભાઈ-બહેન માટે પણ અત્યારે આ ટ્વિનિંગ ડ્રેસિંગ ફૅશન જોરદાર ઇન થિંગ છે. તમને ભલે એવું લાગતું હોય કે આવી ફૅશન કરવી બાળકોને ગમશે કે નહીં પણ હા, આમ ભલે એકબીજા સાથે લડતાં-ઝઘડતાં ભાઈ-બહેન એકસરખાં એથ્નિક કપડાંમાં બહુ જ ક્યુટ લાગે છે. રક્ષાબંધનના ફેસ્ટિવલમાં આ ફૅશન પુરબહારમાં છે. આ કો-ઑર્ડિનેટેડ મૅચિંગ ડ્રેસ પહેરી રક્ષાબંધન ઊજવતાં ભાઈ-બહેનનો ફોટો લાઇફટાઇમ મેમરી બની જશે.
ટ્વિનિંગ ડ્રેસિંગ સ્ટાઇલમાં ફેસ્ટિવલને અનુરૂપ બૉય્ઝ અને ગર્લ્સના એથ્નિક ડ્રેસ મૅચિંગ બનાવવામાં આવે છે. માત્ર રંગ જ નહીં, પ્રિન્ટ અને ફૅબ્રિક મટીરિયલ પણ સેમ વાપરવામાં આવે છે અને એમાં એક નહીં, અનેક ઑપ્શન્સ અવેલેબલ છે. નંદિની ક્રીએશન્સનાં અશ્વિની ગાયકવાડ પાસે અત્યારે બિલકુલ સમય નથી, કારણ કે આ બ્રધર-સિસ્ટર મૅચિંગ એથ્નિક આઉટફિટ માટે ચારે બાજુથી ઑર્ડર આવી રહ્યા છે. ૧૫થી વધુ વર્ષોથી પર્સનલી ડ્રેસ, બ્લાઉઝ ડિઝાઇનિંગ અને ટેલરિંગનો અનુભવ ધરાવતાં અશ્વિની કહે છે, ‘કોરોનામાં બહુ સ્ટ્રગલ થઈ. એ દરમ્યાન નવી-નવી ડિઝાઇન્સ પર ખૂબ કામ કરવાની મોકળાશ મળી. એમાંથી મેં સ્ટિચ્ડ નવવારી સાડી, મધર-ડૉટર ડ્રેસ, બ્રધર-સિસ્ટર કૉમ્બો ડ્રેસના આઇડિયા ડેવલપ કરવા શરૂ કર્યા. ડિજિટલ માર્કેટિંગ દ્વારા જ્યારે અમે આ કૉમ્બો રજૂ કર્યા ત્યારે એને ઇન્સ્ટન્ટ હિટ મળ્યું છે. અત્યારે મારી પાસે બહુ પેન્ડિંગ ઑર્ડર છે. મારે બધાના તહેવારોમાં અમારા ડ્રેસ કૉમ્બો દ્વારા ખુશી ભરી દેવી છે. બ્રધર-સિસ્ટરની એજ અને સ્ટાઇલિંગ ચૉઇસ અનુસાર ટ્વિનિંગ ડિઝાઇન કરવું પડે જેમાં મૅચિંગ પ્રિન્ટનાં કુરતા-સલવાર ભાઈબહેન માટે બનાવવામાં આવે. ક્યારેક સિસ્ટર માટે પ્લેન પલાઝો પૅન્ટ અને પ્રિન્ટેડ કુરતી અને સેમ મૅચિંગમાં ભાઈ માટે પ્રિન્ટેડ કુરતો અને પ્લેન સલવાર બનાવાય. ભાઈ-બહેન બન્ને મૅચિંગ ધોતી-કુરતો પહેરી શકે છે. મૅચિંગ ટ્રેડિશનલ પટ્ટુ ડ્રેસ અને ભાઈના કુરતા જેવો જ બહેનનો લેહંગો અને પ્લેન સલવાર જેવી ચોલી, ભાઈ-બહેન બન્નેના મૅચિંગ જૅકેટ પણ કરી શકાય.’
ઈઝીલી અવેલેબલ છે
બાર મહિનાથી લઈને દસથી બાર વર્ષનાં બાળકો માટે આ ડિઝાઇનર મૅચિંગ આઉટફિટ રેડીમેડ ઑનલાઇન અને ઑફલાઇન મળે છે અને મેક ટુ ઑર્ડર પણ બનાવડાવી શકાય છે. માર્કેટમાં આ હિટ ટ્રેન્ડના અનેક પૉકેટ-ફ્રેન્ડ્લી ઑપ્શન્સ પણ અવેલેબલ છે. મમ્મીની એક સાડીમાંથી ભાઈ અને બહેન બંને માટે ડ્રેસ ડિઝાઇનર બનાવી આપે છે. સ્ટીલ અને સાઇઝ પ્રમાણે ૯૦૦થી લઈને ૩૦૦૦ સુધીના મૅચિંગ આઉટફિટ મળે છે. પૈઠણી, ખન સિલ્ક, વેલ્વેટ, જ્યૉર્જેટ, કૉટન વગેરે મટીરિયલમાં આ ફૅન્સી કૉમ્બો બનાવવામાં આવે છે.
કિડ્સ સિબલિંગમાં હિટ આ ફેસ્ટિવ ફૅશન ફીવર હવે ટીનેજર્સમાં પણ દેખાઈ રહ્યો છે. આ ફેસ્ટિવ ફીવરમાં ટીનેજર્સ ટ્વિનિંગ ડ્રેસિંગ કરી કે પછી મૅચિંગ કલર કો-ઑર્ડિનેશન ડ્રેસઅપ કરી તહેવારની મજા અને પ્રેમ ઊજવી શકે છે.
જો તમે વરણાગી હો તો આ પણ ટ્રાય કરી શકો
પૈઠણી સાડીમાંથી બહેનના ચણિયા-ચોળી અને ભાઈ માટે ધોતી અને જૅકેટ સુંદર લાગે છે બહેન માટે ફૅન્સી ધોતી અને વન શોલ્ડર પેપ્લમ ટૉપ અને ભાઈ માટે મૅચિંગ ધોતી-કુરતો બહેન માટે સ્પગેટી ટૉપ અને શરારા અને ભાઈ માટે મૅચિંગ જૅકેટ-કુરતો અથવા જોધપુરી કોટ સૂટ પણ બનાવી શકાય.