કંગનાની સમર પર્ફેક્ટ સાડીઓ

13 April, 2021 03:38 PM IST  |  Mumbai | Aparna Chotaliya

ઉનાળાનાં કમ્ફર્ટ જળવાઈ રહે એવા પરિધાનની શોધમાં હો તો કંગનાની હૅન્ડલૂમ સાડીઓ પરથી ઇન્સ્પિરેશન લેવા જેવી છે

કંગના

સમરવેઅરની વાત આવે ત્યારે મોટા ભાગની ઍક્ટ્રેસિસ શૉર્ટ કૉટન ડ્રેસ, મેક્સી ડ્રેસ અથવા રિપ્ડ જીન્સ અને સિમ્પલ ટી-શર્ટ પસંદ કરતી હોય છે. બીજી બાજુ કંગના એક જ એવી ઍક્ટ્રેસ છે જે તેના મોટા ભાગના ઍરપોર્ટ લુક્સમાં કે પછી કોઈ ઇવેન્ટમાં ભાગ લેતા સમયે સાડીઓમાં જોવા મળે છે અને તેનો આ જ લુક તેને ભીડમાંથી નોખો પાડે છે.

હૅન્ડલૂમ સપોર્ટર

કંગના હૅન્ડલૂમ ઇન્ડસ્ટ્રી અને ભારતની લોકલ બ્રૅન્ડ્સને ખૂબ સપોર્ટ કરે છે. તે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પણ સતત આ વિશે ઉલ્લેખ કરે છે. તે મોટા ભાગે કૉટન, મહેશ્વરી સિલ્ક, સિલ્ક તેમ જ બનારસી સાડીઓમાં જોવા મળે છે. તેની સાડીઓ હંમેશથી જ ચર્ચાનો વિષય રહી છે. હાલમાં કંગનાએ ઉનાળામાં જ પહેરી શકાય એવી કેટલીક હૅન્ડલૂમ સાડીઓ પહેરી હતી જેના પરથી ખરેખર ઇન્સ્પિરેશન લેવા જેવું છે. આ વિશે વાત કરતાં ફૅશન-ડિઝાઇનર શીતલ પારેખ કહે છે, ‘હૅન્ડલૂમ સાડી એટલે સુંદરતાની પરિભાષા કહી શકાય એવું વસ્ત્ર કે જેને એક જનરેશનથી બીજી જનરેશન સુધી પાસ કરીને એનો મોભો જાળવવામાં આવે છે. સાડીઓ હંમેશથી જ જગતભરના ફૅશન-ડિઝાઇનરો અને ફૅશનપરસ્તોની ફેવરિટ રહી છે. ભારતીય હૅન્ડલૂમની એક આગવી ખાસિયત છે. એના બ્રાઇટ રંગો, કૂલિંગ ફૅબ્રિક અને હાથે છાપવામાં આવેલી બુટ્ટીઓ ખાસ કરીને ઉનાળામાં કૂલ લુક અને કૂલ ફીલિંગ આપે છે.’

કંગનાની સાડીઓની વાત કરીએ તો તેણે તાજેતરમાં સિલ્કની બ્રાઇટ યલો બાંધણી પહેરી હતી. સિલ્કની બાંધણી આમેય પહેરવામાં હળવીફૂલ હોય છે એટલે સમર માટે તો પર્ફેક્ટ જ. વળી કંગનાએ એમાં રંગ પણ બ્રાઇટ સનશાઇન જેવો પસંદ કર્યો છે. કંગનાની આ સ્ટાઇલ વિશે શીતલ પારેખ કહે છે, ‘કંગનાની જેમ જ સમરમાં સાડીઓ સાથે સ્લીવલેસ બ્લાઉઝ સુંદર લુક આપે છે.’

બીજા લુકમાં કંગનાએ હૅન્ડલૂમ કૉટનની આછી ગુલાબી રંગની સાડી પહેરેલી એ લુક ખરેખર ખૂબ રૉયલ હતો.

યંગ લેડીઝમાં હૅન્ડલૂમ

સાડીઓ કોઈ સ્પેસિફિક એજગ્રુપનો ડ્રેસકોડ નથી અને એ વાત આજની યંગ લેડીઝ પુરવાર કરે છે. છેલ્લા કેટલાક સમયથી ઇન્ડિગો દાબુ અને બાગરુ પ્રિન્ટની સાડીઓ ખૂબ લોકપ્રિય બની છે. એ સિવાય મલ કૉટન અને હળવા ચંદેરી કૉટન સિલ્ક પર બાટિક પ્રિન્ટની સાડી પણ ઑફિસ ગોઇંગ લેડીઝની સમરવેઅર ચૉઇસ બની છે.

કૅઝ્યુઅલ વેઅરમાં પણ સાડી પહેરી શકાય એ વાત કંગનાના ઍરપોર્ટ લુક્સ વારંવાર સાબિત કરે છે. પેસ્ટલ શેડ્સ, ફ્લોરલ પ્રિન્ટ, હળવાં ફૅબ્રિક્સ આ બધાં જ પરિબળોને પણ સાડીમાં ઉતારી શકાય છે.

સમરમાં સાડીઓ પહેરવી હોય તો આ રહી કેટલીક સ્ટાઇલિંગ ટિપ્સ

હૅન્ડલૂમ ફૅબ્રિક જ પહેરો. જેમ કે પ્યૉર સિલ્ક, મહેશ્વરી સિલ્ક, ચંદેરી કૉટન અને સિલ્ક, મલ કૉટન વગેરે. વધુમાં શિફોનની હળવી ફ્લોરલ પ્રિન્ટ સાડીઓ પણ સુંદર લાગશે.

બ્લાઉઝ સ્લીવલેસ સારું લાગશે. અહીં નેકલાઇન સાથે એક્સપરિમેનેટ કરી શકાય. બંધગલા કે કૉલરવાળાં બ્લાઉઝ સ્ટાઇલિશ લાગશે.

 જ્વેલરીમાં ફક્ત ઇઅર-રિંગ અને એ પણ હૅન્ડમેડ ફૅબ્રિક કે ટેરાકોટાનાં. મેટલમાં સિલ્વર ઇઅર-રિંગ સારા લાગશે. નેકલેસ પહેરવો હોય તો લાંબો પહેરો જેથી ગરમી ન થાય.

હેરસ્ટાઇલમાં વાળ એક બનમાં બાંધેલા. એ હેરસ્ટાઇલ સમર ફ્રેન્ડ્લી પણ છે અને હૅન્ડલૂમ સાડી સાથે સારી પણ લાગશે.

columnists