15 October, 2026 06:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગરબાના ગ્રાઉન્ડમાં જેન્ડર ન્યુટ્રલ ફૅશનનો ક્રેઝ
ગરબાના મેદાનમાં દર વર્ષે ફૅશનનાં નવાં સમીકરણો રચાય છે. આ વખતે ખેલૈયાઓમાં ટ્રેડિશનલ ચણિયાચોળી અને કેડિયા ઉપરાંત ફ્લોરલ કુરતા, લાઇટ વેઇટ શ્રગ્સ અને ન્યુટ્રલ ટોન્સ ધરાવતી જેન્ડર ન્યુટ્રલ ફૅશનનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. કપડાંમાં સ્ત્રી અને પુરુષના ભેદભાવ ભૂંસીને કમ્ફર્ટ અને પર્સનલ સ્ટાઇલને પ્રાધાન્ય આપતી આ ફૅશન આ વખતનાં ગરબાનાં ગ્રાઉન્ડ્સ પર મુખ્ય આકર્ષણ બન્યું છે.
જેન્ડર ન્યુટ્રલ ફૅશન એટલે?
જેન્ડર ન્યુટ્રલ ફૅશનનો અર્થ એવા પોશાક કે સ્ટાઇલિંગથી છે જે ચોક્કસ લિંગ સુધી સીમિત નથી હોતા. ફિટિંગ ચોક્કસ શારીરિક બાંધાને બદલે ફ્રી-સાઇઝ અથવા ફ્લોઇ કટ્સ પર આધારિત હોય છે. બ્રાઇટ પિન્ક કે ડાર્ક બ્લુ જેવા ટિપિકલ કલર્સને બદલે પેસ્ટલ, અર્થલી અને ન્યુટ્રલ ટોન્સ જેમ કે આઇવરી, બેજ, ઑલિવ ગ્રીન, સૅન્ડલવુડનો વધુ ઉપયોગ થાય છે. કોઈ પણ વ્યક્તિ પોશાકને પોતાની પસંદગી અને કમ્ફર્ટ મુજબ સ્ટાઇલ કરી શકે છે.
તમારા કલેક્શનમાં ઉમેરતી વખતે શું ધ્યાન રાખવું?
ન્યુટ્રલ ટોન્સ અને ફ્લોરલ પ્રિન્ટ્સનો સમન્વય : આઇવરી, બેજ કે ક્લે-ટોનવાળા ફ્લોરલ કુરતા કે લૉન્ગ કુરતી ટાઇપ આઉટફિટ પસંદ કરો. જેન્ડર ન્યુટ્રલ લુક માટે બહુ લાઉડ કે ચળકતા રંગોને બદલે સબલ ફ્લોરલ મોટિફ્સ ધરાવતું કૉટન અથવા ચંદેરી ફૅબ્રિક શ્રેષ્ઠ રહે છે.
લાઇટ વેઇટ શ્રગ્સ અને જૅકેટ્સ : પ્લેન કુરતા કે ધોતી શૉર્ટ્સ પર જેન્ડર ન્યુટ્રલ ઇન્ડો-વેસ્ટર્ન લુક આપવા માટે હળવા વજનના આરી-વર્ક, બાંધણી કે કચ્છી એમ્બ્રૉઇડરીવાળા લેયર્ડ શ્રગ્સ ઉમેરો. આ શ્રગ્સ પુરુષો અને મહિલાઓ બન્ને દ્વારા સરળતાથી સ્ટાઇલ કરી શકાય છે.
શૉર્ટ કેડિયાં અને ધોતી પૅન્ટ્સ : ટ્રેડિશનલ શૉર્ટ કેડિયાં હવે ફ્લોઇ મટીરિયલમાં આવી રહ્યાં છે. આ કેડિયાંને મેન્સ અને વિમેન્સ બન્ને પેસ્ટલ પલાઝો, ધોતી પૅન્ટ્સ કે રિલૅક્સ્ડ-ફિટ ટ્રાઉઝર્સ સાથે પેર કરી શકે છે.
મિનિમલ ઍક્સેસરીઝ : ઓવર-ધ-ટૉપ જ્વેલરીને બદલે યુનિસેક્સ સિલ્વર ચૉકર, થ્રેડ બ્રેસલેટ્સ અથવા સિંગલ સ્ટેટમેન્ટ ઑક્સિડાઇઝ્ડ રિંગનો ઉપયોગ કરો. આ ઍક્સેસરીઝ લુકને વધારે ભાર આપ્યા વગર એલિગન્ટ બનાવે છે.
સ્ટાઇલ કેવી રીતે કરવું?
સીધા અને ટિપિકલ કટ્સને બદલે અસિમેટ્રિક હેમલાઇનવાળા કુરતા કે ટ્યુનિક્સ પસંદ કરો, જે ચાલતી કે ગરબે ઘૂમતી વખતે બ્યુટિફુલ ફ્લો આપે છે. ઍન્ટિ-ફિટ અથવા કૅપ-સ્ટિચ ડ્રેપ્સ કોઈ પણ પોશાક પર સરળતાથી સેટ થઈ જાય છે અને લુકને ઇન્સ્ટન્ટલી મૉડર્ન અને રૉયલ ટચ આપે છે. મોટો સ્કાર્ફ, ઓઢણી કે દુપટ્ટો ગળામાં નાખવાને બદલે એને ખભા પરથી ડ્રેપ કરીને કમર પર એક સબલ કમરપટ્ટા કે ફૅબ્રિક બેલ્ટથી સિક્યૉર કરો. આનાથી હૅન્ડ્સ-ફ્રી કમ્ફર્ટ મળશે.
ચમકીલા ફૅબ્રિકને બદલે ખાદી કૉટન, રૉ-સિલ્ક, ચંદેરી, લિનન અને જૂટ બ્લેન્ડ જેવું નૅચરલ ટેક્સ્ચર પસંદ કરો. ભારે જરી-ઝરદોશી કે ગ્લાસવર્કને બદલે અજરખ, બાંધણી, બ્લૉક પ્રિન્ટ અથવા મિનિમલ આરી-થ્રેડવર્કનું મિક્સ-ઍન્ડ-મૅચ લેયરિંગ વધુ સોબર અને ટ્રેન્ડી લાગે છે.
જો તમારું અપરવેઅર જેમ કે શ્રગ કે કુરતો વૉલ્યુમિનસ કે ઓવરસાઇઝ્ડ હોય તો બૉટમવેઅર જેમ કે ધોતી કે સ્ટ્રેટ પૅન્ટ વધુ ક્લીન અને ફિટેડ રાખવું. જો બૉટમમાં પલાઝો કે ફ્લેર્ડ ચણિયો-ધોતી હોય તો અપરવેઅર શૉર્ટ અને ફ્લોઇ રાખવું, જેથી લુક બૅલૅન્સ્ડ લાગે.
ગરબા રમતી વખતે પરસેવો થતો હોવાથી હેવી મેકઅપને બદલે સિમ્પલ સીસી ક્રીમ, સ્મજ-પ્રૂફ આઇલાઇનર અને કાજલ ગ્લોઇંગ મૉઇશ્ચરાઇઝરથી ડ્યુઇ નૅચરલ ગ્લો મેળવી શકાય. હેરસ્ટાઇલિંગ માટે મેસી બન કે હાઈ પોનીટેઇલ જે ગરબા રમતી વખતે ડિસ્ટર્બ ન કરે. ટેક્સ્ચર્ડ વેટ-લુક સી-સૉલ્ટ સ્પ્રેથી વાળને મેસી ટચ આપશો તો મસ્ત લાગશે.