ગરમીની આ સીઝનમાં ફ્લોરલ ઇઝ ફેવરિટ

21 March, 2023 06:21 PM IST  |  Mumbai | Kajal Rampariya

અત્યારે મોસમ છે એ જોતાં જરૂર છે શરીર અને મન બન્નેને ટાઢક કરાવે એવાં કપડાંની. ખીલેલી ધૂપમાં વૃક્ષો પર રંગબેરંગી ફૂલો જેમ સોહે છે એમ આ વખતે પેસ્ટલ શેડ્સમાં હળવાશવાળા રંગોનાં ફ્લાવર્સની પ્રિન્ટ ઇનથિંગ છે

ગરમીની આ સીઝનમાં ફ્લોરલ ઇઝ ફેવરિટ

ગરમીની સીઝનમાં ખાણી-પીણીની સાથે વૉર્ડરૉબમાં પણ ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડક આપે એવા ડ્રેસની ડિમાન્ડ વધી જાય છે ત્યારે ફ્લોરલ પ્રિન્ટનાં વસ્ત્રો અનુકૂળ રહે છે. ગરમીની સીઝનમાં ફ્લોરલ પ્રિન્ટને ડિઝાઇનરો વધુ અનુકૂળ ગણાવી રહ્યા છે. ફ્લોરલ પ્રિન્ટની રેન્જ એટલી બધી વ્યાપક છે કે તમે આ ડિઝાઇનનાં શર્ટ, ડ્રેસ, સ્કર્ટ, પૅન્ટ વગેરે કંઈ પણ પહેરી શકો છો. ઍક્સેસરીઝમાં પણ ફ્લોરલ પ્રિન્ટ ડિઝાઇનની ડિમાન્ડ ખાસ્સી રહેતી હોય છે. જોકે હાલમાં ફ્લોરલ પ્રિન્ટેડ મૅક્સી ડ્રેસનો ખુમાર યુવતીઓના માથે ચડ્યો છે. બૉલીવુડની અભિનેત્રીઓેની ફૅશનને ફૉલો કરવાનું ન ચૂકતી યુવતીઓ ગરમીની સીઝનમાં પણ ફ્લોરલ પ્રિન્ટેડ મૅક્સી ડ્રેસ પહેરવાનું પસંદ કરી રહી છે. 

ફ્લોરલ પ્રિન્ટમાં તમે બોલ્ડ અને સૉફિસ્ટિકેટેડ બંને રીતનો લુક અપનાવી શકો છો. ફ્લોરલ પ્રિન્ટની ખાસિયત એ પણ છે કે એ ફેર સ્કિન કે ડાર્ક સ્કિનવાળી મહિલાઓને પણ સારી લાગે છે.
શા માટે છે ટ્રેન્ડ?  | આ ટ્રેન્ડીવેઅર વિશે ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં બાવીસ કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવતાં અને મુલુંડમાં રહેતાં ફૅશન ડિઝાઇનર રશ્મિ શાહ કહે છે, ‘બેસિકલી ગરમીની સીઝનમાં ફ્લોરલ પ્રિન્ટ કોલ્ડ વાઇબ્સ આપે છે. મૅક્સી ડ્રેસિસ ગરમીની સીઝનમાં ઘણા કમ્ફર્ટેબલ હોય છે અને જીન્સ જેવો બફારો નથી થતો. મોટા ભાગે ફ્લોરલ પ્રિન્ટ વાઇટ અથવા ન્યુડ-બેઝ પર હોવાને કારણે ગરમીમાં સારી રહે છે. ફ્લોરલ પ્રિન્ટમાં ખીલેલાં ફૂલો પર ઊડતાં પતંગિયાં જોઈને આંખોને પણ ઠંડક મળે છે.’

ફ્રેશ કલર્સ આપે છે કોલ્ડ વાઇબ્સ |  મૅક્સી ડ્રેસમાં કલરની વાત કરીએ તો બ્રાઇટ ફ્રેશ કલર્સ અને પેસ્ટલ કલર્સ પ્રિફર કરે છે. ફ્લોરલ પ્રિન્ટ સાથે બ્રાઇટ કલર્સ બેસ્ટ કૉમ્બિનેશન માનવામાં આવે છે. લાઇમ, સિટ્રસ ગ્રીન અને હૉટ પિન્ક જેવા કલર લોકો પહેરવાનું પસંદ કરે છે. ડાર્ક કલર્સ શિયાળામાં ચાલે છે, કારણ કે એ શરીરને ગરમી આપે છે.

ટિયર્ડ મૅક્સી ડ્રેસનો છે ટ્રેન્ડ | વાતનો દોર આગળ વધારતાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજીથી ગ્રૅજ્યુએટ થયેલી રશ્મિ કહે છે, ‘સ્ટ્રેપલેસ અથવા સ્ટ્રેપવાળા મૅક્સી ડ્રેસિસની ડિમાન્ડ વધી ગઈ છે. આ ઉપરાંત ટિયર્ડ મૅક્સી ડ્રેસ પણ ફૅશનની દુનિયામાં ધૂમ મચાવી રહ્યા છે. ટિયર્ડ મૅક્સી ડ્રેસ ત્રણ લેયરનો ડ્રેસ હોય છે જે બોહિમિનિયન લુક આપે છે. લેન્થની વાત કરીએ તો થ્રી-ફોર્થ લેન્થ મૅક્સી ડ્રેસિસ વધુ ચાલી રહ્યા છે. આ ઉપરાંત એસિમેટ્રિકલ હેમલાઇન્સનો પણ ટ્રેન્ડ છે. એટલે કે એક બાજુથી ટૂંકું હોય અને બીજી બાજુથી લાંબું હોય અથવા આગળથી શૉર્ટ હોય અને પાછળથી લાંબું હોય.’

આ પણ વાંચો: સનટૅનથી બચવા 30 એસપીએફવાળું સનસ્ક્રીન પૂરતું છે

સસ્ટેનેબલ ફૅશન યુવતીઓની પહેલી પસંદ | ફ્લોરલ પ્રિન્ટમાં યુવતીઓ ખાસ કરીને જ્યૉર્જેટ, શિફોન, ક્રૅપ કૉટન, રેયૉન કૉટન, ક્રશ કૉટન જેવાં લાઇટવેઇટ ફૅબ્રિક્સ પહેરવાનું પસંદ કરે છે. આ ફૅબ્રિક્સ બહુ જ સૉફ્ટ હોય છે. આવા કાપડમાં શરીરને ગરમી ફીલ નથી થતી. ફૅશનમાં પણ ખાસ કરીને લોકો સસ્ટેનેબલ ફૅશન અપનાવી રહ્યા છે. કૉટન અને લિનનનું ફૅબ્રિક લાંબા સમય સુધી ચાલે છે અને બધી સીઝનમાં કમ્ફર્ટેબલ અને ફૅશનેબલ ફીલ આપે છે. ફ્લોરલ પ્રિન્ટિંગ પૅટર્નની વાત કરીએ તો નાનાં ફ્લાવર્સની પ્રિન્ટ અને ઍબ્સ્ટ્રૅક્ટ પ્રિન્ટિંગ અત્યારે ખૂબ જ ચાલી રહ્યું છે.

સ્લીવ્ઝમાં થઈ રહ્યા છે જાતજાતના પ્રયોગો | ડિઝાઇનિંગ કરીએ ત્યારે રફલ્સ એટલે કે ફ્રિલ્સ પર પણ ખાસ્સું ધ્યાન આપવામાં આવે છે. સ્લીવ્ઝ, નેકલાઇન્સ અથવા ડ્રેસની નીચેના ભાગમાં બ્રૉડ ફ્રિલ્સ તમારા લુકને એન્હૅન્સ કરે છે. તેથી ફ્રિલ્સ હાલમાં ઘણી મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. આ ઉપરાંત બલૂન સ્લીવ્ઝ, બેલ સ્લીવ્ઝ અને ફ્લેરી સ્લીવ્ઝ પહેરવાનું લેડીઝ પસંદ કરે છે.
શૉપિંગ કરવા જાવ તો આટલું રાખજો ધ્યાન | ફ્લોરલ પ્રિન્ટેડ મૅક્સી ડ્રેસ વેકેશનવેઅર, બીચવેઅર અને કૅઝ્યુઅલવેઅર માટે આઇડિયલ છે; પરંતુ પાર્ટીવેઅર માટે જો તમે ફ્લોરલ પ્રિન્ટ પસંદ કરો છો તો બૉડી-ફિટિંગ ડ્રેસ ઇઝ બેસ્ટ.

મૅક્સી ડ્રેસિસ સામાન્યપણે ટીનેજર્સથી લઈને ૪૦ વર્ષની સ્ત્રીઓ પહેરવાનું પસંદ કરતી હોય છે. ફ્લાવર્સની બોલ્ડ પ્રિન્ટ હાલમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે; પરંતુ જો તમે ફૅટ છો તો નાનાં ફ્લાવર્સની પ્રિન્ટવાળા મૅક્સી ડ્રેસ પહેરવા જોઈએ, જેથી તમારી બૉડી દેખાવમાં સ્લિમ લાગે. જો તમે પાતળા હો તો બોલ્ડ ફ્લાવર પ્રિન્ટેડ મૅક્સી ડ્રેસ પહેરી શકો છો. ખાસ કરીને આ પ્રકારના ડ્રેસ ટીનેજ ગર્લ્સ પર વધુ સૂટ થાય છે. જો તમારી સ્કિન શ્યામવર્ણી છે તો પેસ્ટલ અને ફ્રેશ કલર્સ ચૂઝ કરવા જોઈએ. પાતળી છોકરીઓએ નીચેના ભાગમાં ફ્રિલ્સ હોય એવા ડ્રેસ પસંદ કરવા જોઈએ, જેથી તેમનું બૉડી ફુલર લાગે.

columnists fashion news fashion