02 August, 2026 05:18 PM IST | Ajrakhpur | Shailesh Nayak
૫૦૦૦ વર્ષ જૂની અજરખ કળા ફરી આવી રહી છે લાઇમલાઇટમાં
અમેરિકામાં ધી ઑડિસી ફિલ્મના પ્રીમિયરમાં નિર્માતા ક્રિસ્ટોફર નોલને અજરખ સિલ્કની ટાઈ પહેરી એ પછી પાંચ હજાર વર્ષથીયે જૂની આ ભારતીય કળા વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવી છે. હડપ્પનકાળથી ચાલી આવતી આ હૅન્ડ બ્લૉક પ્રિન્ટ કળા એક સમયે સાવ જ સમેટાઈ રહી છે એવું લાગતું હતું, પરંતુ પરંપરાગત ફૅશન બાબતે મૉડર્ન સમયમાં આવેલી જાગૃતિને પગલે ફરીથી વિશ્વના ફૅશનજગતને અચરજ પમાડી રહી છે ત્યારે કચ્છના કસબી પાસેથી જાણીએ આ કળા વિશે
અમેરિકામાં તાજેતરમાં હૉલીવુડની ફિલ્મ ‘ધી ઑડિસી’નો પ્રીમિયર શો યોજાયો હતો. હૉલીવુડની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓ અને મહેમાનો એમાં ઊમટ્યાં હતાં. આ ફિલ્મના નિર્માતા ક્રિસ્ટોફર નોલન ભારતીય પરંપરાગત કળા અજરખ સિલ્કની ટાઈ પહેરીને આવ્યા હતા. આ એક ટાઈએ વિશ્વના ફૅશનજગતમાં આજે ફરીથી અજરખ કળાની ચર્ચા ઉખેળી છે. આ અજરખ કળા કચ્છમાં સદીઓથી થાય છે. કચ્છમાં આ કળાના કસબીઓએ આજે પણ પરંપરાગત અજરખ કળાને જાળવી રાખી છે ત્યારે આ કળા વિશે જાણીએ:
કચ્છનું અજરખપુર ગામ અજરખ કળાના પરંપરાગત વ્યવસાય માટે જાણીતું છે. આ ગામમાં રહેતા અને ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા અજરખ પ્રિન્ટ માટે શ્રેષ્ઠતાના સર્ટિફિકેટથી સન્માનિત ૬૭ વર્ષના ડૉ. ઇસ્માઇલ ખત્રી અજરખ કળા વિશે ‘મિડ-ડે’ને કહે છે, ‘આજે હું નવમી પેઢીએ અજરખ કળાનું કામ કરી રહ્યો છું. વર્ષો પહેલાં અમારા વડવાઓ કચ્છમાં આવેલા ત્યારે કચ્છના રાજા રાવ ભારમલજી પહેલાએ તેમને વસાવ્યા હતા. એ જમાનામાં તેઓ સ્થાનિક માણસોના પહેરવેશ બનાવીને વેચતા હતા. એમાં અજરખ ડિઝાઇન કરતા હતા. આ અજરખ કળા પાંચ હજાર વર્ષ જૂની કળા છે. ખોદકામ દરમ્યાન હડપ્પન સિવિલાઇઝેશનમાંથી જે અવશેષો મળ્યા અને ગામો નીકળ્યાં એમાં કચ્છમાં ધોળાવીરા, ગુજરાતમાં લોથલ, રાજસ્થાનમાં પાલીબંગન અને પાકિસ્તાનમાં મોહેંજો દારો ગામ નીકળ્યાં. ત્યાંથી અમુક પથ્થરો, મૂર્તિઓ, મકાનમાં લગાવતી ટાઇલ્સ નીકળ્યાં એનાં કાર્બન ઍનૅલિસિસ થયાં હતાં જેમાં આ કળા બહાર આવી. રાજાની મૂર્તિ મળી આવી હતી એમાં અજરખ પ્રિન્ટનો પહેરવેશ હતો. એ જે ડિઝાઇન છે એ અમારી પાસે હજારો વર્ષથી છે. ધોળાવીરામાં અવશેષો મળ્યા છે એની પણ ડિઝાઇન ફિટ થાય છે. ત્યાં પથ્થર પર કોતરેલી અજરખ પ્રિન્ટ મળી આવી હતી એવી ડિઝાઇન અમારી પાસે આજે પણ છે. એટલે અજરખની માન્યતા પાંચ હજાર વર્ષ જૂની છે.’
સદીઓ પહેલાંથી અજરખ કળા હૅન્ડ બ્લૉક પ્રિન્ટથી થતી આવતી કળા છે જેમાં લાકડાના બ્લૉક પર પરંપરાગત અવનવી ડિઝાઇન કરીને નૅચરલ કલરથી કાપડ પર એ પ્રિન્ટ કરવામાં આવે છે એની વાત કરતાં ડૉ. ઇસ્માઇલ ખત્રી કહે છે, ‘લાકડાના બીબા પર અમે જુદી-જુદી ડિઝાઇન બનાવીએ છીએ. ૪ ઇંચ બાય ૪ ઇંચ લંબાઈ, ૮ બાય ૫ ઇંચ તેમ જ મૅક્સિમમ ૮ બાય ૬ ઇંચની લંબાઈનાં બીબાં બને છે. એના પર પરંપરાગત ડિઝાઇન બનાવીએ છીએ. આ ડિઝાઇન અલગ-અલગ આકારની હોય છે. રિયલ ડિઝાઇન, ચક્કી ડિઝાઇન, ખારેક ડિઝાઇન, દાણાવાળી ડિઝાઇન, કક્કર ડિઝાઇન, માદાગુલ ડિઝાઇન, હેન્ધોરો ડિઝાઇન આવી તો ઘણીબધી ડિઝાઇન છે. પરંપરાગત ડિઝાઇનની સાથે-સાથે અમે આજના સમયની ડિઝાઇન પણ કરીએ છીએ. એટલે જૂનું પણ સાચવ્યું છે અને હાલમાં જે ફૅશન ચાલે એ ડિઝાઇન પણ કરીએ છીએ.’
અજરખની ડિઝાઇન જુદા-જુદા કાપડ પર થાય છે એ વિશે વાત કરતાં ડૉ. ઇસ્માઇલ ખત્રી કહે છે, ‘સૌથી પહેલાં સુતરાઉ કાપડ પર અને હાથવણાટના કાપડ પર આ ડિઝાઇન થતી હતી. એ પછી મિલોનું કાપડ આવ્યું એના પર ડિઝાઇન કરતા હતા. અત્યારે વુલ, સિલ્ક, કૉટન, લિનન, ટસર સિલ્ક, રેયૉન, બનાના ફાઇબર, જૂટ ફાઇબર પર પણ કામ કરીએ છીએ. સાડી, ડ્રેસ-મટીરિયલ્સ, શાલ, દુપટ્ટા, સ્ટોલ, બ્લાઉઝ, ચણિયા, શર્ટ પર પણ હૅન્ડ બ્લૉક પ્રિન્ટથી અજરખ ડિઝાઇન થાય છે. એમાં સ્ટાર, ફૂલ, ગોળ આકાર, લીટીઓ સહિતની ડિઝાઇન કરીએ છીએ.’
આપણા ઘરમાં જ એવી કેટલીયે ચીજવસ્તુઓ છે જેમાંથી નૅચરલ કલર બને છે જે માણસો અને પર્યાવરણ બન્ને માટે નુકસાનકારક નથી. આવી ચીજવસ્તુઓનું મિશ્રણ કરીને નૅચરલ કલર બનાવવામાં આવે છે. ડૉ. ઇસ્માઇલ ખત્રી કહે છે, ‘અમે પરંપરાગત કલરનો ઉપયોગ કરીએ છીએ. પ્રિન્ટ કરવા માટે ચૂનો, બાવળનો ગુંદ, હરડે, કચૂકાનો લોટ, હળદર, ગોળ, ચણાનો લોટ, મજેઠીનાં મૂળિયાં, રવેચીનાં મૂળિયાં, ફટકડી, આમલી અને એનાં બિયાં, દાડમનાં છોતરાં તેમ જ જૂના લોખંડનો રંગ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત કેસૂડાંનાં ફૂલો, ધાવડીનાં ફૂલો તેમ જ ગેંદાનાં ફૂલોનો પણ ઉપયોગ કરીએ છીએ. આ કલર સ્કિન પર નુકસાન નથી કરતા.’
અજરખ પ્રિન્ટ કરેલાં કપડાંની ખાસિયત જણાવતાં ડૉ. ઇસ્માઇલ ખત્રી કહે છે, ‘કચ્છ અને રાજસ્થાનમાં રણવિસ્તાર વધુ છે એટલે રાતે બહુ ઠંડી પડે અને દિવસમાં ગરમી પડે. અજરખમાં એક તાસીર એ છે કે આ પ્રિન્ટનું કપડું તમને ગરમીમાં ઠંડક આપે છે અને ઠંડીમાં ગરમી આપે છે. અજરખ પ્રિન્ટને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ મળ્યો છે. અમે જ્યારે અજરખનું પ્રેઝન્ટેશન કરવા ગયા ત્યારે ત્યાં અમને પૂછ્યું હતું કે આની ખાસિયત શું છે? ત્યારે અમારી પાસે જે દેશી જુગાડ હતો એની વાત કરતાં કહ્યું હતું કે અજરખના કપડાને તમે સળગાવો તો એમાં બ્લુ કલર છે ઇન્ડિગોનો એવું થોડું વૅક્સ જેવું હોય છે એટલે આગનો ધુમાડો નીકળે એ તમે ભીંત પાસે રાખો તો બ્લુ કલર અપ્લાય કરશે. આ બ્લુ કલર ચીકણો હોય છે એટલે જ્યારે ગરમી હોય તો કલર કરેલા કપડાના રેસા ખૂલી જાય અને હવાની અવરજવર થાય તો ઠંડક લાગે અને જ્યારે ઠંડી હોય ત્યારે રેસા ભેગા થઈ જાય, ચીપકી જાય અને હવાની અવરજવર ન થાય એટલે બૉડીનું ટેમ્પરેચર મેઇન્ટેઇન રહે. આ એની ખાસિયત છે.’
છેલ્લાં ૫૦ કરતાં વધુ વર્ષથી કામ કરીને અજરખ કળામાં આગવી નામના મેળવનાર ડૉ. ઇસ્માઇલ ખત્રીને ત્યાં દેશવિદેશથી ઘણા લોકો આ કળા શીખવા તેમ જ જાણવા આવે છે. ટેક્સટાઇલ તેમ જ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ્સ પણ આવે છે. ડૉ. ઇસ્માઇલ ખત્રીએ આ માટે પોતાનો સ્ટુડિયો બનાવ્યો છે તેમ જ અજરખ કળા વિશે બાવીસ મિનિટની ફિલ્મ બનાવી છે. તેમણે આખો અજરખનો સેટ ઊભો કર્યો છે. હિન્દી, અંગ્રેજી, જપાની અને ફ્રેન્ચ ભાષામાં લખાણ કર્યું છે. કલર અલગ-અલગ ડબ્બીઓમાં રાખ્યા છે જેથી કોઈને પણ આ કળા વિશે જાણવું હોય, સમજવું હોય તો સમજી શકે છે. ડૉ. ઇસ્માઇલ ખત્રી કહે છે, ‘વિદ્યાર્થીઓને આ કળા વિશે સમજાવવાનો છે શોખ છે એટલે હું ફ્રીમાં સમજાવું છું.’
હમણાં અજરખ કળા ચર્ચામાં આવી એ વિશે પ્રતિભાવ આપતાં ડૉ. ઇસ્માઇલ ખત્રી કહે છે, ‘આ કળા વિશે ફૅશનજગતમાં ચર્ચા ચાલી એ અમારા માટે સારી વાત છે. કોઈ સેલિબ્રિટી અજરખ ડિઝાઇનવાળાં કપડાં પહેરે છે તો બધા તેને જુએ છે અને ચર્ચા થાય છે એટલે અમારું કામ થાય છે. આ એક પ્રકારનું માર્કેટિંગ છે. ૧૯૮૦માં મેં એક ફિલ્મ માટે અજરખનો ડ્રેસ બનાવી આપ્યો હતો, જેમાં દાણા પ્રિન્ટની ડિઝાઇન હતી. કદાચ શબાના આઝમીએ એ ડ્રેસ પહેર્યો હતો.’
આખું ગામ એક પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલું હોય એવું બહુ ઓછું જોવા મળે. કચ્છનું અજરખપુર ગામ એમાંનું એક છે. આ ગામમાં ઓછામાં ઓછી ૧૦૦થી વધુ વર્કશૉપ છે જેને કારણે સ્થાનિક યુવાનોથી માંડીને દેશનાં અન્ય રાજ્યોમાંથી લોકો રોજગારી માટે અજરખપુર આવે છે. આ વિશે વાત કરતાં અજરખપુરમાં અજરખ બાય જુનેદ નામથી કામ કરતા ૨૮ વર્ષના જુનેદ ગની મોહમ્મદ ખત્રી ‘મિડ-ડે’ને કહે છે ‘અજરખકામ અમારુ પરંપરાગત કામ છે. અહીં ઘણીબધી વર્કશૉપ છે. હું કૉટન સિલ્ક અને ગજી સિલ્ક સહિતના કાપડ પર કામ કરું છું. સાડી, સલવાર સૂટ, સ્ટોલ, દુપટ્ટા, કુરતી સહિતના પહેરવેશ તેમ જ અન્ય કાપડ પર અજરખ પ્રિન્ટનું કામ કરું છું. અમે નૅચરલ કલરથી કામ કરીએ છીએ. અમારા ગામ ઉપરાંત આસપાસના દસથી ૧૫ કિલોમીટરના વિસ્તારમાં આવતાં ગામોના લોકો પણ અહીં કામ કરવા આવે છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડથી પણ કારીગરો આવે છે. આ બધાને અહીં રોજગારી મળે છે.’
ડૉ. ઇસ્માઇલ ખત્રીને ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા અજરખ પ્રિન્ટ માટે શ્રેષ્ઠતાના સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ૨૦૦૩માં ઇંગ્લૅન્ડની ડી મૉન્ટફોર્ટ યુનિવર્સિટી દ્વારા ડૉક્ટર ઑફ આર્ટ્સની ઑનરરી ડિગ્રી મળી છે. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન દ્વારા સીલ ઑફ એક્સલન્સ ફૉર હૅન્ડિક્રાફટ્સ માટે ૨૦૦૬માં સન્માનિત કરવામાં આવ્યા છે. મુંબઈમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય દ્વારા તેમની એજ્યુકેશનલ ડૉક્યુમેન્ટરી તાના-બાનાને સર્ટિફિકેટ મળ્યું છે.
કચ્છના મુખ્ય શહેર ભુજથી માત્ર ૧૫ કિલોમીટર દૂર આવેલું અજરખપુર ગામ ભૂકંપ બાદ વિકસ્યું છે. ડૉ. ઇસ્માઇલ ખત્રી કહે છે, ‘અમારા વડવાઓ અને અમે ધમણકા ગામે રહેતા હતા, પરંતુ ૨૦૦૧માં કચ્છમાં આવેલા ભૂકંપ બાદ ગામ બદલવાની વાત થઈ અને બધાએ ભેગા મળીને નવું ગામ બનાવ્યું. એનું નામ અજરખપુર પાડ્યું. આ ગામ બનાવતાં પહેલાં અમે બધાએ પાણી જોયું, જમીન જોઈ અને ત્યાર બાદ ભુજથી ભચાઉ તરફ જતાં ૧૫ કિલોમીટર દૂર જગ્યા પસંદ કરી અમારા પૈસાથી જમીન લઈને ગામ વિકસાવ્યું. ગામમાં વર્કશૉપ અને રેસિડન્સ માટે અલગ-અલગ વિસ્તાર બનાવ્યા છે. જમિયત ઉલમા-એ-હિન્દે અમને રહેવા માટે મકાન બનાવી આપ્યાં અને વિવેકાનંદ રિસર્ચ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ, માંડવીએ ફન્ડ ભેગું કરીને અમને વર્કશૉપ બનાવી આપી હતી. ૨૦૦૪માં અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠન બનાવ્યું જેનો હું પ્રમુખ છું. અમારા ગામમાં ૨૫૦ જેટલાં ઘરો છે અને લગભગ તમામ લોકો અજરખ કળામાં જોડાયેલા છે. ગામમાં અંદાજે ૧૦૦ જેટલાં અજરખનાં કારખાનાં છે. ધમણકા ગામમાં ૧૦૦ ઘરો છે. આ ઉપરાંત અંજાર તેમ જ ભુજની આજુબાજુનાં ગામોમાં પણ પરિવારો અજરખનું કામ કરે છે.’