શિફૉન મિડી સ્કર્ટ્‍સનું કમબૅક

11 June, 2026 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૅશનવર્લ્ડમાં સેન્સેશન બની રહેલાં મિડી સ્કર્ટ કમ્ફર્ટની સાથે લુકને ઇન્સ્ટન્ટ ગ્લૅમરસ બનાવે છે. તમારા પર કેવાં સ્કર્ટ સારાં લાગશે એની સ્ટાઇલ ગાઇડ જાણી લો

શિફૉન મિડી સ્કર્ટ્‍સ

હવામાં લહેરાતું, એકદમ લાઇટ વેઇટ અને શિફૉન ફૅબ્રિક અત્યારે ગ્લોબલ ફૅશન ટ્રેન્ડમાં છે ત્યારે શિફૉનનાં મિડી સ્કર્ટ અત્યારે સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની રહ્યાં છે. આ સ્કર્ટ પહેરવામાં ફક્ત કમ્ફર્ટેબલ જ નથી, પણ તે એલિગેન્ટ અને ક્લાસી લુક પણ આપશે. ફૅશનનો ગોલ્ડન રૂલ છે કે દરેક કપડું તમારી બૉડી ટાઇપ સાથે સુસંગત હોવું જોઈએ. જો તમે પણ આ ટ્રેન્ડને ફૉલો કરવા માગો છો, તો તમારા બૉડી ટાઇપ મુજબ યોગ્ય ડિઝાઇન પસંદ કરીને તમે તમારી સ્ટાઇલને વધુ એન્હાન્સ કરી શકો છો.

કેવી ડિઝાઇન છે ટ્રેન્ડમાં?

પ્લીટેડ શિફૉન મિડી સ્કર્ટ

આ એવરગ્રીન ક્લાસિક સ્કર્ટ છે અને ફૅશન-લિસ્ટમાં પણ ટૉપ પર છે. શિફૉનના મટીરિયલમાં પ્લીટ્સ આવે ત્યારે એ શરીરને સરસ સ્ટ્રેઇટ અને સ્લિમ લુક આપે છે. આ ડિઝાઇન એટલી વર્સેટાઇલ છે કે તમે ઉપર ફૉર્મલ શર્ટ સ્ટાઇલ કરીને તેને ઑફિસ લુક આપી શકો છે અને ઉપર કૅઝ્યુઅલ ટી-શર્ટ કે ક્રોપ ટૉપ પહેરીને ફ્રેન્ડ્સ આઉટિંગ માટે પણ રેડી થઈ શકો છો.

ટાયર્ડ અને રફલ્ડ ડિઝાઇન

જો તમને થોડો સૉફ્ટ, ક્યૂટ અને ફેમિનિન લુક ગમતો હોય તો આ ડિઝાઇન તમારા માટે છે. આમાં સ્કર્ટ એકસરખાં સ્ટેપ-બાય-સ્ટેપ લેયર્સ અથવા ફ્રિલ્સ સાથે તૈયાર કરવામાં આવે છે. શિફૉનની આ ડિઝાઇન લુકમાં સારો એવો ઘેરાવ ઉમેરે છે, જે તમને એકદમ ફ્રેશ લુક આપશે. આ સ્કર્ટ્‍સ બર્થડે પાર્ટી, ડેટ નાઇટ કે ફેસ્ટિવલના નાના ફંક્શન માટે બેસ્ટ ઑપ્શન છે.

ફ્લોરલ અને ઍનિમલ પ્રિન્ટ્સ 

પ્લેન કલર્સથી કંટાળ્યા હોવ તો પ્રિન્ટ્સ અત્યારે ખૂબ ડિમાન્ડમાં છે. એમાંય ખાસ કરીને શિફૉન પર ઝીણી ફૂલ-વેલની પ્રિન્ટ ખૂબ જ સોબર લાગે છે. બીજી તરફ, જો તમારે થોડો મૉડર્ન અને બોલ્ડ લુક જોઈતો હોય તો ચિત્તા કે ઝીબ્રા પ્રિન્ટ અત્યારે સુપર હૉટ ટ્રેન્ડ છે. વેકેશન પર જવાનાં હોવ, બીચ ગેટઅવે હોય કે સન્ડે બ્રન્ચ હોય — આ પ્રિન્ટેડ શિફૉન સ્કર્ટ્‍સ તમને ભીડમાંથી અલગ તારવશે.

એસિમેન્ટ્રિકલ ડિઝાઇન

જો તમારે સાદાં કે સરખાકટ વાળાં સ્કર્ટ નથી પહેરવાં તો આ મૉડર્ન ડિઝાઇન ટ્રાય કરો. આમાં સ્કર્ટની નીચેની બૉર્ડર એકસરખી ગોળ હોવાને બદલે આગળથી થોડું ટૂંકું અને પાછળથી લાંબું, અથવા જેમાં સાઇડમાં એક સરસ સ્લિટ આપેલો હોય. આ ડિઝાઇન તમારા લુકમાં એક ડ્રામેટિક અને બોલ્ડ એલિમેન્ટ ઉમેરે છે. સાંજના સમયે કોઈ હાઇ-ફાઇ ક્લબ પાર્ટી કે ડિનર ડેટ માટે આ લુક એકદમ પાવરફુલ અને સ્ટાઇલિશ લાગશે.

બૉડી ટાઇપના હિસાબે આ રીતે પસંદ કરો તમારું પર્ફેક્ટ શિફૉન મિડી સ્કર્ટ

પિયર શેપ બૉડી : હિપ્સ અને થાઇઝનો ભાગ ખભા કરતાં વધુ બ્રોડ હોય તો A-લાઇન શિફૉન મિડી સ્કર્ટ અથવા હાઈ-વેસ્ટેડ ફ્લેર્ડ સ્કર્ટ ઉત્તમ રહેશે. હાઈ-વેસ્ટ સ્કર્ટ તમારી કમરને પાતળી દર્શાવશે અને શિફૉનનું ફ્લોઈ ફૅબ્રિક હિપ્સના ભાગને સરસ રીતે કવર કરીને બૅલૅન્સ લુક આપશે. આની સાથે ફિટેડ ટૉપ અથવા ક્રોપ ટૉપ પેર કરો.

અવરગ્લાસ બૉડી : બસ્ટ અને હિપ્સનો ભાગ પહોળો હોય અને કમર એકદમ પાતળી હોય તો પ્લીટેડ શિફૉન મિડી સ્કર્ટ અથવા બેલ્ટેડ મિડી સ્કર્ટ તમારા કર્વ્સને સુંદર રીતે હાઇલાઇટ કરશે. એવાં સ્કર્ટ પસંદ કરો જે બરાબર તમારી નૅચરલ વેસ્ટલાઇન પર ફિટ થતાં હોય. સ્કર્ટની અંદર શર્ટ કે ટૉપને ટક-ઇન કરો અથવા ઉપરથી એક સરસ સ્લિમ બેલ્ટ લગાવો, જેથી કમર આકર્ષક દેખાય.

ઍપલ શેપ બૉડી : ખભા અને બસ્ટની સાથે મિડ સેક્શન હેવી હોય અને પગ પાતળા હોય એવી યુવતી માટે આભાસ ઊભો કરતાં ટાયર્ડ શિફૉન સ્કર્ટ અથવા અેસિમેટ્રિકલ હેમલાઇનવાળાં સ્કર્ટ વધુ સૂટ થશે. મિડ વેસ્ટથી સ્કર્ટ પહેરો. અેસિમેટ્રિકલ સ્કર્ટ્‍સ તમારા પાતળા અને સુંદર પગ તરફ ધ્યાન આકર્ષિત કરશે, જેથી શરીરનો ઉપરનો હેવી ભાગ બૅલૅન્સ થઈ જશે. આની સાથે V નેક ટૉપ સુંદર લાગશે.

ઍથ્લેટિક બૉડી : જેના શરીરમાં વધુ કર્વ્સ નથી હોતા એમના માટે રફલ્સ, લેયર્સ અથવા હેવી ગેધર્સવાળા શિફૉન મિડી સ્કર્ટ સારાં લાગશે. શિફૉનનાં મલ્ટિપલ લેયર્સ અથવા રફલ્ડ ડિઝાઇન તમારા લોઅર બૉડીમાં વૉલ્યુમ ઉમેરશે, જે કર્વ્સ હોવાનો આભાસ કરાવશે. બોલ્ડ પ્રિન્ટ્સ પણ તમારા લુકને વધુ સ્ટાઇલિશ બનાવશે.

પેટિટ બૉડી : જે મહિલાઓની હાઇટ ઓછી છે અને બૉડી ફ્રેમ નાની હોય એમને સાઇડ સ્લિટ અથવા મોનોક્રોમ શિફૉન મિડી સ્કર્ટ વધુ સારાં લાગશે. ઓછી હાઇટવાળાંએ બહુ વધારે ઘેરાવવાળાં સ્કર્ટ ટાળવાં જોઈએ. સાઇડ સ્લિટવાળું શિફૉન સ્કર્ટ પગને લાંબા બતાવવામાં મદદ કરે છે. સ્કર્ટ અને ટૉપ એક જ કલર ટોનનું રાખશો તો હાઇટ વધુ લાગશે. આની સાથે હીલ્સ પહેરવાનું ચૂકશો નહીં.

fashion fashion news life and style lifestyle news