07 August, 2023 03:21 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
પુરુષોની ફૅશનમાં ચેક્સ શર્ટ સાથે ઘણા એક્સપરિમેન્ટ્સ થયા છે અને રાધર, પ્રોફેશનલ લુકમાં પુરુષો માટે પ્લેન અને ચેક્સ સિવાય બહુ ઓછા વિકલ્પો મળે છે. જોકે ચેકર્ડ શર્ટમાં પણ અનેક પ્રકારની પ્રિન્ટ, ફૅબ્રિક અને કલર્સનું કૉમ્બિનેશન થાય છે જે એને કાં તો પ્રોફેશનલ લુક માટે સૂટેબલ બનાવે છે કાં પછી કૅઝ્યુઅલ વેઅર માટે. ચેકર્ડ શર્ટ તો બધે ચાલે એવું હવે નથી રહ્યું. જો તમારે ફૅશન ડિઝૅસ્ટરનો ભોગ ન બનવું હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે એમ જણાવતાં ફૅશન-સ્ટાઇલિસ્ટ અને બ્લૉગર મૃણાલ દેસાઈ કહે છે, ‘ચેક્સ વર્સટાઇલ પ્રિન્ટ ગણાય છે પણ પ્રિન્ટની સ્ટાઇલ, એમાં વપરાયેલાં કલર્સ અને ફૅબ્રિક એ ત્રણ ચીજો પરથી નક્કી કરી શકાય કે એ ફૉર્મલ લુકમાં ચાલશે કે કૅઝ્યુઅલ લુકમાં.’
જેટલું ઝીણું એટલું ફૉર્મલ
પ્રોફેશનલ વેઅરમાં કેવી ચેક્સ બેસ્ટ છે એની વાત કરતાં મૃણાલ કહે છે, ‘ચેક્સ પ્રિન્ટ જેટલી ઝીણી અને લાઇટ કલર્સવાળી હોય એ ફૉર્મલ લુક માટે બેસ્ટ. હવે માત્ર વાઇટ પર જ ચેક્સ ચાલે છે એવું નથી પણ ફૉર્મલ્સ માટે વાઇટ, બ્લૅક, બ્લુ, બેજ જેવા અમુક જ કલર્સ યોગ્ય છે. એમાં પણ ચેક્સની જે ડિઝાઇન છે એ ક્લિયર હોવી જરૂરી છે. ચેક્સ છૂટા પાડતી આડી અને ઊભી લાઇન બને એટલી બારીક અથવા તો ઇન્વિઝિબલ હોય તો ફૉર્મલ લુક માટે બેસ્ટ.’
મોટા ભાગે સૂટની અંદર જે શર્ટ પહેરવામાં આવે છે એમાં તમે જોયું હોય તો એમાં કાં તો પ્લેન અથવા તો વાઇટ કલરની અંદર બારીક ચેક્સ જ હોય છે. ધારો કે ચેક્સની ડિઝાઇન થોડીક મોટી હોય તો એ ત્યારે જ ચાલે જ્યારે એ વાઇટ કલર પર હળવા રંગ સાથે બનેલી હોય. એનાથી ગૉડી લુક ન આવતો હોય. રંગોની પસંદ અને ચેકર્ડ સ્ટાઇલમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે મૃણાલ કહે છે, ‘ડાર્ક, ભભકાદાર અને ગૉડી કલર્સવાળા ચેક્સ ઝીણા હોય કે મોટા, એ કૅઝ્યુઅલ લુક માટે જ ચાલે. જે જોઈને તમારી આંખો અંજાઈ જાય અથવા તો તમારા ચહેરા કરતાં એ ચેકર્ડ શર્ટ વધુ ઊડીને આંખે વળગતું હોય એવી પ્રિન્ટ ફૉર્મલ માટે નથી. એવાં શર્ટ તમે કૅઝ્યુઅલ ડેટ્સ કે રિલૅક્સેશન માટે ફરવા જતા હો ત્યાં બેસ્ટ છે.’
હાફ સ્લીવ કે ફુલ?
પ્રોફેશનલ લુક માટે હંમેશાં ફુલ સ્લીવ્ઝ જ પ્રિફરેબલ રહી છે, પણ હવે મોટા ભાગની વર્કપ્લેસ પહેરવેશના મામલે એટલી ફૉર્મલ નથી રહી. જો સૂટ અને કોટ પહેરવા કમ્પલ્સરી ન હોય અને સેમી-ફૉર્મલ લુક જો તમારા વર્ક-કલ્ચરમાં ચાલતો હોય તો ચેકર્ડ હાફ સ્લીવ શર્ટ પણ તમે પહેરી શકો છો. અલબત્ત, ફૉર્મલ લુક માટે પ્રિન્ટ, ફૅબ્રિક, સ્લીવ્ઝ કરતાં પણ સૌથી મહત્ત્વનું છે ફિટિંગ. વધુપડતું તંગ કે ઢીલુંઢાલું ફિટિંગ ધરાવતું શર્ટ બિગ નો-નો છે એટલું યાદ રાખજો.