મોંઘાંદાટ પણ હવે બહુ જૂનાં થઈ ગયેલાં કપડાંનું શું કરવું એની ચિંતા છે?

22 October, 2019 02:31 PM IST  |  મુંબઈ | અર્પણા શિરીષ

મોંઘાંદાટ પણ હવે બહુ જૂનાં થઈ ગયેલાં કપડાંનું શું કરવું એની ચિંતા છે?

દીપિકા-રણવીર

પોતાનાં કે કોઈ નજીકનાં સગાંનાં લગ્નમાં લીધેલાં કપડાં મોટા ભાગે એક વાર પહેર્યા બાદ ફક્ત અલમારીની શોભા બનીને રહી જતાં હોય છે. એ સિવાય જૂની ફૅશનની સાડીઓ પણ વારંવાર ન પહેરી શકાય એટલે પડી રહેતી હોય છે. અને દર વર્ષે તહેવારોમાં નવાં કપડાં લેવાની પળોજણ ઊભી ને ઊભી જ.

જોકે અહીં એક વચ્ચેનો રસ્તો પણ છે જેમાં જૂનાં કપડાં વપરાઈ જાય અને કંઈક નવું પણ પહેરવા મળે અને એ છે કપડાંનું અને સાડીઓનું રીડિઝાઇનિંગ. મમ્મીની જૂની સાડીઓમાંથી ડ્રેસ બનાવડાવવાની વાત દીકરીઓ માટે જોકે આમ છે, પણ આ વર્ષે ફૅશન-ડિઝાઇનરોએ આપી છે એવી ટિપ્સ કે જે ફુલ ફૅમિલીને કામ લાગે એવી છે. ચાલો જાણીએ એ શું છે.

સાડીમાંથી નવી સાડી

જૂની ફૅશનની હેવી ઝરદોશી અને ટીકીવર્કવાળી સાડી હવે નથી પહેરાતી અને એકદમ આઉટડેટેડ લાગે છે, પણ એના લીધે એને ફેંકી તો ન જ દેવાય. એવામાં કરવું શું? એ વિશે ટિપ્સ આપતાં ફૅશન-ડિઝાઇનર ચાર્મી મોતા કહે છે, ‘છેલ્લાં કેટલાંક વર્ષોથી હાફ-હાફ સાડીનો કન્સેપ્ટ ખૂબ ચાલી રહ્યો છે. તમારી બે કૉન્ટ્રાસ્ટ રંગોની સાડીઓને અડધી-અડધી લઈ ચણિયા-ચોળી જેવો લુક આપતી હાફ-હાફ સાડી બનાવડાવી શકાય. અહીં એક સાડીમાંથી પાટલી અને પાલવનો ભાગ, જ્યારે બીજી સાડીમાંથી મુખ્ય બેઝ સારો લાગશે. એ સિવાય બનારસી સાડી હોય અને જો ન જ પહેરવી હોય તો બીજી સિલ્ક કે બીજા ફૅબ્રિકની સાડી લઈ એમાં બનારસી સાડીની બૉર્ડર બનાવી શકાય. આમ સાડીઓ વપરાઈ જશે અને તહેવારોમાં કંઈક નવું પહેરવા મળશે.’

પલાઝો અને ઘાઘરા

પાંચેક વર્ષ પહેલાં નેટની હેવી બૉર્ડર અથવા ટીકીકામ કરેલી સાડીઓ ટ્રેન્ડમાં હતી.

જોકે હજીયે કબાટમાં એ પડી હોય તો આ વખતે ચાલો એમાંથી લેટેસ્ટ ફૅશનનું કંઈ બનાવડાવી લઈએ. હાલમાં પલાઝો અને ઘાઘરા-ચોળી એથ્નિક વેઅરમાં ખૂબ ઇન છે. ફેસ્ટિવલ્સમાં એ સારાં પણ લાગે છે. નેટની સાડીમાંથી પલાઝો અથવા ઘાઘરો બનાવડાવી શકાય. આ વિશે ચાર્મી કહે છે, ‘ટીકી કે ઝરદોશી વર્કવાળી સાડીમાંથી બનાવેલા પલાઝો સિલ્કની હેવી કુરતી સાથે સારા લાગશે. નેટનાં ચણિયા-ચોળી હોય તો એના પર કૉન્ટ્રાસ્ટ કલરની બનારસી અથવા પટોળાની ઓઢણી આખો લુક ચેન્જ કરી શકે છે.’

સાડીનો ગાઉન

સિલ્કની બાંધણી અથવા મરાઠી ઢબની જરીની બૉર્ડરવાળી સાડી જો જતી કરવાનો વિચાર હોય તો એમાંથી સુંદર ગાઉન કે ઘેરદાર લૉન્ગ કુરતી સરસ લાગી શકે છે. આવી ફ્રૉક સ્ટાઇલની કુરતી કે ગાઉન બૉર્ડરવાળી સાડીમાંથી બનેલા હોય એટલે દેખાવમાં ટ્રેડિશનલ લાગે છે. સાથે જ જૂની સાડીને પણ એક નવો લુક મળી જાય છે. સિલ્કની બાંધણી હોય તો એમાંથી લાંબી કુરતી બનાવી નીચે નેટનો પલાઝો અથવા ઘરારા પહેરી શકાય. પ્લેન સૅટિન કે રૉ-સિલ્કની સાડી હોય તો એમાંથી સ્ટ્રેટ એ-લાઇન કુરતો, લેગિંગ્સ અને બનારસી ઓઢણી તહેવારો માટે પર્ફેક્ટ રહેશે.

જૂના ગાઉનનો ઇલાજ

રિસેપ્શનમાં ગાઉન પહેરવાનું વલણ છેલ્લાં કેટલાંક વર્ષોથી વધ્યું છે. જોકે ૨૫,૦૦૦થી દોઢ લાખ સુધીની કિંમતનાં આ હેવી ગાઉન્સનો વપરાશ પોતાનાં લગ્ન સુધી જ સીમિત રહે છે. અહીં એને રીસાઇકલ કરવાની ટિપ્સ આપતાં ચાર્મી કહે છે, ‘ગાઉન્સ બધે નથી ચાલતાં અને હાલમાં સ્કર્ટ અને ક્રૉપ ટૉપ ઇન છે. એવામાં ગાઉનને બે ભાગમાં કટ કરી ક્રૉપ ટૉપ અને સ્કર્ટમાં ફેરવી શકાય. એ જ રીતે અનારકલી ડ્રેસ હોય તો એને પણ સ્કર્ટમાં ફેરવી એની સાથે બનારસી સાડીમાંથી બનેલું જૅકેટ પહેરી શકાય. આ પ્રકારનું લાંબું અથવા ટૂંકુ જૅકેટ બજેટમાં ફૅશનેબલ અને અનોખો લુક આપશે.’

પુરુષોમાં પણ બનારસી અને પટોળા પ્રિન્ટ ફેવરિટ

વાઇફ કે મમ્મીની જૂની બનારસી સાડી પડી હોય તો એનો ઉપયોગ પુરુષોએ પણ કરવા જેવો છે. આ વિશે ફૅશન-ડિઝાઇનર ચાર્મી કહે છે, ‘સિમ્પલ સિલ્ક કે કૉટન સિલ્કનાં પ્લેન ચૂડીદાર-કુરતા પર ફક્ત એક બનારસી જૅકેટ ઉમેરી દેતાં આખો લુક ચેન્જ થઈ જશે. જૂની બનારસી સાડીને રીસાઇકલ કરી આવા જૅકેટ બનાવી શકાય.’

બનારસી સિવાય આજકાલ સ્ત્રીઓની જેમ પુરુષોમાં પણ ઇકટ અને પટોળા પ્રિન્ટ લોકપ્રિય છે. પ્યૉર સિલ્કનાં ઇકટ અને પટોળા પ્રિન્ટના કુરતા આ તહેવારોની સીઝનમાં ઇન-થિંગ છે. જો પૂરો કુરતો પટોળાનો ન ગમતો હોય તો ફક્ત કફ અને કૉલરમાં આવી પ્રિન્ટ ઉમેરી શકાય જે સોબર લુક આપશે. પ્લેન કુરતા પર પટોળાનું મોદી જૅકેટ પણ ટ્રેન્ડી લાગશે. અને એનાં કરતાંય વધુ સિમ્પલ કંઈ કરવું હોય તો પ્લેન અથવા ચિકનકારી કુરતા સાથે પ્રિન્ટેડ ધોતી અથવા સલવાર બનાવડાવી શકાય.

અહીં ચૂડીદાર-કુરતા અને શેરવાની પહેરવી ખૂબ વધુપડતી લાગતી હોત તો રોજબરોજના જીન્સ કે ચિનોઝ પર શૉર્ટ કુરતા સ્ટાઇલનું લિનનનું શર્ટ પહેરી શકાય. ચાઇનીઝ કૉલર અને બંધગલા શર્ટ હમણાં આમેય ખૂબ પૉપ્યુલર છે.

કપડાં રીસાઇકલ કરાવતાં શું ધ્યાનમાં રાખશો?

સારી સાડીઓ ભલે રીસાઇકલ કરાવતા હો પણ એ ડૅમેજ ન થાય એનું ખાસ ધ્યાન રાખો.

સાડીનો ઓરિજિનલ ચાર્મ જળવાઈ રહેવો જોઈએ. બનારસી અને પટોળા જેવા મોભાદાર હૅન્ડલૂમ ફૅબ્રિક નવી રીતે બનાવ્યા બાદ એમાં પટોળા અને બનારસીનો લુક દેખાવો જોઈએ. બીજા ફૅબ્રિક અને ડિઝાઇનમાં એ મોભો છુપાઈ ન જવો જોઈએ.

કપડાં રીસાઇકલ કરવાનું આ કામ કલાત્મક છે એટલે એ કોઈ કુશળ ડિઝાઇનરની સલાહ હેઠળ જ થવું જોઈએ. જો બગડશે તો આ કન્સેપ્ટમાં નુકસાન બેગણું થાય છે. એક તો સારીએવી સાડી, ગાઉન કે ડ્રેસ નકામો જશે અને બીજું એ કે એમાંથી જે બનશે એ પણ કામ નહીં આવે. એટલે વિશ્વાસુ ડિઝાઇનર અથવા રેગ્યુલર કારીગર પાસે જ આ કામ કરાવવું.

રીસાઇકલ કર્યા બાદ જો સાડીમાંથી ફૅબ્રિક બચે તો પર્સ અથવા બટવા પણ બનાવી શકાય. એ સિવાય આજકાલ મૅચિંગ જૂતીઓ પહેરવાનો પણ ટ્રેન્ડ છે.

fashion news fashion