પ્રિન્ટેડ શર્ટ આપે છે સ્માર્ટ લુક

04 November, 2019 06:02 PM IST  |  Mumbai | Varsha Chitaliya

પ્રિન્ટેડ શર્ટ આપે છે સ્માર્ટ લુક

ફાઈલ ફોટો

ફૅશન ટ્રેન્ડ સીઝન-ટુ-સીઝન બદલાતો રહે છે. વાત જ્યારે ફૅશન ટ્રેન્ડની થાય ત્યારે આપણા માઇન્ડમાં સૌથી પહેલાં વિમેન્સ વેઅર ક્લિક થાય છે, પરંતુ ફૅશનના મામલામાં પુરુષો પણ પાછા પડે એવા નથી. સ્ટાઇલિશ દેખાવા તેઓ સમયાંતરે નવા-નવા ફૅશન ટ્રેન્ડને ફૉલો કરતા રહે છે. વૉર્ડરોબને અપગ્રેડ કરવાનો શોખ તેમને પણ છે. શર્ટની વાત કરીએ તો પહેલાં તેઓ ફૉર્મલ શર્ટને જ પ્રાધાન્ય આપતા હતા. લેટેસ્ટમાં પ્રિન્ટેડ શર્ટ પુરુષોમાં પૉપ્યુલર છે. લાઇટ શેડ્સ અને હાઈ વેસ્ટેડ ટ્રાઉઝર્સ સાથે પ્રિન્ટેડ શર્ટનું કૉમ્બિનેશનલ કૂલ ઍન્ડ સ્ટાઇલિશ લુક આપે છે. જોકે લાઇનિંગ અને ચેક્સ પ્રિન્ટ તેમ જ પ્લેન શર્ટ ઑલટાઇમ ફેવરિટ છે જ. એમાં નવા ઉમેરાયેલા પ્રિન્ટેડ શર્ટની ડિઝાઇનમાં શું ચાલે છે એ પણ જોઈએ.

શર્ટ એક એવું અટાયર છે જે કોઈ પણ જગ્યાએ ચાલે છે. ઑફિસ, પાર્ટી, બીચ કે શુભપ્રસંગોમાં મિડલ એજ ગ્રુપના પુરુષોમાં શર્ટની ફૅશન સદાબહાર છે. જોકે લાઇનિંગવાળા અને ચેક્સ શર્ટ પહેરીને પુરુષો બોર થઈ ગયા છે અને ઑફિસમાં ભડક શર્ટ ન ચાલતાં નથી તેથી તેમને વેરિએશન જોઈએ છે. તેથી પ્રિન્ટેડ શર્ટનો ઑપ્શન તેમને ખૂબ પસંદ પડી રહ્યો છે. પ્રિન્ટેડ શર્ટમાં એક-એકથી ચડિયાતી ડિઝાઇન માર્કેટમાં આવી છે. લેટેસ્ટ ટ્રેન્ડ વિશે વાત કરતાં મેન્સ ફૅશન ડિઝાઇનર હિતેન શાહ કહે છે, ‘અત્યારે સ્મૉલ મોઝેક પ્રિન્ટ મોસ્ટ પૉપ્યુલર છે. એમાં ઇજિપ્શિયન પ્રિન્ટ, ઍનિમલ અને ફ્લાવર તેમ જ ડૉટ્સ પ્રિન્ટ સ્માર્ટ લુક આપે છે. મોઝેક પ્રિન્ટ શર્ટમાં સેલ્ફ- ડિઝાઇન હોય છે. એક જ કલરના શર્ટમાં એની સાથે મૅચ કરતી અથવા એ જ કલરની ઝીણી-ઝીણી પ્રિન્ટ હોય છે. ઝીણી પ્રિન્ટની ખાસિયત એ છે કે તમે ઑફિસમાં પણ પહેરી શકો છો. વાસ્તવમાં આ ડિઝાઇનને કૉર્પોરેટ વર્લ્ડમાં નવીનતા ઉમેરવા જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇવેન્ટ્સમાં પણ મોઝેક પ્રિન્ટનાં શર્ટ ધૂમ મચાવે છે. યંગ જનરેશનમાં ઇવેન્ટ્સનો ક્રેઝ છે અને તેમને ટિપિકલ ફૉર્મલ લુક કરતાં કંઈક હટકે જોઈએ છે તેથી આ પ્રકારનાં પ્રિન્ટેડ શર્ટ તેમની પહેલી પસંદ બની રહ્યાં છે.’

ચેક્સ શર્ટની ફૅશન ક્યારેય આઉટડેટેડ થવાની નથી. દરેક ઉંમરના પુરુષોની એ હંમેશાંથી પહેલી પસંદગી રહી છે. ચેક્સ અને સ્ટ્રાઇપ (લાઇનિંગ)વાળાં શર્ટ વર્કપ્લેસ પર પર્ફેક્ટ લુક આપે છે. ખાસ કરીને ચેક્સ શર્ટ કૅઝ્યુઅલ લુક આપે છે એમ જણાવતાં હિતેન કહે છે, ‘ચેક્સમાં સ્મૉલ હોય કે બિગ પ્રિન્ટ, આ શર્ટ કૉર્પોરેટ શર્ટ તરીકે જ ઓળખાય છે. એને તમે પાર્ટીમાં ન પહેરી શકો. એવી જ રીતે સ્ટ્રાઇપ્ડ શર્ટ પણ ફૉર્મલમાં જ ચાલે. જ્યારે નવી ડિઝાઇનનાં પ્રિન્ટેડ શર્ટ બધે જ પહેરી શકો છો.’

ચેક્સ અને સ્ટ્રાઇપમાં બે કે ત્રણ કલરનું કૉમ્બિનેશન વધુ જોવા મળે છે. મલ્ટિકલર ચેક્સ શર્ટ અત્યારે ટ્રેન્ડમાં છે. કૉલર અને ખિસ્સામાં જુદા કલરના ચેક્સ અને ઓવરઑલ શર્ટમાં જુદા ચેક્સ પણ નવો લુક આપે છે. સ્ટ્રાઇપમાં બે-ત્રણ કલરની વર્ટિકલ અથવા હોરિઝોન્ટલ લાઇન્સ હોય છે. ઊભી લાઇન્સવાળી પ્રિન્ટનાં શર્ટ પહેરવાથી હાઇટ વધુ દેખાય છે. જેમની હાઇટ ઓછી હોય એવા પુરુષો ઝીણી અને પાતળી ઊભી લાઇન્સવાળાં શર્ટ પહેરે તો સારા લાગે છે. એમાં જોકે ચેક્સ જેટલા કલર્સ નથી ચાલતા. બ્લૅક, વાઇટ અને બ્લુ જેવા યુનિવર્સલ કલર સ્ટ્રાઇપવાળાં શર્ટમાં સદાબહાર છે, જ્યારે મોઝેક પ્રિન્ટમાં તો કલર્સ હોતા જ નથી એમ કહીએ તો ચાલે.

પ્રિન્ટેડ શર્ટના ફૅબ્રિકમાં શું ચાલે છે એ વિશે માહિતી આપતાં હિતેન કહે છે, ‘ચેક્સ અને સ્ટ્રાઇપમાં કૉટન અને લિનન ઑલટાઇમ ફેવરિટ છે. આ પ્રિન્ટનાં શર્ટ પહેરવાં હોય તો ફાઇનેસ્ટ ક્વૉલિટીનું કૉટન મટીરિયલ પસંદ કરવાની સલાહ છે. મોઝેક પ્રિન્ટમાં લિનન, સિલ્ક અને ફાઇનેસ્ટ કૉટન એમ ત્રણેય ચાલે છે. રેગ્યુલર વેઅર માટે ફુલ સ્લીવ્ઝનાં પ્રિન્ટેડ શર્ટ લેવાં જોઈએ. ફુલ સ્લીવ્ઝ કોઈ પણ મોસમમાં પહેરી શકાય. હાફ સ્લીવ્ઝનો શોખ હોય અને વેરિએશન જોઈતું હોય તો વીક-એન્ડમાં અને ફરવા જાઓ ત્યારે પહેરી શકો છો.’

પ્રિન્ટેડ શર્ટ યંગ અને સ્ટાઇલિશ લુક આપે છે. તેથી પુરુષોમાં એનું આકર્ષણ વધ્યું છે. શર્ટ ઉપરાંત ટી-શર્ટમાં પણ પ્રિન્ટનો ટ્રેન્ડ છે. કેટલાક પુરુષો પ્રસંગને અનુરૂપ કસ્ટમાઇઝ્ડ પ્રિન્ટની ડિમાન્ડ પણ કરતા થયા છે.

બીચ પ્રિન્ટ

બીચ પાર્ટી, પિકનિક અને વીક-એન્ડમાં પહેરવાનાં શર્ટની પ્રિન્ટ થોડી જુદી હોય છે. એમાં પ્રિન્ટની સાઇઝ મોટી હોય. બીચ પ્રિન્ટમાં ફ્લોરલ, બટરફ્લાય અને ઍનિમલની ડિઝાઇન પૉપ્યુલર છે. બીચ પ્રિન્ટ શર્ટમાં કૉટન અથવા લિનન બેસ્ટ ચૉઇસ છે.

fashion fashion news Varsha Chitaliya