જીન્સની ફૅશન ક્યારેય આઉટડેટેડ થવાની નથી

23 September, 2019 04:49 PM IST  |  મુંબઈ | મૅન્સ વર્લ્ડ

જીન્સની ફૅશન ક્યારેય આઉટડેટેડ થવાની નથી

જીન્સ

દર વર્ષે વૈશ્વિક સ્તરે એક અબજથી વધુ જીન્સનું વેચાણ થાય છે. એ પણ પુરુષોના જીન્સ. બદલાતા ફૅશન વર્લ્ડમાં જ્યાં ચાર-પાંચ વાર પહેર્યા બાદ કોઈ પણ આઉટફિટ બોરિંગ લાગવા લાગે છે ત્યાં જીન્સ એકમાત્ર એવું આઉટફિટ છે જે ક્યારેય આઉટડેટેડ થયું નથી. દરેક પુરુષના વોર્ડરૉબમાં ત્રણથી ચાર જોડી જીન્સ હોવાં સામાન્ય બાબત છે પછી તે કૉલેજ ગોઇંગ બૉય હોય કે ઉચ્ચ દરજ્જાનો અધિકારી. હર કોઈના ખિસ્સાને પોસાય એવાં જીન્સ બધે જ સરળતાથી મળે છે; પરંતુ એનું ફિટિંગ, મટીરિયલ અને બ્રૅન્ડ તમને સ્ટાઇલિશ લુક આપે છે. પુરુષોના જીન્સમાં સ્ટ્રેટ, સુપર સ્કિની, સ્કિની, ટેપર્ડ, હાઈ-વેસ્ટ, વાઇડ લેગ્ડ એમ ઘણાંબધાં વેરિએશન અવેલેબલ છે. પહેરવામાં સૌથી કમ્ફર્ટેબલ અને ઑલટાઇમ ફેવરિટ જીન્સના ટ્રેન્ડ વિશે વાત કરીએ.

સુપર સ્કિની

હાલમાં સુપર સ્કિની જીન્સ ઑલ ઓવર વર્લ્ડમાં સૌથી વધુ પૉપ્યુલર સ્ટાઇલ છે.

આ સ્ટાઇલમાં જીન્સનું પૅન્ટ ઉપરથી નીચે (આખા પગમાં) સુધી એકદમ જ ટાઇટ ફિટિંગમાં હોય છે. વાસ્તવમાં જીન્સની બનાવટમાં ડેનિમ મટીરિયલનો ઉપયોગ વધુ થવો જોઈએ તો જ એને જીન્સ કહેવાય, પરંતુ સુપર સ્કિની સ્ટાઇલમાં ડેનિમનો ઉપયોગ ઓછો થાય છે. સ્કિન ટાઇટ પૅન્ટમાં ઇલૅસ્ટિસિટીને ધ્યાનમાં રાખી ડેનિમનો વપરાશ ઘટાડવામાં આવે છે. જોકે સુપર સ્કિની જીન્સ પહેરવા માટે ઘણી માથાઝીંક કરવી પડે છે. ગ્લૅમર ઇન્ડસ્ટ્રીમાં આ સ્ટાઇલ વધુ ચાલે છે. જીન્સનું પૅન્ટ કાપડ તમારા શરીરના નીચેના ભાગને જકડી રાખે છે તેથી ઊંચા અને પાતળા પગ ધરાવતા પુરુષોને આ સ્ટાઇલ સારી લાગે છે. સુપર સ્કિની જીન્સ સાથે વાઇટ શર્ટ અથવા ટી-શર્ટ બેસ્ટ ચૉઇસ છે.

સ્કિની

તમને થશે કે સુપર સ્કિની અને સ્કિનીમાં શું તફાવત છે, બન્ને સ્કિન ટાઇટ જ તો છે. તમારું વિચારવું ખોટું નથી, પણ આ સ્ટાઇલમાં તમે પગને સ્ટ્રેચ કરી શકો છો તેમ જ જીન્સને સરળતાથી પહેરી શકાય એટલું લૂઝ રાખવામાં આવે છે. સ્કિની જીન્સ યંગસ્ટર્સમાં પૉપ્યુલર છે. ઘણા લોકો એને સ્ટ્રીટ સ્ટાઇલ કહે છે. શરીરમાં સહેજ જાડા પુરુષોને પણ આ સ્ટાઇલ સારી લાગશે. કોઈ પણ ટી-શર્ટ કે શર્ટ સાથે મૅચ થઈ જશે. ફેસ્ટિવ સીઝનમાં આજકાલ કુરતાની નીચે લોકો પાયજામાના બદલે આ સ્ટાઇલનાં જીન્સ પહેરે છે. ઇન્ડો-વેસ્ટર્ન લુક સાથે મૅચ થઈ જતાં સ્કિની જીન્સ ક્લાસિક લુક આપે છે.

ટેપર્ડ જીન્સ

ભારતમાં ટેપર્ડ સ્ટાઇલ અત્યારે ટૉપ પર છે, પણ જીન્સની ખરીદી કરતી વખતે ભાગ્યે જ કોઈ પુરુષે આ સ્ટાઇલ વિશે જાણવાના પ્રયત્નો કર્યા હશે. ટેપર્ડ જીન્સને પહેરવામાં સૌથી સરળ સ્ટાઇલ કહી શકાય. આ જીન્સ કમરથી ઘૂંટણ સુધી ઢીલાં અને નીચેના ભાગમાં સહેજ ટાઇટ હોય છે. કૅઝ્યુઅલ વેઅર સાથે પહેરી શકાય. ટેપર્ડ સ્ટાઇલમાં જૅકેટ્સનો ઑપ્શન યંગ લુક આપશે.

સ્ટ્રેટ જીન્સ

પગના કોઈ પણ ભાગમાં સ્કિનને ચોંટીને રહે એવાં જીન્સ બધાને પસંદ પડતાં નથી. કમ્ફર્ટ જોઈએ તો સ્ટ્રેટ જીન્સ બેસ્ટ છે. આ સ્ટાઇલમાં ડેનિમ અને કૉટન મટીરિયલનો હાઇએસ્ટ ઉપયોગ થાય છે. સ્ટ્રેટ જીન્સમાં બ્લુ સિવાયના રંગો પણ સારા લાગે છે. ખાસ કરીને મધ્યમ ઉંમરના પુરુષોએ સ્ટ્રેટ જીન્સ પહેરવાં જોઈએ. હિપથી લઈને પગની પાની સુધી સ્ટ્રેટ જીન્સ સાથે લાઇટ કલરનાં શર્ટ તમને સિમ્પલ અને ટ્રેડિશનલ લુક આપશે. એની સાથે તમે લોફર્સ અથવા ફૉર્મલ શૂઝ પણ પહેરી શકો છો.

વાઇડ લેગ્ડ

કમ્ફર્ટ અને લુક બન્ને રીતે જોવા જઈએ તો વાઇડ લેગ્ડ જીન્સ દરેક ઉંમરના પુરુષો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. એને તમે રિલૅક્સ્ડ સ્ટાઇલ પણ કહી શકો છો. વાસ્તવમાં આ સ્ટાઇલ બૅગી પૅન્ટમાંથી ઇન્સ્પાયર થઈને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. સામાન્ય રીતે ટ્રાઉઝર પહેરવાનું પ્રિફર કરતા સ્થૂળ શરીર ધરાવતા પુરુષો વાઇડ લેગ્ડ સ્ટાઇલ અપનાવી જીન્સ પહેરવાનો શોખ પૂરો કરી શકે છે. 

જીન્સની ખરીદીમાં આટલું ધ્યાન રાખો

દરેક વ્યક્તિને બધી જ સ્ટાઇલ સારી નથી લાગતી. તમારી કમ્ફર્ટ અને બૉડીના શેપને ધ્યાનમાં રાખી સ્ટાઇલની પસંદગી કરો

જીન્સની ખરીદીમાં લેબલ પર ખાસ ધ્યાન આપો જેથી કૉટન અને ડેનિમનો વપરાશ કેટલો થયો છે જાણી શકાય.

દેખાવમાં સરખાં લાગતાં સસ્તાં અને મોંઘાં જીન્સમાં મુખ્યત્વે ડેનિમના વપરાશનો જ ફરક હોય છે. સસ્તાં જીન્સમાં સ્ટ્રેચિંગ માટે લાયક્રાનો ઉપયોગ થાય છે.

જીન્સ ક્યારેય ઓવરસાઇઝ્ડ ન લેવાં. એનાથી તમારા લુક પર અસર પડશે.

નવા જીન્સને પહેલા ત્રણ મહિના ધોવું ન જોઈએ.

જીન્સને વારંવાર ધોવાની આવશ્યકતા નથી. જ્યારે ધોવાની જરૂર પડે ત્યારે વૉશિંગ મશીન કરતાં હાથેથી ઠંડા પાણીમાં ધોવાથી રંગ જળવાઈ રહેશે.

જીન્સને તડકામાં નહીં પણ હવામાં સુકાવા દો.

જીન્સમાં વાસ આવતી હોય તો જીન્સને ડિઓડરાઇઝ્ડ કરવા માટે એને પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળી એકાદ કલાક ફ્રીઝરમાં મૂકી દો.

જીન્સ પહેરીને એક્સરસાઇઝ ક્યારેય ન કરો, ફિટિંગ બગડી જશે.

શક્ય હોય ત્યાં સુધી જીન્સ સાથે બેલ્ટ ન પહેરો.

શોધ કઈ રીતે થઈ?

આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાં અમેરિકાનો લિવાઇ સ્ટ્રૉસ સોનાની શોધમાં કૅલિફૉર્નિયા જઈ રહ્યો હતો. રસ્તામાં વેચાણ અર્થે તેણે કેટલાક કાપડના તાકા (મટીરિયલના રોલ) સાથે લીધા હતા. ગંતવ્ય સ્થાને પહોંચતાં સુધીમાં બ્લુ કૅન્વસ મટીરિયલ સિવાય તમામ તાકા વેચાઈ ગયા. એ સમયે કૅલિફૉર્નિયાના ખાણમજૂરોની ફરિયાદ હતી કે કોઈ પણ મટીરિયલમાંથી બનાવવામાં આવેલાં પૅન્ટ ખાણમાં કામ કરતી વખતે લાંબો સમય સુધી ટકતાં નથી. સ્ટ્રૉસે પોતાની પાસે વધેલા તાકામાંથી ખાણ મજૂરો માટે પૅન્ટ સીવી આપ્યાં. આ પૅન્ટ મહિનાઓ સુધી ફાટતાં નહોતાં તેથી ખાણમજૂરોમાં પૉપ્યુલર બની ગયાં. સોનાની શોધ સાઇડ પર મૂકી સ્ટ્રૉસે આ બિઝનેસમાં ઝંપલાવ્યું. ૧૮૭૩માં જેકબ ડેવિસ અને લિવાઇ સ્ટ્રૉસે મળીને ડેનિમ (ડંગરી)માંથી બ્લુ જીન્સ બનાવ્યાં ત્યારથી લિવાઇસ જીન્સ આખી દુનિયામાં પ્રસદ્ધિ છે અને સૌથી વધુ વેચાતી બ્રૅન્ડ છે.

fashion fashion news