તમને પહેરવી ગમે કૅપ્શન જ્વેલરી?

12 March, 2019 12:33 PM IST  |  | લેડીઝ સ્પેશ્યલ - વર્ષા ચિતલિયા

તમને પહેરવી ગમે કૅપ્શન જ્વેલરી?

કર્મના કેપ્શનવાળી રિંગ

ડિઝાઇનર વસ્ત્રો, હૅન્ડબૅગ્સ અને શૂઝની જેમ જ જ્વેલરીની ફૅશન પણ સતત બદલાતી રહે છે. દરેક મહિલાના વૉર્ડરોબમાં વસ્ત્રોની જેમ જ્વેલરીનું સુપર કલેક્શન હોવું જોઈએ. તહેવારો હોય, લગ્નપ્રસંગ હોય કે પાર્ટીમાં જવાનું હોય, વસ્ત્રોની જેમ જ્વેલરીનો અંદાજ પણ નિરાળો હોવો જોઈએ. જ્વેલરીની ડિઝાઇન મહિલાઓની પર્સનાલિટીને ડિફાઇન કરે છે. કોઈને સાચા સોનાનાં ઘરેણાં ગમે તો કોઈને હીરા-મોતી જડેલાં. જોકે, વેસ્ટર્ન આઉટફિટમાં માત્ર પીળા રંગની રિયલ ગોલ્ડ જ્વેલરી ખાસ શોભતી નથી તેથી ધીમે-ધીમે આઉટડેટેડ થઈ રહી છે. આજકાલ કલરફુલ લુક આપતી રિયલ તેમ જ આર્ટિફિશ્યલ જ્વેલરીની ડિમાન્ડ છે. બદલાતી ફૅશનની સાથે એમાં પણ ઘણું વેરિયેશન જોવા મળે છે. લેટેસ્ટમાં કૅપ્શન જ્વેલરીનો ટ્રેન્ડ ફરી એકવાર પૉપ્યુલર બન્યો છે.

 

 

આલ્ફાબેટ્સ, નાના શબ્દો અને વાક્યો દ્વારા પોતાની પર્સનાલિટી અથવા અન્ય માટે પોતીકાપણાની લાગણીને વ્યક્ત કરી શકાય એવી કૅપ્શન જ્વેલરી દરેક વયની મહિલાઓ પર સારી લાગે છે. વાસ્તવમાં કૅપ્શન જ્વેલરી એના શબ્દોના કારણે જ પૉપ્યુલર બની છે. યંગ યુવતીઓમાં અલગ-અલગ પ્રકારના ફન્કી કવૉટ લખેલા હોય એવાં બ્રેસલેટ, નેકલેસ, ઍન્ક્લિટ અને થમ્બ રિંગ જેવી ડે ટુ ડે લાઇફમાં પહેરાતી જ્વેલરીનું આકર્ષણ વધ્યું છે તો મધ્યમ ઉંમરની મહિલાઓમાં ખાસ પ્રસંગને અનુરૂપ કૅપ્શન જ્વેલરી પહેરવાનો ક્રેઝ જોવા મળે છે. આજે મહિલાઓમાં કિટી પાર્ટી અને મહિલામંડળોમાં જવાનો જે ટ્રેન્ડ છે એ જોતાં તેમણે દરેક પ્રકારના ડ્રેસ સાથે સ્યુટ થાય એવી કેટલીક કૅપ્શન જ્વેલરી પોતાના કલેક્શનમાં ઉમેરવી જોઈએ. બજારમાં કૅપ્શન જ્વેલરીની ઘણી વરાઇટીઝ ઉપલબ્ધ છે, જેમાં ફન્કી અને સિરિયસ બન્ને હોય છે. કઈ જ્વેલરી પર કેવા કૅપ્શન રંગ જમાવી રહ્યા છે એ પણ જાણી લઈએ.

બ્રેસલેટ

લવ યુ ફોરએવર, સ્પ્રેડ ધ લવ ઍન્ડ હૅપીનેસ, જસ્ટ ફૉર યુ જેવાં કૅપ્શનવાળાં બ્રેસલેટ્સ મહિલાઓને ટ્રેન્ડી લુક આપે છે. બ્રેસલેટ એવી જ્વેલરી છે જે પ્રેમની અભિવ્યક્તિ તરીકે સૌથી વધુ ચલણમાં છે. કોઈ ખાસ મોમેન્ટ વર્ષોવર્ષ સુધી યાદ રહે એવા શબ્દો લખેલાં બ્રેસલેટ હોય તો મહિલાઓ એને જીવની જેમ સાચવીને રાખે છે અને જ્યારે પણ પહેરે છે ત્યારે ભાવુક થઈ જાય છે. વાઇટ ગોલ્ડ, રોઝ ગોલ્ડ અથવા પ્લેટિનમમાં મનગમતાં કૅપ્શન કંડારી તમારા કલેક્શનમાં ઍડ કરી કરો. રિયલ ઉપરાંત આર્ટિફિશ્યલમાં પણ ઘણા વિકલ્પો છે. ફૅશનેબલ અને શોખીન યુવતીઓ સામાન્ય રીતે માર્કેટમાં સહેલાઈથી મળી રહેતાં રેડીમેડ અને ફન્કી કૅપ્શનવાળાં બ્રેસલેટ પસંદ કરે છે. આઇ ઍમ ઇન લવ, આઇ એમ યુનિક, બેન્ટ નોટ બ્રોકન, ગો વિથ ફ્લો વગેરે જેવાં ફન્કી કૅપ્શન કૉમન છે. મહિલાઓમાં બ્રેસલેટ્સ પર કોતરવામાં આવેલાં કૅપ્શન દ્વારા સામાજિક સંદેશ પાસ-ઑન કરવાનો ટ્રેન્ડ પણ જોવા મળે છે.

નેકલેસ ઍન્ડ પેન્ડન્ટ

નેકલેસ અને પેન્ડન્ટમાં કૅપ્શનની પસંદગી કરતી વખતે મહિલાઓ સૌથી વધુ ગંભીરતા દાખવે છે. ગળામાં પહેરવાની જ્વેલરીમાં પાર્ટી ક્રેઝી મહિલાઓ પણ કેટલાંક ફન્કી કૅપ્શન અવૉઇડ કરે છે. રિયલ મેટલમાંથી બનાવવામાં આવેલા નેકલેસમાં મહિલાઓને સામાન્ય રીતે આલ્ફાબેટ્સ, યુ ઍન્ડ મી અને પ્રિન્સેસ જેવા શબ્દો પ્રિય છે. આ ઉપરાંત ધામર્કિ સિમ્બૉલ પણ સારાં લાગે છે. કેટલીક મહિલાઓ કૅપ્શન લખાવવાની જગ્યાએ સિમ્બૉલિક ડિઝાઇન પસંદ કરે છે. દાખલા તરીકે ઓમ લખાવવાની જગ્યાએ ઓમ આકારનું પેન્ડ્ન્ટ વધુ પસંદ પડે. એ જ રીતે શ્લોક પણ લખી શકાય છે. કૉર્પોરેટ વીમેન વેસ્ટર્ન આઉટફિટ સાથે સારાં લાગે એવાં નાની સાઇઝનાં ડેલિકેટ પેન્ડન્ટ લેવાનું વધુ પસંદ કરે છે. રિયલ મેટલમાં હાર્ટ શેપની અંદર કૅપ્શન મહિલાઓની પહેલી પસંદ છે. નેકલેસ સાથે મૅચ થતાં ઇયરિંગ્સ પણ પહેરી શકાય.

થમ્બ રિંગ

ટીનેજર્સથી લઈને પ્રૌઢ મહિલાઓમાં થમ્બ રિંગ પહેરવાનો ક્રેઝ છે. વાસ્તવમાં થમ્બ રિંગનો ટ્રેન્ડ યુનિસેક્સ છે. થમ્બમાં પહેરવામાં આવતી રિંગની ડિઝાઇન અન્ય આંગળીઓની રિંગ કરતાં જુદી હોય છે. આ રિંગ સહેજ જાડી હોય છે. ટીનેજર્સ પર્સનાલિટીને રફ ઍન્ડ ટફ લુક આપતાં કૅપ્શન પસંદ કરે છે. પોતાના નામનો પહેલો અંગ્રેજી અક્ષર કોતરેલો હોય એવી ફન્કી રિંગ વધુ ચાલે છે. ફ્રેન્ડ સર્કલને ડિફાઇન કરતી થમ્બ રિંગનો ટ્રેન્ડ પાર્ટીમાં આકર્ષણ જમાવે છે. નવપરિણીત કપલ પણ સ્પેશ્યલ કૅપ્શન દર્શાવતી થમ્બ રિંગ પહેરે છે. થમ્બ રિંગ ઉપરાંત ફિંગર રિંગમાં પણ કેટલાંક મૅચિંગ કૅપ્શન સાથે લગ્નપ્રસંગમાં કપલને ભેટમાં આપવાનો રિવાજ પ્રચલિત બન્યો છે. ગિફ્ટ આપવા માટે આ બેસ્ટ ઑપ્શન છે.

ઍન્ક્લિટ

ઍન્ક્લિટ્સ એ બીજું કંઈ નહીં, એક પ્રકારનાં પાયલ કે ઝાંઝર છે. જોકે એમાં ઝાંઝર જેવો અવાજ નથી હોતો. પહેલાં ટ્રેડિશનલ ડ્રેસમાં જ ઍન્ક્લિટ્સ પહેરવાનો રિવાજ હતો. હવે વેસ્ટર્ન ડ્રેસ સાથે પણ યુવતીઓ ઍન્ક્લિટ્સ પહેરવા લાગી છે. જીન્સ, કેપ્રી કે સ્કર્ટ સાથે યુવતીઓ એને એક પગમાં જ પહેરે છે. ઍન્ક્લિટ્સની ડિઝાઇનમાં આઇ સાઉન્ડ લાઇક પાયલ, આઇ ઍમ ટ્રાવેલર અને ટ્રુ પીપલ લીવ ફૂટ પ્રિન્ટ્સ ઇન યૉર હાર્ટ સૌથી કૉમન કૅપ્શન છે. પગમાં પહેરાતી આ જ્વેલરી મોટા ભાગે આર્ટિફિશ્યલ જ હોય છે. અન્ય જ્વેલરીની સરખામણીએ ઍન્ક્લિટ્સની પૉપ્યુલારિટી ઓછી છે.

જ્વેલરી પહેરવાના આ ફાયદા ખબર છે?

ભારતીય મહિલાઓ જ્વેલરીના ઝગમગાટથી દૂર રહી શકે એ વાત શક્ય જ નથી. ઘરેણાં એ પહેરવાં એ આપણી સંસ્કૃતિ અને પરંપરાનો જ એક ભાગ છે, પરંતુ આ પરંપરા પાછળ ગૂઢ રહસ્ય છુપાયેલું છે એની આપણને અત્યાર સુધી ખાસ જાણકારી નહોતી. જ્વેલરી પહેરવાના બીજા પણ લાભ છે એવું વિજ્ઞાને શોધી કાઢ્યું છે. તમારી ફેવરિટ જ્વેલરીને તમારા સ્વાસ્થ્ય સાથે શું સંબંધ છે એ જાણી લો.

રિંગ ફિંગર તરીકે ઓળખાતી ત્રીજી આંગળીનો સીધો સંબંધ તમારા મગજના ચેતાતંતુ સાથે છે. તમે જ્યારે આ આંગળીમાં રિંગ પહેરો છો ત્યારે ઘર્ષણ થાય છે અને આ ઘર્ષણના કારણે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.

પહેલાંના સમયમાં પરણેલી મહિલાઓ પગમાં વીંછિયા પહેરતી. આજે ઘણી મહિલાઓ ફૅશન ટ્રેન્ડ માનીને ટો રિંગ પહેરે છે. ટો રિંગ સ્ત્રીનાં પ્રજનન અંગોને ઉત્તેજિત કરે છે તેમ જ માસિકચક્રને નિયમિત બનાવે છે.

ઍન્ક્લિટ અથવા પાયલ પહેરવાથી પગની ઉપરની ત્વચા સક્રિય બને છે. ચાંદીનાં પાયલ માનવશરીર અને પૃથ્વી વચ્ચે મધ્યસ્થીનું કામ કરે છે. ચાલતી વખતે પાયલના રણકાર દ્વારા નકારાત્મક ઊર્જા પૃથ્વી પર ઠલવાય છે અને શરીરમાં ઉત્સાહનો સંચાર થાય છે.

હિપ બેલ્ટ અથવા કમરબંધ હવે પ્રસંગોપાત્ત પહેરવાનું ઘરેણું બની ગયું છે. મહિલાઓને જાણીને આર્ય થશે કે કમરબંધ પહેરવાથી વજન નિયંત્રણમાં રહે છે. આ જ્વેલરી તમારા ફિગરને જાળવી રાખવામાં સહાય કરે છે.

મંગળસૂત્ર માત્ર સૌભાગ્યની નિશાની નથી. એનો તમારા સ્વાસ્થ્ય સાથે પણ સંબંધ છે. ગળામાં પહેરવામાં આવતાં ઘરેણાં રક્તપરિભ્રમણને નિયમિત બનાવી બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે.

ઇયરિંગ્સ શરીરમાં ઍક્યુપંક્ચરનું કામ કરે છે. મગજ અને કિડનીને જોડતી ચેતા જમણા કાન દ્વારા પસાર થાય છે. તમારા મૂત્રાશયને તંદુરસ્ત રાખવામાં ઇયરિંગ્સ સહાયકની ભૂમિકા ભજવે છે.

નાકમાં પહેરવામાં આવતી રિંગનો સંબંધ પણ પ્રજનન અંગો સાથે છે. ડાબી બાજુ પહેરવામાં આવતી આ રિંગ માસિક દરમ્યાન થતી પીડાને સરળ બનાવે છે.

ડૉક્ટર આપણું કાંડુ પકડીને પલ્સ બીટ તપાસે છે. કાંડામાં પહેરવામાં આવતી ગોળાકાર બંગડીઓ બાહ્ય ત્વચાના સતત સંપર્કમાં રહે છે. બંગડીઓ બાહ્ય ત્વચા દ્વારા પસાર થતી ઇલેક્ટિÿકને ફરીથી શરીરમાં પ્રવેશવામાં સહાય કરે છે.

Varsha Chitaliya