ઉનાળાને ઊજવીએ સુગંધની સાથે

02 May, 2019 02:04 PM IST  |  મુંબઈ

ઉનાળાને ઊજવીએ સુગંધની સાથે

પરફ્યુમ્સ

આયા મૌસમ ઠંડે ઠંડે એક્સવાયઝેડકાવાળી એક ટેલ્કમ પાઉડરની જાહેરખબર ટીવી પર તમે જોઈ છે? સીઝનને અનુરૂપ કેટલીક વસ્તુઓનો ઉપયોગ અનિવાર્ય બનતો હોય છે. ટેલ્કમ પાઉડર અને ડીઓડરન્ટ પફ્યુર્મ એમાંનાં એક છે જે અત્યારે ઉનાળામાં ઇન થિંગ બને અને બનવાં પણ જોઈએ. પર્સનલ હાઇજિનમાં શરીરમાંથી દુર્ગંધ ન આવવી જોઈએ એ પહેલા નંબર પર છે. એટલી સામાન્ય બુદ્ધિ દરેકમાં હોય જ કે આ દુર્ગંધને કેવી રીતે ટાળવી અને કેવી રીતે ખાળવી. આજે વાત કરીએ ઉનાળાની ગરમીમાં આવતી દુર્ગંધ પાછળનાં કારણો અને એને દૂર કરવાના ઉપાયો વિશે.

નૅચરલ છે

માણસનું શરીર કેવી રીતે એક નવા અને ઑઇલિંગ કરેલા મશીનની જેમ સતત કામ કર્યા કરે છે એ ખરેખર એક જાદુ છે. પસીનો પણ આ મશીનને ચાલતું રાખવા માટેનું એક પ્રકારનું તેલ જ છે. જ્યારે આપણે ખુલ્લા વાતાવરણમાં હોઈએ અને પસીનો આવે ત્યારે પસીનો બૅક્ટેરિયાને આવવા માટે પૂરો રસ્તો ખુલ્લો મૂકે છે અને શરીરમાં એવા બે હંમેશાં પસીનાથી ભીના રહેતા ભાગ એટલે બગલ અને પીઠ. દુર્ગંધ પસીનાથી નહીં, પણ પસીનામાં થતા બૅક્ટેરિયામાંથી આવે છે, અને ડીઓડરન્ટનું કામ છે આ બૅક્ટેરિયાનો નાશ કરવાનું.

ડીઓડરન્ટનો વપરાશ

બૅક્ટેરિયાનો નાશ કરવાના ઍક્શનને કાયમ રાખવા માટે અને સુગંધને લાંબો સમય સુધી ટકાવી રાખવા માટે ડીઓડરન્ટને સૂકી સ્કિન પર લગાવવું. જ્યાં કોઈ ઈજા થઈ હોય એવા ભાગોથી તો દૂર જ રાખવું. બૉટલને વાપરતાં પહેલાં બરાબર હલાવવી જોઈએ. સ્પ્રે થતું ડીઓ અન્ડર આર્મની સ્કિન પર બરાબર લાગે એ માટે હાથને માથાની તરફ બરાબર ઉપર કરો અને ૪-૬ ઇંચ દૂરથી ડિઓ સ્પ્રે કરો. સ્પ્રે કર્યા પછી ડિઓ બરાબર સુકાઈ જાય પછી જ કપડાં પહેરવાં.

પસંદગીમાં શું ધ્યાન?

ઉનાળામાં કેટલાક લોકોને વધારે પડતો પસીનો થવાની ફરિયાદ થતી હોય છે. જો તમને નૉર્મલ કરતાં વધારે પડતું સ્વેટિંગ થતું હોય તો ડર્મેટોલૉજિસ્ટની સલાહ લેવી હિતાવહ છે. જોકે બૉડી ઑર્ડરને ધ્યાનમાં રાખીને ફ્રેગરન્સની પસંદગી કરવી પણ મહત્વનું છે. ધ્યાનમાં રાખો કે દિવસના સમયે સુગંધ લાઇટ હોવી જોઈએ, કારણ કે સવારના સમયે શરીર ફ્રેશ જ હોય છે અને જો એમાં ડીઓની સ્ટ્રૉન્ગ સ્મેલ ભળે તો એેની સુગંધ માથાનો દુખાવો બની શકે છે. દિવસના સમયે ફ્લોરલ તેમ જ સિટ્રસ ફ્લેવર્સ સારી રહે છે, બાકી પોતાની પર્સનલ ચૉઇસ પર આધાર રાખે છે, પણ હળવી સુગંધ જ વાપરવી અને કપડાં પર વધારે પડતું ડિઓ ન મારવું એ સલાહભર્યું છે. પફ્યુર્મ એ પસંદ કરો જે તમારા શરીરની સુગંધ પર પણ સારું લાગે. બધા જ પ્રકારની સ્મેલ બધાના જ શરીર પર એકસરખી સ્મેલ નથી કરતી.

આ પણ વાંચો : તમારી નૅચરલ બ્યુટીને આ રીતે સેલિબ્રેટ કરી શકો?

બૉડી ડીઓડરન્ટ અને ઍન્ટિપર્સ્પિરન્ટ વચ્ચે શું ફરક?

શરીરને સુગંધિત કરનારા બે ઑપ્શન પર તમારી નજર ગઈ હશે. ઍન્ટિપર્સ્પિરન્ટ અને ડીઓડરન્ટ. ઍન્ટિપર્સ્પિરન્ટમાં એલ્યુમિનિયમ સૉલ્ટ હોય છે જે તમારી સ્વેટ ગ્લેન્ડને બ્લૉક કરીને પસીનો થતો અટકાવે છે. જેને ખૂબ પસીનો થતો હોય અને નાહ્યા હોય એ રીતે ભીંજાઈ જતા હોય તેમના માટે આ ઍન્ટિપર્સ્પિરન્ટ કામનાં. જોકે એનો પણ અતિઉપયોગ જોખમી છે. સામે પક્ષે ડીઓડરન્ટ શરીરમાં આવતા પસીના પછી બૅક્ટેરિયાને કારણે આવતી દુર્ગંધને જ નહીં, પણ એ બૅક્ટેરિયાને પણ નાથવાનું કામ કરે છે. ડીઓડરન્ટ બૅક્ટેરિયા સામે લડે છે કે જ્યારે ઍન્ટિપર્સ્પિરન્ટ પસીના સામે.

fashion