જાતજાતના યશની કામનામાં બહુ દોડ્યા, હવે શ્રીકૃષ્ણની જેમ રસ પામવાની ચાહ કરો

15 August, 2024 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિવિધ પ્રકારના યશ પામવા માટે આ જગતમાં માણસ લાલાયીત રહે છે, પરંતુ રસ માટે કેટલા લોકો જીવે છે?

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ભગવાન કૃષ્ણને સંપૂર્ણ રસના વિગ્રહ કહ્યા છે. ભગવાન કૃષ્ણ પોતે રસરૂપ છે, પોતે રસરાજ છે, તેમની કથા રસરૂપ છે, તેમનાં અંગો રસરૂપ છે, તેમની લીલાઓ રસરૂપ છે, તેમનું ધામ રસરૂપ છે એટલા માટે ભગવાન કૃષ્ણને રસો વૈ સઃ કહ્યા છે. તેમના જીવન પરથી આપણે પણ એટલું જ શીખવાનું છે. આ જગતમાં આપણને યશની કામના ઘણી છે. અત્યારે ચોતરફ નજર કરો તો માણસ યશ માટે બહુ દોડાદોડી કરે છે. મને યશ મળવો જોઈએ. શું કરું તો યશ મળે? આ કરું તો યશ મળે કે પેલું કરું તો યશ મળે. કેટકેટલા પ્રકારના યશ છે!

વિવિધ પ્રકારના યશ પામવા માટે આ જગતમાં માણસ લાલાયીત રહે છે, પરંતુ રસ માટે કેટલા લોકો જીવે છે? જરા બીજી રીતે પૂછું કે આપણું જીવન કેટલું રસમય છે? ભગવાન કૃષ્ણના જીવન પરથી એક વસ્તુ તો આપણે બિલકુલ નિર્ધારિત કરી શકીએ કે ભલે જન્મ જેલમાં થયો અને જન્મતાંની સાથે જ મા-બાપને છોડી દીધાં હોય, જીવનના અંતિમ ક્ષણ સુધી પોતાનું અવતારકાર્ય અને જવાબદારી પૂર્ણ કરવામાં તેમણે કોઈ કચાશ નહોતી રાખી. એટલું જ નહીં, જવાબદારીભર્યું જીવન હોવા છતાં તેમણે પોતાના જીવનનો રસ નહોતો છોડ્યો. ક્ષણે-ક્ષણે તેમણે જીવનનો રસ લીધો છે અને ક્ષણે-ક્ષણે તેમણે જીવનનો રસ બીજાને આપ્યો છે. જે રસની કામના બ્રહ્માજી ઇન્દ્રાદિ દેવતાઓ સતત કરતા રહ્યા એ રસ પોતાના ભક્તોને સહજમાં અર્પણ કરી દીધો.

એટલા માટે સુરદાસજી કહે છે, ‘જો રાત બ્રહ્માદિક નહીં પાયો, સો રસ ગોકુલ ગલિત બહાયો...’

આપણને આપણા જીવનની પ્રત્યેક ક્ષણને રસપૂર્વક માણવાની જે પ્રેરણા આપે છે તેમનું નામ છે રસરાજ પ્રભુ શ્રીકૃષ્ણ. હું પણ કામના કરું કે આપણને સૌને એ રસ પ્રાપ્ત થાય.

આજના આ ભૌતિકતાથી ભરચક યુગમાં આપણે વિચારવું બહુ જરૂરી છે કે યશ પ્રાપ્ત કરવા જતાં ક્યાંક આપણો રસ તો નથી છીનવાતોને? અને જો એ વિચાર આપણા મનમાં ન જન્મે અથવા તો કોઈ માર્ગ ન મળે તો ભગવાન અને કૃષ્ણની કથા, ભગવાન કૃષ્ણની લીલા, ભગવાન કૃષ્ણનું નામ અને ભગવાન કૃષ્ણનું ધામ એ બધું જ રસરૂપ છે. એનો આશ્રય આપણને સંપૂર્ણ રસથી ભરી દેશે, કારણ કે આપણું સંસ્કૃત વાઙમય કહે છે કે ભગવાન અને કૃષ્ણ સંપૂર્ણ રસરૂપ છે, રાસરાજ છે એટલા માટે - રસો વૈ સઃ.

 

- આશિષ વ્યાસ (શ્રીમદ ભાગવતના યુવા કથાકાર આશિષ વ્યાસ છેલ્લાં ૧૭ વર્ષથી યુવા પેઢીને સાચો માર્ગ ચીંધવાનું કામ કરી રહ્યા છે.)

culture news life and style columnists