મહિલા દિવસ પર મળો ગૌરવી અધ્યારુને, એકલી જ પર્વતો ખૂંદે છે આ મહિલા

17 April, 2019 05:39 PM IST  |  અમદાવાદ | ભાવિન રાવલ

મહિલા દિવસ પર મળો ગૌરવી અધ્યારુને, એકલી જ પર્વતો ખૂંદે છે આ મહિલા

મહિલા દિવસ પર મળો ગૌરવી અધ્યારુને

ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી,
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી...

ઉમાશંકર જોષીની આ કવિતાના શબ્દોને સાચી પાડી રહ્યા છે, ગુજરાતી મહિલા ગૌરવી અધ્યારુ. પ્રોફેશનલી સિંગર અને સિંગિંગ ટીચર તરીકે કામ કરતા ગૌરવી અધ્યારુ અત્યાર સુધીમાં 10 સોલો ટ્રિપ કરી ચૂક્યા છે. તેમણે 8 સોલો ટ્રિપ ભારતના હિમાચલ પ્રદેશમાં કરી છે, તો પોતાનો આ શોખ તેઓ સાત સમુંદર પાર પણ પૂરો કરી ચૂક્યા છે. 2 સોલો ટ્રિપ તેમણે યુરોપમાં પણ કરી છે.


ઘરની ચાર દીવાલોમાંથી બહાર નીકળીને દુનિયા જોવાનો શોખ તેમણે પૂરો કર્યો છે. હા, મુશ્કેલીઓ આવી હતી, વિરોધ પણ હતો, અડચણો પણ આવી, એવું પણ થયું જ્યાંથી આગળ વધતા અટકી જવાય પણ ગૌરવી ન અટક્યા. કદાચ એકલા ચાલો રેનો રવિન્દ્રનાથ ટાગોરના શબ્દોને આત્મસાત કર્યા છે.

પોતાના આ શોખ વિશે વાત કરતા ગૌરવીનું કહેવું છે કે પહેલા હું પણ ગ્રુપમાં ટ્રાવેલ કરતી હતી, પણ ગ્રુપમાં જઈએ તો બધાના શોખ જુદા જુદા હોય, બધાને જુદું જુદું જોવું હોય. એટલે તકલીફ પડતી, એક્સપ્લોર કરવા નહોતું મળતું. મારે કંઈક અલગ કરવું હોય તો ગ્રુપમાં બધા ના પાડે, નેગેટિવ થોટ્સ આપે. કે મહિલા થઈને આમ ન કરી શકાય. એટલે પછી આપણે એકલા જ નીકળી પડ્યા.

જો કે ગૌરવી માટે આ એકલા રોડ ટ્રિપ શરૂ કરવાની સફર આસાન બિલકુલ નહોતી. મનમાં તો નક્કી કરી લીધું હતું કે જવું છે. પણ પરિવાર હતો, પરિવારની મંજૂરી બાકી હતી. અને અહીં જ આવી સૌથી પહેલી મુશ્કેલી. ગૌરવી એ સમયને યાદ કરતા કહે છે,' પહેલી વખત મેં કહ્યું ત્યારે હસબન્ડે સીધી ના પાડી. મમ્મી પપ્પાએ પણ ના જ પાડી. પણ મારા મનમાં હતું કે મારે આ કરવું જ છે. એકાદ વખત હું ઘર છોડીને પણ જતી રહી, ત્યારે કાર પણ સાથે લઈ ગઈ હતી. 2-3 વર્ષ સુધી ઘરમાં આ મુદ્દે ઘર્ષણ ચાલ્યું. પણ આખરે બધા માન્યા'

આખરે 2009માં થઈ પહેલી સોલો ટ્રિપ, જે હતી અમદાવાદથી મનાલી સુધી. પહેલી ટ્રિપ હતી એટલે થોડી મુશ્કેલી પડી, પણ બધું સમુસૂતરું પાર પડ્યું. જો કે એવું પણ નથી કે ગૌરવીની બધી ટ્રિપ સક્સેસ ફૂલ જ રહી હોય, સરળ રહી હોય. કાર લઈને હજારો કિલોમીટર જવું એ ખાવાના ખેલ નથી. ક્યારેક કાર બગડી પણ શકે છે.

અને આવું જ ગૌરવી સાથે થયું હતું લેહની ટ્રિપમાં. આ ટ્રિપમાં ગૌરવી સાથે ગુજરાતના જાણીતા ગાયક શ્યામલ મુનશીના પુત્ર અદિત મુનશી પણ હતા. અને તેઓ કાર લઈને રોહતાંગ ક્રોસ કરી જિસ્પા બાજુ જતા હતા ત્યારે જ રોહતાંગ પાસથી 100 કિલોમીટર આગળ કાર પથ્થર સાથે અથડાઈ અને ઓઈલ ચેમ્બર તૂટી ગઈ. સાવ વેરાન વિસ્તારમાં કાર, ગૌરવી અને અદિત મુનશી ત્રણ જ જણ હતા. ન માણસ ન માણસની જાત. આખરે માંડ માંડ કાર કંપનીનો કોન્ટેક્ટ થયો. ગૌરવી કહે છે કે સ્નો ફોલ હતો, વરસાદ હતો, તડકો પણ હતો અને 12 કલાક સુધી ખાધાપીધા વગર અમારે એમ જ બેસી રહેવું પડ્યું.

તો આનાથી પણ ભયાનક અનુભવ તેમને હિમાચલ પ્રદેશની એક ટ્રિપ વખતે થયો છે. આ વાત છે દહેરાદૂનથી મનાલી તરફ જતા સમયની. જ્યારે ચારેક જેટલા પુરુષોએ તેમની કારનો પીછો કર્યો, પણ ઓવરટેક ન કરી શક્યા. આખરે ગૌરવી જ્યારે કૉફી બ્રેક માટે ઉભા રહ્યા, ત્યારે જબરજસ્તી આ ચારેય શખ્સોએ તેમની કારની ચાવી લઈ લીધી અને કહ્યું કે તુ લેડી થઈને ફાસ્ટ ચલાવે છે. હવે તુ આખી રાત અહીં જ ઉભી રહે. એક તો અજાણ્યો વિસ્તાર, રાતનો સમય આ ઘટના ગૌરવી માટે શોકિંગ હતી. જો કે તેમણે હિમાચલ પ્રદેશ પોલીસની મદદ લીધી અને પોલીસે મામલો થાળે પણ પાડ્યો.

આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2019: મળો ઑલરાઉન્ડર આર્ટિસ્ટ ચૌલા દોશીને

જો કે આવી નાની મોટી ઘટનાઓ બાદ પણ ગૌરવી અધ્યારુની સોલો ટ્રિપ્સ અટકી નથી. તેમનું કહેવું છે કે બધાએ થોડુંક એડવેન્ચર તો કરવં જ જોઈએ. એડવેન્ચર મને પાવર આપે છે, એક્સાઈટમેન્ટ વધારે છે. તો મહિલાઓને પણ તે એટલું જ કહે છે કે તમારે જે કરવું છે, તે બોલો. તમારી અંદર પેશન હોવું જોઈએ. તમારી વાત તમારે રજૂ કરવી જ પડશે.

womens day ahmedabad gujarat