વિશ્વ ગુજરાતી ભાષા દિવસ: જાણો એવા ગુજરાતીઓ વિશે જે વિદેશમાં રહીને પણ શીખે છે ગુજરાતી

24 August, 2022 04:35 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

આજે વાત કરીએ એવા શિક્ષિકાબહેન વિશે જે પોતે ગુજરાતી છે. ભાષા માટે ઘણું યોગદાન આપ્યું છે અને હવે વિદેશમાં વસતાં ગુજરાતીઓને તેમની ભાષા- માતૃભાષા ગુજરાતી શીખવીને ગૌરવ અનુભવે છે.

ફાઈલ તસવીર

"સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી
મળી માતૃભાષા મને ગુજરાતી" 

જો આ માતૃભાષા ગૌરવ ગાન ઊમાશંકર જોષી સુધારક યુગમાં ગાતાં હોય અને તે સમયથી માતૃભાષા બચાવવાના વાતો ચાલી આવતી હોય તેમ છતાં ગુજરાતી ભાષા આજે પણ જીવંત છે એનો અર્થ એ જ છે કે, ભલે એક ગુજરાતી ચંદ્ર પર પણ પહોંચી જાય પરંતુ તે પોતાના મૂળ, પોતાની ભાષાથી દૂર રહી શકે નહીં. આજે વાત કરીએ એવા શિક્ષિકાબહેન વિશે જે પોતે ગુજરાતી છે. ભાષા માટે ઘણું યોગદાન આપ્યું છે અને હવે વિદેશમાં વસતાં ગુજરાતીઓને તેમની ભાષા- માતૃભાષા ગુજરાતી શીખવીને ગૌરવ અનુભવે છે.

વર્ષ 2006થી 2008 દરમિયાન ગુજરાતી લેક્સિકૉન (સાર્થ ગુજરાતી ડિક્શનરીનું ડિજીટલાઈઝેશન) કર્યા બાદ મીનાબહેન છેડાએ અનેક ટ્રાન્સલેશનના કાર્યો કર્યાં. મૂળ તો તેમણે ટ્રાન્સલેશન અને પ્રૂફ રિડીંગનું કામકાજ કર્યું છે. આ દરમિયાન તેમણે અનેક અનુવાદ કર્યા છે સાથે તેમણે પોતાના પુસ્તકો પણ લખ્યાં છે. મીના છેડા ટ્રાન્સલેશન અને પ્રૂફ રીડિંગ કરવાની સાથે વિદેશમાં વસતા ગુજરાતીઓને ભાષા પણ શીખવે છે. આ માટે તેમમે બેઝિક ગુજરાતી બોલતાંં, લખતાં અને વાંચતાં આવડી જાય તે માટે સિલેબસ બનાવ્યું છે. આ સિલેબસમાં મૂળ તો બોલચાલની ભાષા જેને આપણે બોલી તરીકે ઓળખીએ છીએ તે શીખવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

વિદેશમાં વસતા ગુજરાતીઓને ગુજરાતી શીખવવાનો ખ્યાલ કેવી રીતે આવ્યો તેઓ કેવી રીતે જોડાયા? આ વિશે વાત કરતા મીનાબહેન છેડા જણાવે છે કે હ્યુમેનિટેરીયન અને ચેરિટેબલ વન ટ્રસ્ટના ફાઉન્ડર અને ચેરમેન ડૉ. આમિર લખા જેઓ M.B., Ch.B., MSc (Edin), DPM (RCP Lond & RCS Eng) પણ છે તેમનો મીનાબહેન છેડા સાથે કોઇકરીતે સંપર્ક થયો. તેમણે વિદેશમાં વસતા ગુજરાતીઓને ગુજરાતી શીખવવા માટેનું બીડું ઊઠાવ્યું જેમાં મીનાબહેન જોડાયા અને છેલ્લા 10 મહિનાથી તેમણે પોતે લગભગ સવાસો જેટલા વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા શીખવી છે. મીનાબહેન સાથે તેમના સાથી શિક્ષકોએ પણ લગભગ એટલા જ વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાનું જ્ઞાન આપ્યું છે. એક તરફ જ્યાં માતૃભાષા ગુજરાતી મરણપથારીએ છે તેવું સતત કહેવામાં આવે છે ત્યારે બીજી તરફ કેવી રીતે વિદેશમાં વસતાં ગુજરાતીઓ પોતાનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ફરી ગુજરાતી શીખવા તરફ વળ્યા છે તેનું સ્પષ્ટ ઉદાહરણ એટલે GTP કૉર્સ. GTP કૉર્સ બીજું કંઇ જ નહીં પણ ગુજરાતી ટીચિંગ પ્રૉગ્રામ છે જેમાં તમે બેઝિકથી લઈને પ્રી ઇન્ટરમીડિયેટ ગુજરાતી શીખી શકો છો. બેઝિક કૉર્સ 3 મહિનાનો છે જેમાં અનેક વિદ્યાર્થી સફળતાથી ગુજરાતી શીખ્યા છે અને વધારે શીખવા માટે હવે તેમણે પ્રી ઇન્ટરમીડિયેટ ગુજરાતી કૉર્સ શરૂ કર્યો છે. આની સાથે જેમણે આ કૉર્સ પણ કરી લીધો છે તેમને વધુ શીખવા માટે એડવાન્સ કૉર્સની પણ જરૂર જણાવી છે.

ડૉ. આમીર લખા

આ વિશે વધુ ઉમેરતાં મીનાબહેન છેડાએ ઉમેર્યું કે, "ઘણા વિદ્યાર્થીઓએ એડવાન્સ કૉર્સ માટે પણ પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે ત્યારે ટૂંક સમયમાં જ અમે એડવાન્સ કૉર્સની પણ તૈયારી કરી રહ્યા છે."

ભારતનો સમય અને વિદેશનો સમય જુદો હોય છે ત્યારે ઑનલાઇન વર્ગો કેવી મેનેજ કરો છો?
અમે વિદેશના માત્ર એક શહેર કે દેશમાં નહીં પણ જુદાં જુદાં દેશોમાં આ ઑનલાઇન વર્ગ લઈએ છીએ. તેથી તેમનો સમય જુદો હોય. અઠવાડિયા દરમિયાન અન્ય ઘણાં કામને કારણે તેમને પણઆ વર્ગો માટે તેમજ અમને પણ આ વર્ગો માટે સમય કાઢવો થોડો મુશ્કેલ થઈ પડે તેથી જ અમે શનિવાર અને રવિવાર દરમિયાન જ્યારે જે તે દેશનો અને આપણો સમય ગોઠવાઇ શકે તે રીતે વર્ગોનો સમય નક્કી કર્યો છે. આમાં ભારતીય સમય પ્રમાણે શનિવારે સવારે સાડા સાત વાગ્યે કેલિફૉર્નિયા, સાડા દસ વાગ્યે ટોરન્ટો, બપોરે સાડા ત્રણ વાગ્યે લંડન, સાડા ચાર વાગ્યે ફ્રાન્સ, સાડા સાત વાગ્યે દુબઈ એમ જુદા જુદાં સમયે વર્ગો લેવામાં આવે છે.

મીનાબહેન છેડા

વિદ્યાર્થીઓની વયમર્યાદા કેટલી?
અમારી પાસે ભણતા લગભગ સૌથી નાના વિદ્યાર્થીની ઊંમર 5 વર્ષની છે અને સૌથી મોટા વિદ્યાર્થીની ઊંમર 63 વર્ષની છે, આમ પાંચ વર્ષથી લઈને 63 વર્ષ સુધીના દરેકને ગુજરાતી શીખવીએ છીએ.

પાંચ વર્ષથી લઈને 63 વર્ષની વયજૂથના લોકોને તમે જ્યારે ગુજરાતી શીખવો છો તો બન્નેની સમજણ શક્તિ જુદી હોય છે ત્યારે તમે સિલેબસ કેવી રીતે મેન્ટેઇન કરો છો?
હા ખરેખર, જુદાં જુદાં વયજૂથના લોકોની સમજણશક્તિ અને ગ્રાસ્પિંગ પાવર જુદૂં હોય છે આથી સિલેબસ પણ એ રીતે બનાવાયો છે કે કોઈપણ વયજૂથના લોકો હોય તેમને ગુજરાતી શીખવામાં સરળતા રહે. જેમકે અમે રમત, ગીતો અને પ્રાર્થનાઓથી શરૂઆત કરીએ છીએ. બોલચાલની ભાષાથી શરૂઆત કરતા હોવાથી ખાસ મુશ્કેલી આવતી નથી.

વિદ્યાર્થીઓના પ્રતિભાવ વિશે વાત કરતા મીનાબહેન છેડા જણાવે છે કે લગભગ સવાસો જેટલા વિદ્યાર્થીઓને મેં ગુજરાતી શીખવ્યું છે તેમાંથી ઘણાંએ અમને મેઇલ મોકલીને પ્રતિભાવ મોકલ્યા છે તો કેટલાકે સ્વરચિત કાવ્યો પઠન કરીને તો કેટલાકે ખાસ નિબંધ લખીને અમને મોકલી છે. આ જોઈને મને તો આનંદ થાય જ છે સાથે ગર્વ પણ થાય છે કે હું મારી ભાષા માટે કંઇક કરી શકું છું.

culture news Mumbai mumbai news