17 July, 2025 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘરના વાતાવરણ અને સંસ્કાર માટે માત્ર મુખ્ય વ્યક્તિ એકલી જ કારણભૂત હોતી નથી. દરેક વ્યક્તિને પોતપોતાના જીવનમાં સંઘર્ષો ચાલતા જ હોય છે. જીવનના અનેક પ્રશ્નો મૂંઝવતા જ હોય છે પણ આપણે એ પ્રશ્નોનો ઉકેલ લાવવાને બદલે એને વધારે ગૂંચવીએ છીએ એટલે ટેન્શનનું એક્સટેન્શન થઈ જાય છે.
ઘરમાં સુખ-સગવડ, આનંદ-પ્રમોદનાં સાધનો વસાવ્યા છતાં પણ ખરું સુખ આપણને જડતું નથી.
અનેક પિતાની ફરિયાદ છે અમારા દીકરાઓ આઠ-દસ વર્ષના છે પણ અત્યારથી એ નઠારાં વેણ બોલે છે ને ક્યારેક સામે હાથ પણ ઉપાડી દે છે. અનેક માતાની ફરિયાદો છે કે કૉન્વેન્ટમાં ભણતી અમારી કન્યાઓ વાતે-વાતે અમને સંભળાવી દે છે. બેસ મમ્મી, તને શું ખબર? તું શું ભણી છે? પૂરું ઇંગ્લિશ બોલતાં પણ આવડતું નથી અને રૂઆબ દેખાડ્યા કરે છે.
ઘેર-ઘેર આવી અનંત વાતો આપણને રોજ સંભળાય છે કે બાળકો અસંસ્કારી થયાં છે, તોફાની થયાં છે, નાસ્તિક થયાં છે. મા-બાપની આમન્યા રાખતાં નથી, હલકી મનોવૃત્તિનાં થયાં છે, હિંસક થયાં છે. આવી તો કંઈક વાતો સંભળાય છે. બાળકોની પણ ફરિયાદ છે કે મમ્મી-પપ્પા અમને રોજ ટોક-ટોક કર્યા કરે છે.
ઘરસંસારમાં ઉભય પક્ષે આવી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. મન મોટું રાખીને કોઈની પણ ભૂલ જતી કરવા, માફી માગવા, ક્ષમા કે ઉદારતા દાખવવા માટે કોઈની જ તૈયારી નથી.
આવી વિષમ પરિસ્થિતિ ઊભી થવાનું મુખ્ય કારણ શું? આનું મુખ્ય કારણ છે આપણાં ઘરોમાં સત્સંગનો અભાવ. સત્સંગ વગરનું ઘર સંસ્કારહીન બની જાય છે એમ ધર્મ અને સંસ્કૃતિથી દૂર થતું જાય છે. બાળકોને માતા-પિતાના સંસ્કારનું પ્રતિબિંબ કહેવામાં આવે છે.
બજારમાં એક માણસ ચાલ્યો જતો હતો. કોઈએ બારીમાંથી પથ્થર માર્યો. સારું થયું કે વાગ્યો નહીં. બારીમાં એક ભાઈ ઊભા હતા. તેમને પેલાએ ફરિયાદ કરી: ‘એ વડીલ! જરાક છોકરાઓને સંસ્કાર આપો, આ બજારમાં ચાલ્યા જાય તેને પાણા મારે છે!’ પેલાએ કહ્યું, ‘તમને વાગ્યો?’
‘ના.’
‘તો એ મારા દીકરાનો ઘા નહીં. મારા દીકરાએ માર્યો હોય તો વાગે જ. લોહી ન કાઢે તો મારો દીકરો શાનો?’
જો મૂળમાં જ આવા સંસ્કાર હોય પછી બીજી શું આશા? આપણાં બાળકોને સારા સંસ્કાર આપતાં પહેલાં આપણે જાતે સંસ્કારી બનવું પડે છે. માત્ર બાહ્ય આડંબર કે મૌખિક ઉપદેશોની અસર પડતી નથી. આપણે આપણા ઘરમાં જેવો વર્તાવ કરતા હોઈશું, આપણી જેવી દિનચર્યા હશે અને આપણાં બાળકો આપણને જે કરતાં જોશે એવું જ તેઓ પોતાના આચરણમાં મૂકશે.
-વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી