28 May, 2026 11:09 AM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
‘હોય નહીં.’
‘હોય શું નહીં? વાત સાવ સાચી છે.’
‘સાચે જ. ચમત્કાર જ લાગે છે.’
મુંબઈના ડૉક્ટરની મર્દાનગી, સંતોષવૃત્તિ, પરગજુપણા, લાગણીશીલતાની વાત બે યુવકોએ જ્યારે કરી ત્યારે મારા મોઢામાંથી આ શબ્દો સરી પડ્યા.
‘મહારાજસાહેબ, ખબર નહીં. વર્ષોની ડૉક્ટરને પ્રૅક્ટિસ છતાં કોઈક પળે તેમના મનમાં વિચાર આવ્યો એટલે તેમણે બોર્ડ બનાવીને પોતાના દવાખાનાની ઉપર લગાવડાવી દીધું. બોર્ડ પર લખ્યું હતું : આ દવાખાનામાં પૈસા આપવા ફરજિયાત નથી.’
હું કંઈ કહું, પૂછું એ પહેલાં તો તે યુવકે મને કહ્યું, ‘એટલું જ નહીં, ડૉક્ટરે એ પણ નક્કી કર્યું કે ધારો કે કોઈ પૈસા આપે તો પણ ફી ૩ રૂપિયાથી એક રૂપિયો વધારે કોઈ પાસેથી નહીં લેવાનો. દવાના આ ૩ રૂપિયા પણ કોઈ પાસે માગવાના નહીં. તે આપે તો જ લેવાના અને કોઈના ચહેરા પર લાગે કે આર્થિક સ્થિતિ સારી નથી તો આગળની ટ્રીટમેન્ટ માટે પોતાના ખિસ્સામાંથી પચીસ રૂપિયા કાઢીને તેને આપી દેવાના...’
‘વાહ...’
‘હમણાં અનેક
નામી-અનામી વ્યક્તિઓએ તેમને જે શાલ ઓઢાડી એ શાલનો આંકડો વિચારો તમે, કલ્પના કરો એનો?’
‘૫૦, ૫૨ કે પછી વધીને ૫પ...’
‘૪૫૦ શાલ...’ ફરી વાત આગળ વધી, ‘સાહેબ, એ બહુમાન સમારંભ રાતે ૧૦.૩૦ વાગ્યે પૂરો થયો અને પછી શું થયું એ સાંભળીને તો આપ સ્તબ્ધ થઈ જશો. એ તમામેતમામ ૪૫૦ શાલ તેમણે મુકાવી પોતાની ગાડીમાં, પત્નીને લીધી તેમણે ગાડીમાં સાથે અને ગાડી લેવડાવી ડ્રાઇવર પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં. સવારે પાંચ વાગ્યા સુધીમાં એ તમામેતમામ શાલ ગરીબોને તેમણે ઓઢાડી દીધી અને સવારે છ વાગ્યે ઘરે આવીને શાંતિથી સૂઈ ગયા.’
આને કહેવાય ‘રાખ્યું તે રાખ થયું, આપ્યું તે આપણું થયું.’
આ ઉક્તિને ચરિતાર્થ કરનારા આત્માઓની આવી મર્દાનગી જ આ જગતને રહેવાલાયક બનાવતી હશે એવું નથી લાગતું તમને. તમે જુઓ, વસંતૠતુમાં વૃક્ષ ફળ આપવાનો ઇનકાર ક્યાં કરે છે? સુકાળના સમયમાં બે કાંઠે છલકાતી નદી પાણી આપવાની ના ક્યાં પાડે છે? પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર પ્રકાશ ફેલાવવાનો ઇનકાર કરે છે? એ જ રીતે પુણ્યના ભાથા સાથે સંપત્તિનું દાન કરવાની ના પુણ્યાત્મા ન જ પાડે, બિલકુલ સમજાય એવી જ વાત છેને? બસ, આ જ વાતનું પાલન એક-એક આત્મા કરવા માંડે તો જગતમાં દુખ રહે નહીં અને ચોમેર સુખ જ સુખ હોય.