12 January, 2026 01:26 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આંતરજ્ઞાતીય લગ્નો હવે સાચા અર્થમાં સમાજની જરૂરિયાત બની રહ્યાં છે એવું મને લાગે છે અને આજનું મૉડર્ન સાયન્સ પણ એ માને છે. આનુવંશિક બીમારીઓની ચેઇન તોડવી હશે તો આંતરજ્ઞાતીય લગ્નને પ્રાધાન્ય આપવું પડશે. આપણો સમાજ સીધી રીતે વાતને માનવા તૈયાર નથી થતો એવું ઇતિહાસ કહે છે, પણ જો આ સમાજને ધર્મગુરુ કે સંત કે મહાત્માનાં વચનો દ્વારા સમજાવવામાં આવે તો તે આંખો બંધ કરીને એ વાતનું પાલન કરવા માંડે છે. અત્યારે તો મારી નાદુરસ્તી વચ્ચે બહાર નીકળવું મારા માટે શક્ય નથી; પણ આશ્રમ પર રહીનેય હું આ વાતનો પ્રચાર તો સતત કરું છું કે આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપો, એ બહુ જરૂરી છે. હા, કુળ જોવું જોઈએ.
સારી કેરી આપતા આંબાની કલમનું જો બીજું ઝાડ રોપવામાં આવે તો એના પર પણ ફળની માત્રા અને ફળની ગુણવત્તા ઉત્તમ રહે છે. એટલે જ છોકરા કે છોકરીનું કુળ જોવું જરૂરી છે. જો એ સારું હોય, જો ભણતરની બાબતમાં તે ઉચ્ચ અભ્યાસ ધરાવતો હોય, પારિવારિક ખાનદાનીના દાખલા દેવાતા હોય અને છોકરાને કોઈ જાતનું વ્યસન ન હોય, કુસંપ ન હોય તો જ્ઞાતિની ચિંતા કરવાને બદલે દીકરીના ભવિષ્ય અને ભાવિ પેઢીના ઉચ્ચ ગુણવત્તાવાળા DNA વિશે વિચારીને આંતરજ્ઞાતીય લગ્નમાં આગળ વધવું જોઈએ.
હું તો કહીશ કે આપણે ત્યાં જેમની નામના છે, જેમની વાત લોકો સાંભળે છે, જેમનાં વચનોનું પાલન કરવા માટે પ્રજા તત્પર રહે છે તેમણે પણ આ વાતનો ફેલાવો કરતા રહેવું જોઈએ. રાજનેતા પણ જો આ વિશે સકારાત્મક વાત કરે તો એનાથી પણ સમાજમાં જાગૃતિ આવે. મીડિયાની પણ આ જવાબદારી છે. એણે પણ જાગૃતિ માટે પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ અને આંતરજ્ઞાતીય લગ્ન પછી ખૂબ સુખી થયા હોય, સારાં અને બૌદ્ધિક સંતાનોનો વારસો સમાજને આપ્યો હોય તેમને લોકોની સમક્ષ મૂકવા જોઈએ.
આજે તો હવે સમાજમાં ક્લબ-કલ્ચર પણ વધવા માંડ્યું છે. રોટરી અને લાયન્સની શાખાઓ ઠેર-ઠેર છે. એ સિવાયની પણ સંસ્થાઓ છે. આ સંસ્થાઓએ પણ સમાજના હિતમાં આગળ આવીને આંતરજ્ઞાતીય લગ્નોના સામાજિક અને વૈજ્ઞાનિક ફાયદાઓ વિશેના સેમિનારો કરતા રહેવું જોઈએ. પ્રેમલગ્નમાં તો આ પ્રકારની છૂટછાટ પ્રેમીઓ જ લઈ લેતા હોય છે અને શિક્ષિત માબાપ પણ એ વાતને હોંશભેર વધાવી લેતાં હોય છે, પણ વાત અરેન્જ્ડ મૅરેજની છે. એમાં પણ હવે આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપીને જ્ઞાતિબાધનો ક્ષય કરવો જોઈએ. એમાં જ સમાજનું હિત છે અને હિતનું આ કામ સમાજના આગેવાનોથી વધારે સારી રીતે કોઈ કરી નહીં શકે.