29 January, 2026 01:46 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
‘જીવનમાં દોડવાનું કામ એવું તે થઈ રહ્યું છે કે કોઈએ વિચાર સુધ્ધાં ન કર્યો હોય. જો પૂછવામાં આવે તો બધા પાસે જવાબ પણ તૈયાર હોય કે અત્યારે થઈ જાય એ જ સારું છે, ભાવિના ગર્ભમાં કોણે જોયું છે? સમય હોય ત્યારે જ લડવાનું હોય, અત્યારે સમય છે તો દોડી લઈએ, કરી લઈએ.’
દસ રવિવારીય યુવા શિબિરમાંથી એક શિબિરમાં આ વિષય પર ખૂબ સારીએવી છણાવટ થઈ. પૈસાની ઉપયોગિતા અને પૈસા પ્રત્યેની આસક્તિ એ બે વિકલ્પોને વિસ્તારપૂર્વક સ્પષ્ટ કર્યા અને એ પછી તો બીજી શિબિરના વિષયો પર લાગી ગયા; પણ થોડા સમય પછી, કહો કે અંદાજે એકાદ દિવસ બાદ એક યુવક મળવા આવ્યો. તેણે જે વાતો કરી એ તેના ખુદના જ શબ્દોમાં જાણવા જેવી છે.
‘મહારાજસાહેબ, છું તો હું જૈનેતર પણ આપની શિબિરનો વિદ્યાર્થી છું. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છું. ફાઇલોના ઢગલાઓ વચ્ચે સતત ઘેરાયેલો રહેતો હતો હું, પણ અમર્યાદ લોભવૃત્તિની ખતરનાકતા પરનું આપની શિબિરનું એ પ્રવચન સાંભળ્યા બાદ ઘરે જઈને જીવનને તપાસ્યું. આપ નહીં માનો, હું રડી પડ્યો. પૈસા ચિક્કાર પણ પ્રસન્નતા નામનીયે નહીં. ‘ગુડવિલ’ જોરદાર પણ જીવનમાં ‘ગુડ’ જેવું કંઈ જ નહીં. પીવાનું ચાલુ, ખાવાનું ચાલુ, રડવાનું ચાલુ અને લફરાં પણ ચાલુ. આ તમામ અનિષ્ટો પર પૂર્ણવિરામ મૂકી દેવાનો દૃઢ સંકલ્પ કર્યો અને બીજા દિવસથી એનો અમલ પણ ચાલુ કરી દીધો. સવારના ૧૧ વાગ્યા પહેલાં ઑફિસ જવાનું નહીં અને સાંજે સાત વાગ્યા પછી ઑફિસમાં રહેવાનું નહીં. ફાઇલો મેળવવા માટે કોઈની પણ કદમબોસી કરવાની નહીં અને ફાઇલો પાસ કરાવવા માટે કોઈનાં પણ ગજવાં ગેરકાયદેસર ભરવાનાં નહીં. જમવાનું પરિવાર સાથે જ અને દરરોજ રાતે સૂતાં પહેલાં બાળકોને સંસ્કારપોષક વાતો અને વાર્તા કહેવાની એટલે કહેવાની જ. ઘરે ગયા પછી ઓછામાં ઓછો સમય મોબાઇલ સાથે રહેવાનું અને વધારેમાં વધારે સમય માવતર સાથે કાઢવાનો.’ યુવકની આંખમાં આંસુ હતાં, ‘એક મહિનાથી આ અભિયાન શરૂ કર્યું છે અને એકદમ સરસ રીતે ચાલે છે.’
‘અનુભવ?’
‘અનુભવ?’યુવકે હાથ જોડી નમ્રતા સાથે કહ્યું, ‘એક જ વાક્યમાં અનુભવ કહું તો મહારાજસાહેબ, પહેલાં એક લાખ રૂપિયા એક હજાર જેવા લાગતા હતા ને આજે એક હજાર રૂપિયા એક લાખ જેવા લાગે છે. પહેલાં જીવનની એકેક ક્ષણ દોહ્યલી લાગતી હતી અને આજે જીવનની પ્રત્યેક ક્ષણ મહામૂલી લાગે છે. પહેલાં દોડતો હતો, આજે જીવું છું અને સાથે જે કોઈ છે તેમને પણ જીવનનો પાઠ સમજાવું છું.’