વસ્ત્રો મેલાં હોય પણ મન સ્વચ્છ હોય એનાથી ઉત્તમ બીજું શું હોય?

06 September, 2021 03:31 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

બંગલામાં જો ખુમારી હોય છે તો ઝૂંપડું પણ ખુમારીથી ભર્યું-ભર્યું હોઈ શકે છે એ વાત સ્વીકારવા મન જલદી તૈયાર થતું નથી

પ્રતીકાત્મક તસવીર

‘ખાનદાનીને મોટા ભાગના લોકોએ પૈસા સાથે જ જોડી દીધી છે, તો ગલત સંસ્કારો, ખોટા સંસ્કારોને મોટા ભાગના માણસોએ દરિદ્રતા સાથે જ જોડી દીધા છે. વસ્ત્રો જેનાં સ્વચ્છ છે એ માણસ બીજાના આકર્ષણનું કેન્દ્ર ઝડપથી બને છે, પણ મલિન વસ્ત્રો, અસ્વચ્છ વસ્ત્રોવાળા પાસે ઊભા રહેવા જલદી કોઈ તૈયાર થતું નથી. બંગલામાં જો ખુમારી હોય છે તો ઝૂંપડું પણ ખુમારીથી ભર્યું-ભર્યું હોઈ શકે છે એ વાત સ્વીકારવા મન જલદી તૈયાર થતું નથી.’

વાત જૂની છે પણ અગત્યની છે એટલે અત્યારે કરીએ છીએ.

ખારના ઉપાશ્રયમાં થોડો સમય રહેવાનું થયું ત્યારે એક દિવસ પ્રવચનમાં આ વાત ચાલી. વાત અચાનક જ ચાલુ થઈ હતી પણ એનો ટૉપિક આજના સમયને લગતો હતો. પરિચય પહેલાં જ પૂર્વગ્રહ શું કામ? અનુભવ વિના ધારણા શું કામ? સંબંધ બંધાયા વિના સર્ટિફિકેટ આપવાની ઉતાવળ શું કામ?

પ્રવચનની એ જ સાંજે એક ભાઈ મળવા આવ્યા. પ્રણામ કરીને એ બેઠા અને તેમણે વાત શરૂ કરી.

‘મહારાજસાહેબ, એક અનુભવની વાત કરું, આજે આપે પ્રવચનમાં જે વાત કહી એ જ વિષયની વાત છે.’

‘ખુશીથી, બોલો...’

‘આપે પ્રવચનમાં જે કહ્યું એ ખરેખર આજના સમયમાં જરૂરી હતું.’ તેણે વાત શરૂ કરી, ‘હમણાં જ થયેલા એક અનુભવની વાત છે. બન્યું એમાં એવું કે ચારેક દિવસ પહેલાં હું ઘરેથી નીકળીને શાક-માર્કેટ ગયો. સામાન્ય રીતે શાક લેવાની જવાબદારી મારા પર હોય છે. બાળકોને તૈયાર કરીને સ્કૂલે રવાના કરવાથી માંડીને ઘરની બાકીની બધી જવાબદારીમાં વાઇફ પહોંચી ન શકે એટલે મારાથી શક્ય હોય એ કામ હું સંભાળી લઉં...’

વાત કરતી વખતે ભાઈની આંખોમાં તેજ હતું.

‘શાક-માર્કેટમાં બે-ત્રણ જગ્યાએ ભાવતાલની રકઝક કર્યા બાદ હું ચોથી જગ્યાએ ગયો. એ શાકવાળી બાઈ પાસે શાક સારું હતું અને એનો ભાવ પણ વાજબી લાગ્યો એટલે મેં ત્યાંથી શાક લેવાનું નક્કી કર્યું. શાક આપતો ગયો અને એ બાઈ વજન કરતી ગઈ. વજન કરવાની આ જે પ્રક્રિયા ચાલતી હતી એ જ દરમ્યાન એની સામેનો શાકવાળો એ બાઈના પાંચેક વર્ષના બાબા માટે ફરિયાદ લઈને આવ્યો. આવીને તેણે આકરી રીતે પેલી બાઈને કહ્યું કે આ તારા દીકરાને સાચવ નહીંતર એ મારા હાથનો માર ખાશે.

પેલી બાઈને રીતસર તેણે ધમકાવી નાખી હતી. કામ ચાલુ રાખીને જ બાઈએ બિચારીએ આવી ધમકીનું કારણ પૂછ્યું તો પેલા દુકાનવાળાએ કહ્યું કે મારી દુકાન પાસે આવીને તોફાન કરે છે, ચીસો પાડે છે, મગજ ફેરવે છે...’

‘હમં...’ આવું બધું શાક-માર્કેટમાં ચાલતું જ હોય એવો સાંસારિક અનુભવ, એટલે મેં આગળ વધતાં પૂછ્યું, ‘પછી શું થયું?’

‘બાઈએ હાક મારીને પોતાના દીકરાને બોલાવ્યો અને પછી પોતાની બાજુમાં બેસાડી દીધો. ભયનો માર્યો દીકરોય શાંતિથી એની મા પાસે બેસી ગયો. મેં એ દીકરાની સામે જોયું અને પૂછ્યું કે આ તારો દીકરો છે. તેણે હા પાડી એટલે મને પણ થોડી જિજ્ઞાશા થઈ. જિજ્ઞાશાવશ મેં તેને પૂછ્યું.’

 ‘સ્કૂલમાં ભણવા મૂક્યો છે?’

‘કેમ?’ તેણે સામે સવાલ કર્યો પણ સવાલની સાથે જ તેણે જવાબ પણ આપી દીધો, ‘ગુવાર-ભીંડો વેચીને પેટ પૂરતું ખાવાનું માંડ મળે છે ત્યાં આને ભણાવવાનો ખર્ચો ક્યાંથી પોષાય અમારા જેવા નાના માણસને?’

‘એટલે? તું આખી જિંદગી એને ભણાવીશ નહીં?’

‘ના રે... પૈસા જ ન હોય ત્યાં એને ભણાવાય શી રીતે, છૂટકો જ નથી બીજો કોઈ...’

આવેલા એ ભાઈએ ફરી એક વખત નમસ્કાર કર્યા અને વાત આગળ વધારી.

‘મહારાજસાહેબ, એ બાઈની વાત સાંભળીને મેં એને કહ્યું કે તું એને માટે સ્કૂલની તપાસ કર, સારી સ્કૂલમાં એને ભણવા બેસાડ. એના ભણતરનો ખર્ચો હું આપી દઈશ.’

‘તમે આપશો?’

‘હા.’

મારી હા આવી કે તરત જ એ બાઈએ મને કહ્યું.

‘પણ એક શરતે હું તમારી મદદ લઉં...’

‘શી?’

‘તમે મને કોઈ કામ આપવાના હો તો કામ પેટે હું તમારી પાસે રકમ લેવા તૈયાર છું. બાકી વગરકામે તમે મદદ તરીકે રકમ આપવા માગતા હો તો એવી મદદની રકમ લઈને મારા દીકરાને ભણાવવા હું તૈયાર નથી.’

‘અરે, એમાં વાંધો શો છે?’

‘વાંધો?’ એ બાઈએ તરત જ ચોખવટ કરી, ‘વાંધો એ કે પસીનો પાડ્યા વિનાની રકમથી એ ભણે તો એનામાં એવા જ સંસ્કાર પડે અને મોટો થઈને એ એવા સસ્તા રસ્તે જ પૈસા કમાવા દોડે. ના, એ અભણ રહે એ ચાલે પણ દિલચોર અને કામચોર બનીને યુવાન વયમાં શ્રીમંત બની જાય એ તો મને ન ચાલે. દીકરાને દૂધ ન મળે એ ચલાવાય પણ કો’કનું લોહી પીવાનું મન થાય એવો તો એને ન જ બનવા દેવાયને?’

એ ભાઈની આંખોમાં અશ્રુની ચમક હતી. એ અશ્રુ ખુશીના હતા.

‘મહારાજસાહેબ, આપે સવારે જે વાત કરી એ જ વાત હું નજરે જોઈ ચૂક્યો છું. શાકવાળી બાઈના એ તત્ત્વજ્ઞાનનો મારી પાસે કોઈ જવાબ નહોતો અને એટલે જ તમારી વાત આજના સમયમાં યથાર્થ છે એ કહેવા માટે અત્યારે ફરી અહીં તમારી પાસે આવ્યો.’

પર્યુષણના મહાપર્વ પર આ જ વાત તમે પણ યાદ રાખજો અને સ્વીકારજો, બંગલામાં જો ખુમારી હોય છે તો ઝૂંપડું પણ ખુમારીથી ભર્યું-ભર્યું હોઈ શકે છે.

આવકારજો એ ખુમારીને.

columnists