28 May, 2024 11:42 AM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર
પાંડુરંગ શાસ્ત્રી પોતાના ‘વિજિગીષુ જીવનવાદ’માં હિન્દુ પ્રજાના પતનનાં ચાર કારણો આપે છે. એક, બ્રાહ્મણવાદ; બીજું, વંશપરંપરામાં મળતી ગુરુગાદી; ત્રીજા નંબરે છે પુરાણોનું પ્રાબલ્ય અને ચોથા ક્રમે છે સ્ત્રીશિક્ષણનો અભાવ.
બહુ ઉમદા વાત કહી છે શાસ્ત્રીજીએ. ઉમદા અને ભારોભાર સત્યથી છલકતી.
ભારતમાં આજે પણ અસંખ્ય ગુણવાન વ્યક્તિઓ છે જ, પણ તેમની કદર કરનારા ઝવેરીઓ નથી. રવીન્દ્રનાથ ટાગોર, હરગોવિંદ ખુરાના, નારલીકર વગેરે અનેક વિભૂતિઓની કદર વિદેશીઓએ કરી અને એ પછી આપણે તેમને ઓળખી શક્યા. જો વિદેશીઓએ તેમની કદર ન કરી હોત તો આપણે આજે પણ તેમને ઓળખી શકવાના નહોતા. અરે, વિવેકાનંદ જો અમેરિકા ન ગયા હોત તો આપણે તેમને પણ ઓળખી શકવાના નહોતા, કારણ કે કદર કરતાં તો આપણને આવડતું જ નથી અને પરદેશમાં તરત તેમનું હીરને પારખવામાં આવે છે. આપણી પ્રજાનું આ મોટામાં મોટું દુર્ભાગ્ય છે.
સાચો, ઈમાનદાર અને પ્રામાણિક માણસ આજે ઠોકરો ખાય છે અને ખોટા માણસો હરણફાળ ભરીને આગળ વધે છે.
અત્યારે તો રાજકારણમાં થોડી સ્થિરતા આવી છે, એનું સ્તર થોડું જાળવવામાં આવે છે; પણ એક સમયે રાજકારણ એટલું નીચું આવી ગયું હતું કે એક કાર્ટૂનિસ્ટે એક પ્રધાનના રાજીનામાની ઘટના પર એક કાર્ટૂન દોર્યું, જેમાં એક નેતા બીજા નેતાને કહે છે કે આ માણસ અત્યાર સુધી પ્રામાણિક કેમ રહી શક્યો એની તપાસ માટે એક પંચ નીમો.
પ્રામાણિક રહેવું એ પાપ છે એવી દશાએ આપણો સમાજ પહોંચી ગયો છે. આથી વધુ કયું મોટું પતન હોય? આ પતને પ્રજામાં ઘોર નિરાશા જન્માવી છે. હવે સમાજનું શું થશે એ જ સૌ વિચારકોના મનમાં ઘોળાય છે. આ નિરાશાને ખંખેરવા પ્રજા આગળ આવે. યોગ્ય વ્યક્તિઓની કદર થાય, થવી જ જોઈએ અને અપરાધીઓને દંડ મળવો જોઈએ. દંડ આપવાના સામર્થ્યવાળા હાથ જ્યારે ગુણવાનોને કદરનું સન્માનપત્ર આપે છે ત્યારે એ સન્માનપત્ર તેજસ્વી બને છે. અપરાધીઓને દંડ આપવાના સામર્થ્ય વિનાના દુર્બળ હાથોથી અપાયેલાં સન્માનપત્રો નિસ્તેજ હોય છે. આ બન્ને તત્ત્વો એકબીજાનાં પૂરક છે, પોષક છે. આ બન્ને કામ આપણે ન કરી શકીએ તો કદાચ ચાલશે, પણ એવું ન થાય કે અપરાધીઓને સન્માનપત્ર મળે અને ગુણવાનોને સજા મળે. જો આવું થશે તો એ સૌથી વધુ મોટી અંધાધૂંધી ફેલાવનારો અંધકાર હશે. આવા અંધકારથી પરમાત્મા મારા દેશને અને મારા દેશવાસીઓને બચાવે.
અસતો મા સદ્ગમય,
તમસો મા જ્યોતિર્ગમય,
મૃતં ગમય.