રાગ રાખો, પણ સાથે જીવનનો તાલ પણ બરાબર મેળવો નહીં તો એ ભટકી જશે

14 June, 2025 07:18 AM IST  |  Mumbai | Morari Bapu

સાધક એટલે કે તાપસની પરિભાષા અનેક રીતે કરવામાં આવી છે પણ એ સમજવું અનિવાર્ય છે. 

પ્રતીકાત્મક તસવીર

સાધક. આ શબ્દ બોલીએ બહુ બધી વાર પણ એનો અર્થ ક્યારેય જાણ્યો છે? સાધકનો અર્થ બહુ સામાન્ય છે, પણ એનો ભાવાર્થ બહુ ઊંડો છે.

‘સા’ એટલે સાવધાન, ‘ધ’ એટલે ધર્મ અને ‘ક’ એટલે કલ્યાણકારી.

કલ્યાણકારી ધર્મમાં નિરંતર સાવધાન રહે તે સાધક. 
સાધક ફક્ત અધ્યાત્મમાં જ ન હોય, ધર્મ સિવાયના ક્ષેત્રમાં પણ સાધક હોય છે. સાધક કોઈને બાધક ન બને. જે પાંચ અમૃતનું સેવન કરે છે એ સાધક કહેવાય. આ પાંચ અમૃત કયાં છે એ જાણવું જોઈએ. પાંચમાં સૌથી પહેલા નંબરે આવે છે ક્ષમા.
ક્ષમા પહેલું અમૃત છે. હંમેશાં યાદ રાખવું કે બલિદાન આપવાનું હોય, પણ ક્યારેય  બદલો લેવાનો ન હોય. બીજા નંબરે આવે છે કોમળતા.
કોમળતા અમૃત છે. કઠોરતા ન રાખવી. ત્રીજા નંબરે આવે છે દયા. 
દયા અમૃત છે. દયા અને કરુણામાં ગણતરી ન કરાય અને એવી જ રીતે તર્ક પણ ન કરવાનો હોય. ચોથા નંબરનું અમૃત છે સંતોષ. 
સંતોષ અમૃત છે અને સાથોસાથ એ પણ યાદ રાખજો અસંતુષ્ટિ વિષ સમાન છે. પાંચમું અને અંતિમ અમૃત છે સત્ય. 
સત્ય અમૃત છે, અસત્ય વિષ સમાન છે. 
સાધક એટલે કે તાપસની પરિભાષા અનેક રીતે કરવામાં આવી છે પણ એ સમજવું અનિવાર્ય છે. 

તપસ્વી કોણ, એની વ્યાખ્યા શું? 
ખૂબ તપ કરે, ઉપવાસ, ઇન્દ્રિયદમન કરે એ તપસ્વી છે જ. પહેલાં તો તપ દરમ્યાન આખેઆખું શરીર ધૂળ તળે દટાઈ જતું અને રાફડા થઈ જતા હતા. એ ભાવના હતી. આ ભાવનામાંથી જ તપસ્વિતાનો જન્મ થયો છે. વાત આગળ વધારતાં પહેલાં તપસ્વીનો અર્થ વિસ્તારથી જુઓ, જેના માટે તા-તાલબદ્ધતા, પ-પવિત્રતા અને સુ-સુંદરને સમજવા જોઈએ. જીવનની તાલબદ્ધતા, લયબદ્ધતા, છંદબદ્ધતા. તમે સારાં કપડાં પહેરો તો મારો પરમાત્મા રાજી થશે. એકતાલ, જપતાલ, ત્રિતાલઃ કોઈ પણ રાગ ગાઓ, રાગની સાથે જો તાલ બરાબર નહીં હોય તો સંગીત સુમધુર નહીં રહે. આપણે વૈરાગી નથી, રાગી છીએ. વસ્ત્રોમાં, ખાવામાં, હરવા-ફરવામાં, ક્લબોમાં રાગ છે. રાગ રાખો પણ એની સાથે જીવનનો તાલ પણ બરાબર મેળવો. તાલ વગર રાગ ભટકે છે, સ્વચ્છંદી બની જાય. રાગ રાખો, પહેરો, હરો-ફરો પણ ભૂલો નહીં, રાગ તાલની સાથે હોવો જોઈએ. 

culture news life and style columnists