સમય ખરાબ હોય તો મહેનત અને સમય સારો હોય તો મદદ

17 February, 2026 11:19 AM IST  |  Mumbai | Jainacharya shree Udayvallabhasuri

ચળકતું સોનું ક્યારેક રડાવે પણ છે. ચાંદી પણ ક્યારેક અભિષેક શર્માની જેમ ઉપરાઉપરી છગ્ગા ફટકારે અને અચાનક પહેલા બૉલે વિકેટ ધરી દે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દુનિયામાં બળવાન કોણ? મુદ્દાનો પ્રશ્ન છે. ક્યારેક લાગે કે પહેલવાનની તોલે કોઈ ન આવે, પરંતુ જુહુની દારા વિલાથી સાંતાક્રુઝના પવનહંસમાં ઢગલો રાખ થઈને ખરી પડેલા દારા સિંહની દાસ્તાન સાંભળ્યા પછી આ વિચાર વરાળ થઈ ગયો. ક્યારેક લાગે કે હાથી જેવું બળ કોઈની પાસે નહીં હોય, પરંતુ હાથમાં અંકુશ લઈને હાથીને ડ્રાઇવ કરતા મહાવતને જોયા પછી એ ભ્રમ પણ ભાંગી ગયો.

વૈશ્વિક પ્રવાહો જોતાં ખ્યાલ આવે છે કે બુદ્ધિમાનો ધનવાનો સામે લાચાર છે તો ક્યાંક ધનવાનો પણ કો’કની બુદ્ધિની રમતમાં લેવાઈ જાય છે. ઘણું વિચારતાં એવું લાગે કે દુનિયામાં ખરો બળવાન ‘સમય’ છે. આમ તો સમયને બતાવે ઘડિયાળ છે પરંતુ એ ઘડિયાળ જો સાદી હોય તો ઘડિયાળનો સમય દર્શાવે છે અને જો એ રોલેક્સની હોય તો પહેરવાવાળાનો સમય બતાવે છે.

આમ તો ધનની અને ધનના આધારે વ્યક્તિની બોલબાલા રહેતી હોય છે પણ ધન પણ હવે વૉલેટાઇલ છે. ચળકતું સોનું ક્યારેક રડાવે પણ છે. ચાંદી પણ ક્યારેક અભિષેક શર્માની જેમ ઉપરાઉપરી છગ્ગા ફટકારે અને અચાનક પહેલા બૉલે વિકેટ ધરી દે. પછી લોકો ઍનૅલિસિસ કરતા થઈ જાય છે કે સેમિકન્ડક્ટર સુધી વપરાતી ચાંદી અચાનક કાજુકતરી પૂરતી સીમિત કઈ રીતે થઈ ગઈ? સમય બળવાન છે. સમય ક્યારેક ડૉલરનો તો ક્યારેક ક્રૂડનો, ક્યારેક ચાંદીનો તો ક્યારેક સોનાનો, ક્યારેક પંચરત્નનો તો ક્યારેક કૃત્રિમ રત્નોનો, ક્યારેક ગામડાંનો તો ક્યારેક મહાનગરોનો, ક્યારેક ધોનીનો તો ક્યારેક વિરાટનો, ક્યારેક ગાંધીજીનો તો ક્યારેક ગાંધી પરિવારનો, ક્યારેક કૉન્ગ્રેસનો તો ક્યારેક BJPનો, ક્યારેક ટ્રમ્પનો તો ક્યારેક ભારતનો હોય છે.

વેસ્ટ ઇન્ડીઝના ટાપુઓ તો આજે પણ એવા જ છે પણ બે દાયકા સુધી ક્રિકેટનો તાજ લઈને ફરતી એ ટીમને આજે વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થવામાંય ફાંફાં પડી જાય છે કારણ કે સમય બળવાન છે. બદલાતો સમય કોઈનો અસ્ત અને કોઈનો ઉદય લઈને આવે છે. સમય બહુ જિદ્દી છે. એ એનું ધાર્યું જ કરે છે. સમય બહુ જખ્મી છે એટલે તો ઘડિયાળમાં ફૂલ નહીં પણ ‘કાંટા’ હોય છે અને લોકો આપણને પૂછે છે કે કેટલા વાગ્યા? સમયના કાંટા કોઈનું રંગરોગાન કરી દે છે તો કોઈને લોહીલુહાણ કરી દે છે. સમય બહેરો છે, એ કોઈનું નથી સાંભળતો પણ એ આંધળો નથી, દરેક પર બરાબરની નજર રાખે છે. સમય ચમકાવે છે, સમય સડાવે છે, સમય હસાવે છે, સમય રડાવે છે. સમયને માન છે, સમય ધનવાન છે, સમય બળવાન છે, સમય ભગવાન છે.

કેટલાકનો સમય હોય છે ત્યારે તેમની પાસે સમય નથી હોતો. જ્યારે તેમની પાસે પૂરતો સમય હોય છે ત્યારે તેમનો સમય નથી હોતો. સમય બતાવી શકે છે કે તમારી પાસે કેટલા પૈસા છે પણ પૈસા નથી બતાવી શકતા કે તમારી પાસે કેટલો સમય છે. એટલે સમયને વાપરી જાણીએ. સમય ખરાબ હોય તો મહેનત કરીએ અને સમય સારો હોય તો મદદ કરીએ.   

culture news life and style lifestyle news columnists