દસ બહેનપણીઓ ભેગી મળીને કરે છે જબરો જલસો

05 October, 2021 03:30 PM IST  |  Mumbai | Varsha Chitaliya

કોઈ મહિલા મંડળના કાર્યક્રમમાં મળેલી બોરીવલીની બહેનપણીઓએ નવરંગ ગ્રુપ બનાવ્યા પછી  દર મહિને અવનવી થીમ પર જલસા કરે છે. તેમણે ગણેશોત્સવમાં મહારાષ્ટ્રિયન થીમ સાથે કેવો આનંદ કર્યો એ જોઈ લો

સોનેરી બૉર્ડરવાળી સાડી, નાકમાં નથણી ને હાથમાં લીલી બંગડીઓ, કપાળ પર એકસરખી બિંદી ને માથામાં ગજરો, ગળામાં મંગળસૂત્ર સાથે સોનાના દાગીનાનો ઠઠારો. આ છે બોરીવલીનાં સીમા દલાલના ઘરે રાખવામાં આવેલી કિટી પાર્ટીનો મહારાષ્ટ્રિયન લુક.

કોઈ મહિલા મંડળના કાર્યક્રમમાં મળેલી બોરીવલીની બહેનપણીઓએ નવરંગ ગ્રુપ બનાવ્યા પછી  દર મહિને અવનવી થીમ પર જલસા કરે છે. તેમણે ગણેશોત્સવમાં મહારાષ્ટ્રિયન થીમ સાથે કેવો આનંદ કર્યો એ જોઈ લો

સોનેરી બૉર્ડરવાળી સાડી, નાકમાં નથણી ને હાથમાં લીલી બંગડીઓ, કપાળ પર એકસરખી બિંદી ને માથામાં ગજરો, ગળામાં મંગળસૂત્ર સાથે સોનાના દાગીનાનો ઠઠારો. આ છે બોરીવલીનાં સીમા દલાલના ઘરે રાખવામાં આવેલી કિટી પાર્ટીનો મહારાષ્ટ્રિયન લુક. આ થીમમાં બીજું શું હતું અને બહેનોએ કેવો જલસો કર્યો હતો એ જોઈ લો.

શું હતી થીમ?

હજી અમે એ ફીવરમાંથી બહાર નથી આવ્યાં, મરાઠી થીમને હોસ્ટ કરનારાં સીમાબહેન આ શબ્દો સાથે વાતની શરૂઆત કરતાં કહે છે, ‘ગણેશચતુર્થી મુંબઈનો સૌથી પસંદીદા તહેવાર છે. અમારી કિટી આ દિવસોમાં આવતી હોવાથી મરાઠી લુક રાખ્યો હતો. નવવારી સાડી બધા પાસે હોય નહીં અને આપણને પહેરતાં પણ ન ફાવે તેથી બૉર્ડરવાળી સાડી પહેરવાની ભલામણ કરી હતી. એકસરખી બિંદી અને વાળમાં ગજરાની વ્યવસ્થા મેં કરી રાખી હતી. થીમ સાથે મૅચ થતી ગેમ્સ શોધવી ટાસ્ક છે. ગેમ્સ રમાડવા માટે ખાસ એફર્ટ નાખ્યા હતા. પેપર પર જુદી-જુદી સાઇઝ અને સ્વરૂપના ગણપતિ બાપ્પાનું ​ચિત્ર દોર્યું હતું. આ વાત બહેનોને જણાવવામાં નહોતી આવી. ડ્રૉઇંગ કરેલા પેપરની ઉપર કાર્બન પેપર અને એના ઉપર પ્લેન પેપર મૂકી સ્ટેપલિંગ કરીને તૈયાર રાખ્યું હતું. દરેક મેમ્બરે એક મિનિટમાં પ્લેન પેપર પર મોદક દોરવાના હતા. ગેમ્સના અંતે કાર્બન પેપર હટાવીને જોયું. બાપ્પાના ચિત્રની અંદર મૅક્સિમમ મોદક ડ્રૉ કરનારને પ્રાઇઝ આપ્યું હતું. આમ તો અમે બે ગેમ્સ રાખીએ છીએ, પરંતુ તહેવારનો મૂડ હોવાથી આ વખતે ઝિંગાટ જેવાં સુપરહિટ મરાઠી ગીતો પર ડાન્સ કરવાની વધુ મજા પડી.’

ક્રેઝી આઇડિયાઝ

૧૦ મેમ્બર ધરાવતી નવરંગ કિટી પાર્ટીમાં આવો માહોલ દર મહિને જોવા મળે છે. કિટીની ખાસિયત વિશે જણાવતાં અન્ય એક મેમ્બર નીના જોશી કહે છે, ‘વારતહેવાર પ્રમાણે અમારી કિટી થીમનું પ્લાનિંગ થાય. ક્રિસમસમાં રૅડ ઍન્ડ વાઇટ ડ્રેસ સાથે કેક તો નવરાત્રિમાં ચણિયાચોળી સાથે અસલ ગુજરાતી નાસ્તો. તહેવાર ન આવતો હોય ત્યારે ફૅન્સી આઇડિયાઝ શોધી કાઢીએ. એક વાર કૉર્પોરેટ થીમ રાખી હતી. બધાએ ફૉર્મલ પૅન્ટ સાથે શર્ટ અને ટાઇ પહેર્યાં હતાં. વાસ્તવમાં તમામ મેમ્બરો હાઉસવાઇફ છે તેથી આ થીમથી અમે પણ વર્કિંગ વિમેન હોઈએ એવું ફીલ થયું હતું. ટપોરી થીમ સાથે વડાપાંઉ અને કટિંગ ચા, બૉલીવુડ ઍન્ડ મ્યુઝિકલ થીમ જેવા અઢળક આઇડિયાઝ ઇમ્પ્લીમેન્ટ કર્યા છે.’

સામાન્ય રીતે કિટી મેમ્બરો એક જ સોસાયટીમાં રહેતી બહેનો હોય છે, જ્યારે અમે મહિલા મંડળના કાર્યક્રમમાં મળ્યાં હતાં એની વાત કરતાં નીનાબહેન કહે છે, ‘શોખ અને પસંદગીમાં સમાનતા હોવાથી જલદી ફ્રેન્ડ્સ બની ગયા. રેગ્યુલર મળી શકાય એ માટે કિટી શરૂ કરી. બાર વર્ષથી સેમ મેમ્બર છીએ. કિટીની પરંપરા અનુસાર ચિઠ્ઠી નીકળે તેના ઘરે પ્રોગ્રામ થાય. અમારા ગ્રુપની મહિલાઓ બહુ ટૅલન્ટેડ છે. ખાસ કરીને ડાન્સમાં રુચિ ધરાવે છે. નૃત્યના શોખને બરકરાર રાખવા મહિલા મંડળો અને સામાજિક સંસ્થાના કાર્યક્રમોમાં ભાગ પણ લઈએ છીએ.’

ખાણી-પીણીના જલસાની સાથે આ બહેનો સામાજિક કાર્યોમાં પણ આગળ રહે છે. દર મહિને ચોક્કસ રકમ તેઓ અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં ડોનેટ કરવા સાઇડમાં મૂકે છે. સમયની અનુકૂળતા અને સંજોગો પ્રમાણે સહાય કરી સમાજનું ઋણ ચૂકવે છે.

જીભનો ચટાકો

નાસ્તા-પાણી માટેના ખાસ નિયમો નથી બનાવ્યા, પરંતુ બધી બહેનો થીમને અનુરૂપ નાસ્તો રાખે જ છે એમ જણાવતાં સીમાબહેન કહે છે, ‘મરાઠી થીમ હતી તેથી વેલકમ ડ્રિન્કમાં ચા રાખી હતી. ગેમ્સ, ડાન્સ અને ફોટોસેશન બાદ છેલ્લે નાસ્તાની મોજ હોય.

મિસળ-પાંઉ મરાઠીઓની સ્પેશ્યલિટી છે જે આપણને બનાવતાં આવડે છે. જોકે અસલી ટેસ્ટ આવે એ માટે ઇન્ટરનેટ પર રેસિપી જોઈ હતી. મિસળ-પાંઉની સાથે કોથંબીર વડી, સોલકઢી અને ગણપતિ બાપ્પાને બહુ પ્રિય મરાઠી સ્ટાઇલના મોદક બનાવ્યાં હતાં.’

navratri Varsha Chitaliya