ભ્રષ્ટાચાર જન્મસિદ્ધ અધિકાર ક્યારે બને એ બરાબર રીતે સમજવાની જરૂર છે

29 June, 2026 01:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશની પહેલી સરકાર કૉન્ગ્રેસની બની એટલે કૉન્ગ્રેસની જવાબદારી થતી હતી કે થતા દરેક કૌભાંડ સાથે એ કાયદાને વધુ ને વધુ કડક અને આકરો બનાવે જેથી દેશમાં ભ્રષ્ટાચાર કે આ પ્રકારની ચોરીઓ બંધ થાય

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

રામ મંદિરની દાનપેટીમાં જે પ્રકારે ચોરીની વાત સામે આવી છે એ વાત બહુ શરમજનક છે, પણ ખરું કહું તો લોકોએ યાદ રાખવું જોઈએ કે આપણા દેશમાં આ પ્રકારની આ હરકત પહેલી વાર નથી થઈ. અગાઉ પણ અનેક મંદિરોમાં, ધાર્મિક સ્થળો પર આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું જ છે અને એ ટ્રસ્ટ, એ ટ્રસ્ટીઓ અને આ પ્રકારનું કૃત્ય કરનારાઓની બદનામી પણ થઈ છે. વાત એ છે કે દેશમાં આ કામ પહેલી વાર નથી થયું અને એ પછી પણ એને લગતા કાયદાઓ દેશમાં કડક નથી થયા. જે દેશમાં ધર્મ સૌથી અગત્યના સ્થાન પર હોય, જે દેશનું રાજકારણ અને દેશના રાજકારણીઓ ધર્મને પગથિયું બનાવીને આગળ વધતા હોય એ દેશમાં ધર્મ સાથે જોડાયેલી તમામ વાતોના બહુ કડક કાયદા હોય એ જરૂરી છે. જોકે એવું થયું નથી અને એ માટે જો કોઈ જવાબદાર હોય તો આપણી અગાઉની સરકાર છે.

દેશની પહેલી સરકાર કૉન્ગ્રેસની બની એટલે કૉન્ગ્રેસની જવાબદારી થતી હતી કે થતા દરેક કૌભાંડ સાથે એ કાયદાને વધુ ને વધુ કડક અને આકરો બનાવે જેથી દેશમાં ભ્રષ્ટાચાર કે આ પ્રકારની ચોરીઓ બંધ થાય. જોકે કૉન્ગ્રેસ એ કરવામાં ઊણી ઊતરી અને દેશ ભ્રષ્ટાચારનું ઘર બની ગયું, ભ્રષ્ટાચારીઓની બીક ઊડી ગઈ અને સમય જતાં એવું બન્યું કે દેશના નાનામાં નાના વર્ગને એવું લાગવા માંડ્યું કે કટકી કરવી, ખાયકી કરવી એ તેમનો જન્મસિદ્ધ હક છે.

જ્યાં ભ્રષ્ટાચાર જન્મસિદ્ધ હક લાગવા માંડે ત્યાં ભ્રષ્ટ લોકોને પકડવાનું, તેમની સામે પગલાં લેવાનું અઘરું થઈ જાય અને એવો શિરસ્તો જ દેશમાં થઈ ગયો. લોકો ભ્રષ્ટાચાર કરતા રહ્યા. કોઈ-કોઈ વાર એ બહાર આવે તો મોટા ભાગે એ વાત બહાર પણ ન આવે, અંદરોઅંદર બધા સમજી લે. ‘આવ ભાઈ હરખા, આપણે બેય સરખા’ની નીતિ સાથે બધા કુલડીમાં ગોળ ભાંગી લે. જોકે એનો અંત આવવો જોઈએ અને મને લાગે છે કે આ કામ અત્યારની સરકારમાં સારી રીતે થઈ શકે છે.

ધર્મ ભ્રષ્ટ ન હોવો જોઈએ એવી જ રીતે ધર્મસ્થાનો પણ ભ્રષ્ટ ન હોવાં જોઈએ અને સાથોસાથ ધર્મ સાથે સંકળાયેલા પણ ભ્રષ્ટ ન હોવા જોઈએ, કારણ કે આપણી પ્રજા ધર્મભીરુ છે. ધર્મભીરુ લોકોને સુરક્ષા આપવાનું કામ રાજનેતાઓનું છે. જો રાજનેતાઓ એમાં ઊણા ઊતરે તો પ્રજાએ નુકસાન ભોગવવું પડે. આશારામ અને રામરહીમ જેવાને જેલમાં ધકેલવાનું કામ જો આજના સમયમાં શક્ય બન્યું હોય તો હવે કહેવું પડે કે ધર્મને ભ્રષ્ટાચારથી પણ મુક્ત કરવો રહ્યો. આસ્થાળુએ તો સદ્ભાવથી ભગવાનને પૈસા ધરી દીધા છે અને એ પૈસા ભગવાનની મૂર્તિ ખર્ચ કરવા જવાની પણ નથી, પણ ભગવાન સામે ધરવામાં આવેલો પૈસો જો કોઈ ભ્રષ્ટાચારી લઈ જતો હોય તો તેને હળાહળ પિવડાવવાનો સમય આવી ગયો છે.

culture news life and style lifestyle news columnists