✕

ભારતીય ધર્મો વધુ પડતા પરલોકવાદી થઈ ગયા હોવાથી રાષ્ટ્રીય હિતોને અનુરૂપ ઓછા રહ્યા

16 November, 2026 12:15 PM IST  |  Mumbai | Swami Satchidananda

હું વાસ્તવવાદી છું. પરંપરા થકી કે કોઈ વિશિષ્ટ મહાપુરુષથી ચાલી આવતી પ્રત્યેક વાતને આંખ મીંચીને સ્વીકારી લેવાની મારી વૃત્તિ નથી.

સ્વામી સચ્ચિદાનંદ

હું વાસ્તવવાદી છું. પરંપરા થકી કે કોઈ વિશિષ્ટ મહાપુરુષથી ચાલી આવતી પ્રત્યેક વાતને આંખ મીંચીને સ્વીકારી લેવાની મારી વૃત્તિ નથી. અસ્વીકાર્ય વાતોને પણ લોકોની ચાહના મેળવવા ખાતર માની લઈને લોલંલોલ કરવાની પણ મારી વૃત્તિ રહી નથી. એટલે હું મને યોગ્ય લાગે એ જ લખું છું, કહું છું. લોકોને પણ મારો આગ્રહ છે કે તેઓ પણ આંખ મીંચીને મારી વાત માની ન લે, તેમને જે વિવેકપૂર્વક યોગ્ય લાગે એ જ માને.
ધર્મ, અધ્યાત્મ અને જીવનવ્યવસ્થાને મેં માત્ર શાસ્ત્રના આધારે માપવાનો પ્રયત્ન નથી કર્યો; કુદરતી પ્રક્રિયા, રાષ્ટ્રીય આવશ્યકતા, માનવતા અને વિજ્ઞાન એમ આ ચાર ફુટપટ્ટીઓથી માપવાનો પ્રયત્ન કર્યો છે. મને સ્પષ્ટ જણાયું છે કે ધર્મ, અધ્યાત્મ અને જીવનવ્યવસ્થાને કુદરતી પ્રક્રિયાથી ઘણી દૂર કરી દેવામાં આવી છે. એથી પ્રજા દુ:ખી છે, કમજોર છે અને ગૂંચવાયેલી છે. પ્રજાને ફરીથી કુદરતી પ્રક્રિયાની નજીક લાવવી જરૂરી છે, કારણ કે કુદરત પોતે પણ એક મોટું શાસ્ત્ર છે. બીજું, ભારતીય ધર્મો વધુ પડતા પરલોકવાદી થઈ ગયા છે. ધર્મમાં આ લોક, આ લોકનાં સુખો તથા વિકાસ બધાનો વિરોધ કરવાની દૃષ્ટિ વધુ ખીલી છે એટલે એ રાષ્ટ્રીય હિતોને અનુરૂપ ઓછાં રહ્યાં છે. ઘણી વાર તો એ રાષ્ટ્રવિરોધી પણ થતા દેખાયા છે. જેમ કે ખેતી કરવામાં પાપ, મોટાં જળાશયો બાંધવામાં પાપ, મોટા ઉદ્યોગ-ધંધા કરવામાં પાપ, અહિંસાના અતિરેકથી ડૉક્ટરી શિક્ષણ માટે કે બીજી જરૂરી ક્ષેત્રમાં થનારી હિંસા માટે પણ વિરોધ, અહિંસાનો અતિરેક, બ્રહ્મચર્યનો અતિરેક આ બધાનું પરિણામ રાષ્ટ્રહિતમાં સારું નથી આવતું. સેંકડો વર્ષોનો ઇતિહાસ બતાવે છે કે હિન્દુ પ્રજા સતત હારતી અને ગુલામી ભોગવતી પ્રજા રહી છે.
અત્યારે પણ એ દબાયેલી પ્રજા હોય એવું લાગે છે. મહોલ્લાના મહોલ્લા ખાલી કરીને એ ભાગી જાય, પણ અસત્યનો અને હિંસાનો કે જૂઠનો સામનો નથી કરતી. જો એને બળવાન બનાવવી હોય તો પાયાની ભૂલો સુધારવી જરૂરી છે. મારાથી આ કામ તો થઈ શકે તેમ નથી, પણ માત્ર ભૂલો બતાવું તો પણ કદાચ ભવિષ્યમાં કોઈ આગળનું કાર્ય કરે. એટલે મેં તો માત્ર ધ્યાન દોરવાનું જ કાર્ય કર્યું છે. ભરદરિયામાં એક જૂની–પુરાણી ધર્મ નામની સ્ટીમર હાલકડોલક થઈને ડૂબી રહી છે. કેટલાક લોકો તૂતક પર સ્ટીમરની પ્રાચીનતા અને મહાનતાનાં ગુણગાન ગાઈ-ગાઈને લોકોની તાળીઓ મેળવી રહ્યા છે.
આ ઘેન ચઢાવવાનું કાર્ય વધુ હાનિકારક થઈ રહ્યું છે. સ્ટીમરમાં ક્યાં ગાબડાં પડ્યાં અને ક્યાંથી પાણી ભરાય છે એ જોવાનો પ્રયત્ન કરવો એ સાચી ફરજ છે. જો તૂતક પર બેઠેલા ઘેનમાં તરબોળ લોકોનું ધ્યાન આ ગાબડાં તરફ જાય અને એને પૂરવાના કામે લાગે તો હજી પણ માણસોને બચાવી શકાય એમ છે. પણ ના, એવું કરવું એ તો શાસ્ત્રો વિરુદ્ધનું કાર્ય દર્શાવી દેવામાં આવ્યું છે. આશા છે જેમને ઘેન નથી ચઢ્યું અને વાસ્તવિક પરિસ્થિતિની ચિંતા થાય છે તેમને આ વાત ગળે ઊતરશે. જો એમ થશે તો હું મારી જાતને ધન્ય માનીશ.

culture news life and style lifestyle news swami sachchidananda gujarati mid day