13 June, 2024 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મન એકલું રહી શકતું નથી. એ કોઈકનો સંગ ઇચ્છે છે. સંગથી એની ઇચ્છાઓ વધે છે. બીજાની પાસે જે જુએ એ પોતાને પણ મેળવવાની ઇચ્છા થાય છે. ઇચ્છાઓ પૂરી ન થતાં અસંતોષ વધે છે એટલે મનમાં અશાંતિ ઊભી થાય છે. મન એની ઇચ્છાઓને પૂરી કરવા શરીરની ઇન્દ્રિયોને આદેશ આપે છે. શરીર અને ઇન્દ્રિયો એ માટે પ્રયત્નશીલ બને છે. થોડી ઇચ્છાઓ સંતોષાય છે, ઝાઝી ઇચ્છાઓ સંતોષાતી નથી. આમ સંગદોષથી કામ જાગે છે; કામ ન સંતોષાતાં એના પરિણામે ક્રોધ ઉત્પન્ન થાય છે; ક્રોધની સાથે-સાથે લોભ વધે છે; કામ, ક્રોધ અને લોભ મનમાં મોહ જન્માવે છે એને પગલે મદ અને મત્સર આવે છે. આમ બીજાનો સંગને લઈને માણસ આ છ ભયંકર શત્રુઓનો શિકાર બની જાય છે. જેમ કૅન્સરનો શિકાર બનેલો માણસ રિબાઈ-રિબાઈને મરે છે એમ આ છ શત્રુઓનો શિકાર બનેલો માણસ અશાંતિની આગમાં સળગી મરે છે. તેથી જ ગીતાકાર શ્રીકૃષ્ણે ઉપદેશ આપ્યો કે તમારા મનને કોઈનો સંગ થવા દેશો નહીં, સંગદોષથી દૂર રહેજો.
શ્રીમહાપ્રભુજીએ પણ પંચશ્લોકીમાં એ જ આજ્ઞા કરી કે સર્વ શક્તિથી સંગનો ત્યાગ કરો, સંગથી દૂર રહો; પરંતુ મનુષ્ય સંગ વગર રહી શકતો નથી. સૂતાં અને જાગતાં અનેક વ્યક્તિ અને વસ્તુઓનો સંગ જાણેઅજાણે થતો જ રહે છે.
આવી સ્થિતિમાં શ્રીમહાપ્રભુજીએ રસ્તો દેખાડ્યો. દુનિયામાં રહેવાથી જો સંગદોષ થવાનો જ હોય તો કોનો સંગ કરવો અને કોનો સંગ ન કરવો એનો નિર્ણય તમે કરો, કેમ કે સંગ એ જ માણસના ચરિત્રના ઘડતર માટે મહત્ત્વનો ભાગ ભજવે છે.
જેમના વિચારો ખરાબ છે, જેમના વિચારોમાં કેવળ લૌકિકતા જ છે, જેમને વિષયભોગો ભોગવવા સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિ જ નથી, જે ધર્મથી અને ભગવાનથી તદ્દન વિમુખ છે એવા લોકોનો સંગ હંમેશાં ટાળતા રહો. સંગ પર નિયંત્રણ મૂકો, સંગ કરવામાં સંયમ રાખો; કેમ કે આવો સંગ જ આપણને બગાડે છે. સાથે-સાથે જે ભગવાનના ભક્તો છે, સાચા વૈષ્ણવ અને ભગવદીય છે, જેમનું જીવન અલૌકિક અને દિવ્ય છે, જે ધર્મપરાયણ છે અને સદા પ્રભુની સન્મુખ છે, જેમનાં વાણી અને વર્તનમાં એકરૂપતા છે તેમનો સંગ કરો. તેમના આચરણમાંથી મનને સાચો રસ્તો શીખવા મળશે. આવા ભગવદીયના સંગને જ ‘સત્સંગ’ કહેવામાં આવે છે.
સત્સંગ નહીં હોય તો દુઃસંગ ભગવદ્ભાવને ઓલવી નાખશે એટલે શ્રી હરિરાયજી નિત્ય સાચા વૈષ્ણવોનો સત્સંગ કરવાનો ઉપદેશ આપે છે.
- વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી (લેખક શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠ-ચંપારણ્યના ગૃહાધિપતિ તથા કાંદિવલીની દ્વારકાધીશજી હવેલીના ગાદીપતિ છે)