આજના યુવાનોમાં વધી રહ્યો છે સંસ્કૃત ભાષા પ્રત્યે અનોખો પ્રેમ

28 August, 2026 04:44 PM IST  |  Mumbai | Kajal Rampariya

આજે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે મળીએ મુંબઈના કેટલાક એવા લોકોને જેમના માટે સંસ્કૃત એ માત્ર શ્ળોકો ગોખવાની ભાષા નથી રહી પણ પ્રાચીન જ્ઞાનને પોતાની રીતે ડીકોડ કરવાની એક નવી રીત બની રહી છે

આજના યુવાનોમાં વધી રહ્યો છે સંસ્કૃત ભાષા પ્રત્યે અનોખો પ્રેમ

‘સંસ્કૃત શીખીને શું કરશો?’ આ સવાલ આજે પણ સામાન્ય છે કારણ કે નવી ભાષા શીખવાની વાત આવે ત્યારે યુવાનોની પસંદગી સામાન્ય રીતે ઇંગ્લિશ, જર્મન, ફ્રેન્ચ કે સ્પૅનિશ સુધી જ સીમિત રહે છે, પરંતુ આ જ ગ્લોબલાઇઝેશનના સમયમાં કેટલાક યુવાનો એવી ભાષા તરફ વળી રહ્યા છે જેને લાંબા સમયથી પ્રાચીન કે ડેડ લૅન્ગ્વેજ તરીકે જોવામાં આવી હતી. એ છે સંસ્કૃત. જોકે હવે સમય બદલાઈ રહ્યો છે. ગીતા, મહાભારત કે અન્ય પ્રાચીન ગ્રંથો વાંચતી વખતે અનુવાદ પર અટકી જવાને બદલે મૂળ સંસ્કૃત શબ્દનો અર્થ, વ્યાકરણ અને સંદર્ભ સમજવાની જિજ્ઞાસા યુવાનોને આ ભાષા તરફ ખેંચી રહી છે. ભાષાવિજ્ઞાનના જનક ગણાતા મહર્ષિ પાણિનિના વ્યાકરણથી લઈને મૂળ ગ્રંથોના અર્થ સુધી સંસ્કૃત હવે નવી પેઢી માટે શ્ળોક ગોખવાની નહીં, શ્ળોક સમજવાની ભાષા બની રહી છે.

સંસ્કૃત દિવસ શા માટે ઊજવાય છે?

સંસ્કૃત દિવસ દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઊજવવામાં આવે છે. પ્રાચીનકાળની પરંપરામાં આ સમયગાળો વેદ-શાસ્ત્રોના અધ્યયન સાથે જોડાયેલો હતો. ભારત સરકારે ૧૯૬૯માં શ્રાવણ પૂર્ણિમાને અખિલ ભારતીય સંસ્કૃત દિવસ તરીકે ઊજવવાની શરૂઆત કરી હતી. આ ઉજવણીનો મુખ્ય હેતુ સંસ્કૃત ભાષા અને એના સાહિત્ય તથા જ્ઞાનપરંપરા વિશે જાગૃતિ વધારવાનો છે. સંસ્કૃતને માત્ર યાદ રાખવાને બદલે એને સમજવાની જરૂર છે.

મુલુંડનો આ પરિવાર એકમેક સાથે સંસ્કૃતમાં વાતચીત કરે છે

વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિતેશ કતીરા ઍન્ડ ફેમિલીના જીવનમાં સંસ્કૃત એટલી હદે વણાઈ ગઈ છે કે તેઓ સંસ્કૃતમાં કમ્યુનિકેશન કરે છે. મૂળ ગુજરાતી-કચ્છી પરિવારના મિતેશભાઈને સંસ્કૃત ભાષા શીખવાની ઘેલછા કઈ રીતે લાગી એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘પહેલાં તો મમ્મી શ્ળોક રટ્ટો મરાવતી કારણ કે તેમને પણ તેમના પેરન્ટ્સે એ જ કરાવ્યું હતું, પણ મને આ ભાષાને જાણવામાં રસ જાગ્યો હોવાથી હું એના મૂળ સુધી જવા માગતો હતો. મારા સંસ્કૃત સાથેના પ્રવાસની શરૂઆત ૧૯૯૯-૨૦૦૦ની આસપાસ થઈ હતી, જ્યારે હું કૉલેજમાં અભ્યાસ કરતો હતો. એ સમયે હું સંસ્કૃત ભારતી નામની સંસ્થા સાથે જોડાયો. ત્યાં મેં સંસ્કૃત ટીચર્સ ટ્રેઇનિંગ લીધી. ત્યાર બાદ લોકોને સંસ્કૃત શીખવવાનું કાર્ય કર્યું છે.’
વાતના દોરને આગળ વધારતાં ૪૬ વર્ષના મિતેશભાઈ કહે છે, ‘મારા પરિવારમાં સંસ્કૃત માત્ર એક ભાષા નથી, અમારી જીવનશૈલીનો ભાગ છે. ૨૦૦૩માં સંસ્કૃતના એક કાર્યક્રમ દરમ્યાન જ મારી મુલાકાત અર્ચના સાથે થઈ હતી. તે પણ સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસારમાં ખૂબ સક્રિય છે અને સંસ્કૃત બાલકેન્દ્ર ચલાવે છે, જેમાં ૨૦૦થી ૩૦૦ બાળકો જોડાયેલાં છે. મારી ૧૮ વર્ષની દીકરી મૈત્રીના બર્થ-સર્ટિફિકેટમાં જ અમે માતૃભાષા તરીકે સંસ્કૃત નોંધાવેલું છે. હોમ સ્કૂલિંગ પૂરું કર્યા પછી હાલ તે કર્ણાટકની શ‍ૃંગેરીસ્થિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી આચાર્ય એટલે કે BAનો અભ્યાસ કરી રહી છે. મારા ભાઈ IIT-ખડગપુરમાં પ્રોફેસર છે અને મારાં ભાભી સંસ્કૃતમાં PhD કરીને આ ક્ષેત્રે ઉચ્ચ સ્તરે જોડાયેલાં છે.’
સંસ્કૃત શીખ્યા બાદ જીવનમાં આવેલા પરિવર્તન વિશે મિતેશભાઈ કહે છે, ‘મારા માટે સંસ્કૃત શીખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એનાથી માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય છે, યાદશક્તિ તીવ્ર બને છે અને પબ્લિક સ્પીકિંગ સુધરે છે. જીવનનો હેતુ શોધવામાં પણ આ ભાષા ઉપયોગી સાબિત થાય છે. સંસ્કૃતનો ભારતીય ભાષાઓ પર ઊંડો પ્રભાવ હોવાથી એને શીખ્યા પછી હિન્દી, મરાઠી, તેલુગુ, કન્નડ જેવી ભાષાઓના શબ્દો અને મૂળ સમજવામાં મદદ મળે છે. હું ભગવદ્ગીતા અને રામાયણ જેવા ગ્રંથોનો સંસ્કૃતમાં જ સીધો અભ્યાસ કરું છું અને એમાં આપેલા મૅનેજમેન્ટ પ્રિન્સિપલ્સનો ઉપયોગ મારા કન્સલ્ટિંગ અને ફાર્મિંગમાં કરું છું. આ ઉપરાંત અઠવાડિયાના બે દિવસ હું પ્રોફેશનલ્સ માટે ભગવદ્ગીતાના વિશેષ વર્ગો પણ ચલાવું છું.’

લિટરેચર ઇગ્લિશમાં કર્યું પણ આચરણ સંસ્કૃતમાં કરી રહી છે આ યુવતી

ગોરેગામમાં રહેતી અને ઇંગ્લિશ લિટરેચરમાં માસ્ટર્સ કરી ચૂકેલી આસ્થા ઠક્કર સંસ્કૃત સાથે કેવી રીતે જોડાઈ એ વિશે વાત કરતાં કહે છે, ‘હું ‘મહાભારત’, ‘રામાયણ’, ’ભગવદ્ગીતા’ અને ‘શિવપુરાણ’ જેવા આપણા ધાર્મિક ગ્રંથો વિશે ઇંગ્લિશ ટ્રાન્સલેશનમાં વાંચતી હતી ત્યારે મારી નજરે પડ્યું કે ઇંગ્લિશ અનુવાદમાં ઘણી અસમાનતાઓ છે. મૂળ ગ્રંથોનો સાચો અર્થ અને સત્ય સમજવા માટે જ મેં સંસ્કૃત ભાષા શીખવાનું શરૂ કર્યું. એ સમયે ટીવી પર સૌરભ રાજ જૈન અભિનીત ‘મહાભારત’ સિરીઝ શરૂ થઈ હતી. એ જોઈને મને આ વાર્તાઓમાં અને શ્ળોકોમાં ઊંડો રસ જાગ્યો. ત્યારથી મારી મમ્મી દરરોજ એક શ્લોક કે વાર્તા વાંચતી અને મને સમજાવતી.’
આસ્થાની હાલમાં પોતાની ડિજિટલ મીડિયા એજન્સી છે અને આ સાથે તેનું ડિજિટલ મૅગેઝિન છે જેનું નામ ‘સનાતન’ છે. તેનું કહેવું છે કે આ ભારતનું પ્રથમ ફ્રી મન્થ્લી મૅગેઝિન છે જે ઇંગ્લિશ ભાષામાં સનાતન ધર્મ વિશે માહિતી આપે છે. સંસ્કૃત ભાષા શીખવાના હેતુ વિશે વાત કરતાં આસ્થા વધુમાં કહે છે, ‘મારી એજના લોકો પોતાના ધર્મ અને સંસ્કૃતિ વિશે યોગ્ય માહિતી મેળવે એ હેતુ છે. મારી મમ્મી હંમેશાં કહે છે કે જ્ઞાન સાથે જ ભક્તિ આવે. જો તમને કોઈ વસ્તુનું સાચું જ્ઞાન ન હોય તો તમારી ભક્તિ પણ ઊંડી નથી બનતી. હું સંસ્કૃત શીખીને આપણા ગ્રંથોનાં સાચાં તથ્યોને કોઈ પણ ફેરફાર વગર લોકો સમક્ષ મૂકવા માગું છું.’
દૈનિક રૂટીનમાં આ ભાષાનો ઉપયોગ કઈ રીતે થાય છે એ વિશે આસ્થા કહે છે, ‘સંસ્કૃતમાં સમય કેટલો થયો એ બોલવાની પ્રૅક્ટિસ કરવા માટે હું ઘરમાં સમય પણ સંસ્કૃતમાં જ જણાવું છું. આ ભાષા શીખવાથી મગજની ન્યુરોપ્લાસ્ટિસિટી અને ભાષાકીય ક્ષમતાઓ વિશે રસ વધ્યો છે. હું ૫-૬ ભાષાઓ જાણી શકું છું. તમે જેટલી વધુ ભાષાઓ શીખો છો એટલી તમારા મગજની ક્ષમતા વધે છે. સંસ્કૃત શીખવાથી મારી હિન્દી ભાષામાં પણ સુધારો થયો છે.’

નાની ઉંમરે સંસ્કૃતમાં આ યુવતી જેટલી સિદ્ધિ તમે મેળવી શકો?

ચર્ચગેટની SNDT વિમેન્સ યુનિવર્સિટીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરી ચૂકેલી પચીસ વર્ષની મૂળ વલસાડની વતની આસ્થા મહેતા સંસ્કૃત વિષયમાં બૅચલર્સ અને માસ્ટર્સ એમ બન્ને ડિગ્રીમાં ગોલ્ડ મેડલિસ્ટ રહી છે. તેણે SNDT અંતર્ગત IKCS સેન્ટર ખાતે વૈદિક કાળની ઋષિકાઓ પર આધારિત મોટા રિસર્ચ પ્રોજેક્ટમાં રિસર્ચ અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. રિસર્ચવર્કના આધારે તેણે બાળકો સરળતાથી વાંચી શકે એ માટે વૈદિક કાળની ઋષિકાઓના જીવન પર આધારિત વાર્તાનું ‘વૈદિક ઋષિકાએં : એક પ્રકાશપુંજ’ નામનું હિન્દી ભાષામાં પુસ્તક લખ્યું છે. આ ઉપરાંત શાસ્ત્રીય સંગીતમાં વિશારદ અને ભરતનાટ્યમ શીખી ચૂકેલી આસ્થાએ સંસ્કૃત ડ્રામા ‘ભગવદજ્જુકીયમ’ નાટકમાં દિગ્દર્શન અને અભિનય પણ કર્યો છે. સંસ્કૃત સાથેના જોડાણ વિશે વાત કરતાં આસ્થા કહે છે, ‘સંસ્કૃત ભાષાને આધુનિક પેઢી સુધી પહોંચાડવા મેં સંસ્કૃતમાં ‘કા શ્રેષ્ઠા?’ અને ‘સર્વોત્તમા સંપત્તિઃ કા?’ જેવી શૉર્ટ ફિલ્મો પણ બનાવી છે. વિજ્ઞાન, આયુર્વેદ, અર્થશાસ્ત્ર કે જ્યોતિષ આ તમામ વિદ્યાઓનું મૂળ સંસ્કૃત ગ્રંથોમાં જ સમાયેલું છે. આ જ જ્ઞાનસંપદાને સરળ સ્વરૂપે લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશથી મેં ઓમકાર પ્રકાશનની સ્થાપના કરી. અમારો હેતુ નવા લેખકોને ઉત્સાહજનક મંચ આપવાનો અને ભારતીય જ્ઞાનને વિવિધ ભાષાઓમાં પ્રગટ કરવાનો અને સરળ પુસ્તકો રજૂ કરવાનો છે. આ સાથે જ અમે ટૂંક સમયમાં વિદ્વાન શિક્ષકોના માધ્યમથી ઇનોવેટિવ ઑનલાઇન વર્ગો અને વિવિધ સ્પર્ધાઓ દ્વારા લોકોને સરળતાથી સંસ્કૃત સંભાષણ શીખવવાનું આયોજન કરી રહ્યા છીએ. મારા મતે સંસ્કૃત માત્ર એક ભાષા નથી, આપણી સંસ્કૃતિ અને જ્ઞાનનો આત્મા છે.’

સંસ્કૃતમાં ઊંડો રસ પડ્યો મમ્મીને અને સિદ્ધિ મેળવી દીકરીએ

કાંદિવલીમાં રહેતાં અપેક્ષા શાહને સ્વાધ્યાયને કારણે સંસ્કૃત ભાષા શીખવાનું મન થયું હતું. તેમનો આ શોખ કઈ રીતે તેમની દીકરીને ફળ્યો એ વિશે તેઓ કહે છે, ‘મારી સંસ્કૃત ભાષા સાથેની સફર ખૂબ જ રસપ્રદ રહી છે. શરૂઆતમાં મને સંસ્કૃત શીખવાનો શોખ હતો એટલે મેં થોડું-થોડું શીખવાનું શરૂ કર્યું હતું. સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલી હોવાને કારણે અમારા ગુરુદેવ પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનાં પ્રવચનો સાંભળીને અમને સંસ્કૃત ભણવાની પ્રેરણા મળી. અમે સંસ્કૃતને ડેડ લૅન્ગ્વેજ નથી માનતા. એ આપણી દૈવી ભાષા અને ભારતીય જ્ઞાનપરંપરાની મહત્ત્વની ભાષા છે. મેં અને મારા પતિ ફેનલ શાહે સાથે મળીને પાણિનિ ‘અષ્ટાધ્યાયી’ એટલે સંસ્કૃત વ્યાકરણ શીખવાનું શરૂ કર્યું હતું.’
વાતના દોરને આગળ વધારતાં અપેક્ષાબહેન કહે છે, ‘કાંદિવલીમાં અમારા ઘર નજીક એક બહેન સંસ્કૃત શીખવતાં હતાં તેમની પાસેથી અમે મહર્ષિ પાણિનિ લિખિત ‘અષ્ટાધ્યાયી’નું નાનું વર્ઝન શીખતાં હતાં. અમે ઘરે જે શ્લોકો અને સૂત્રો મોઢે કરતાં એ સાંભળી-સાંભળીને મારી મોટી દીકરી જે ત્યારે ચોથા ધોરણમાં હતી તે પણ સંસ્કૃત શીખવા લાગી. તેનો ઇન્ટરેસ્ટ વધવા લાગ્યો એટલે મારી દીકરીએ વેકેશન દરમ્યાન છત્તીસગઢના બિલાસપુર જઈને પુષ્પા દીક્ષિતજી પાસે રહીને ‘અષ્ટાધ્યાયી’નો અભ્યાસ આગળ વધાર્યો. લગભગ ૬ વર્ષ દરમ્યાન અલગ-અલગ વેકેશનના કુલ ૧૦૦ દિવસો જેટલો સમય ત્યાં વિતાવીને તેણે સમગ્ર અભ્યાસ પૂરો કર્યો. આજે મારી દીકરી બાવીસ વર્ષની છે અને તે બૅચલર ઑફ આયુર્વેદિક મેડિસિન ઍન્ડ સર્જરી (BAMS) એટલે આયુર્વેદિક ડૉક્ટર બની ગઈ છે. તે અત્યારે લોકોને સંસ્કૃત વ્યાકરણ ઑનલાઇન અને ઑફલાઇન શીખવે છે. તેણે પોતાના કૉલેજના સંસ્કૃત દિવસના કાર્યક્રમોમાં સંસ્કૃત નાટકો પણ કર્યાં છે. આ ઉપરાંત તેણે ‘વ્યાકરણોપનયનમ્’ નામનું પુસ્તક પણ લખ્યું છે જે ગોવામાં યોજાયેલી ‘વર્લ્ડ આયુર્વેદ કૉન્ગ્રેસ’માં પબ્લિશ થયું હતું અને આ માટે તેને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં યંગેસ્ટ ઑથર તરીકે સન્માન પણ મળેલું છે.’
સંસ્કૃત ભાષામાં આ સિદ્ધિઓ મેળવ્યા બાદ આગળ હજી શું કરવાની ઇચ્છા છે એ વિશે પ્રિશા કહે છે, ‘સંસ્કૃત સાથેની મારી આ સફરને હું હવે એક નવા જ સ્તર પર લઈ જવા માગું છું. હું સંસ્કૃત વ્યાકરણ, સાહિત્ય અને આપણી પ્રાચીન જ્ઞાન-પરંપરાઓનો વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ અને સંશોધન ચાલુ રાખવા ઇચ્છું છું. મારું મુખ્ય લક્ષ્ય આજની નવી અને યુવા પેઢી સુધી સંસ્કૃત ભાષા સરળ, રસપ્રદ અને આધુનિક રીતે પહોંચે એ માટે નવા ક્રીએટિવ રસ્તાઓ શોધવાનું છે. ભવિષ્યમાં સંસ્કૃત ભાષાના જતન, પ્રચાર-પ્રસાર અને એને વૈશ્વિક સ્તરે યોગ્ય સન્માન તથા ઓળખ અપાવવામાં હું મારું મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા માગું છું.’
દૈનિક રૂટીનમાં સંસ્કૃત ભાષા કઈ રીતે વણાયેલી છે એ વિશે અપેક્ષાબહેન કહે છે, ‘અમારા ઘરમાં રોજની સંધ્યાકાળની પ્રાર્થના વખતે ગીતાજીના બારમા અને પંદરમા અધ્યાયના શ્ળોકોનું પઠન થાય છે. સંસ્કૃત શ્ળોકો બોલવાથી અને મોઢે કરવાથી હકલાવાની સમસ્યા દૂર થાય છે અને મેમરી શાર્પ થાય છે. આજે સમાજમાં ભલે અંગ્રેજીનો ક્રેઝ વધી રહ્યો હોય, પરંતુ સંસ્કૃત પ્રત્યે અવેરનેસ વધી રહી છે અને આ ભાષા આપણા જીવનનો મૂળ આધાર છે.’

 

lifestyle news life and style hinduism culture news religion