રુદ્ર અને અક્ષ એમ બે શબ્દોના સંયોજનથી બનેલો શબ્દ એટલે રુદ્રાક્ષ

06 September, 2021 04:38 PM IST  |  Mumbai | Aacharya Devvrat Jani

રુદ્રાક્ષ ધારણ કરનારનું મૂલ્ય અમૂલ્ય હીરો ધારણ કરનારા શ્રેષ્ઠી જેટલું જ ગણવામાં આવ્યું છે

શિવલિંગ

રુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી, પર્વતોમાં હિમાલય અને દેહમાં જેમ મસ્તક શ્રેષ્ઠ માનવામાં આવે છે એવી રીતે માળાઓમાં રુદ્રાક્ષને શ્રેષ્ઠ માનવામાં આવે છે. રુદ્રાક્ષ ધારણ કરનારનું મૂલ્ય અમૂલ્ય હીરો ધારણ કરનારા શ્રેષ્ઠી જેટલું જ ગણવામાં આવ્યું છે. રુદ્રાક્ષ વિનાનો શિવભક્ત હોય નહીં એવું શાસ્ત્રો કહે છે. રુદ્રાક્ષની ઉત્પતિ માટે કહેવાયું છે કે એ શિવજીના અશ્રુ છે, પણ આ અશ્રુ કેવા સમયે અને કેવા સંજોગોમાં આવ્યાં હતાં એના વિશે ભાગ્યે જ સામાન્ય લોકોને જાણકારી છે.

ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે તમામ દેવી-દેવતાઓ કીમતી હીરા-મોતી અને માણેક ધારણ કરે ત્યારે શિવજી રુદ્રાક્ષના હસ્તકળાના દાગીના પહેરે એ જોઈને એક વખત મહાદેવને પુત્ર કાર્તિકેયે પૂછ્યું અને ભગવાન શિવે પોતે રુદ્રાક્ષની ઉત્પતિ વિશે વાત કરી હતી. રુદ્રાક્ષની આ ઉત્પતિ એક દૈત્ય એટલે કે રાક્ષસના વધમાંથી થઈ છે.

બન્યું એમાં એવું કે ત્રિપુર નામનો એક દૈત્ય હતો. દૈત્યની તાકાત દિવસે-દિવસે વધતી જાય. એને એવું વરદાન હતું કે તે એક દેવતાને હરાવે એટલે દસ દેવતા જેવી તાકાત તેનામાં આવી જાય. વરદાન પછી ત્રિપુરે પૂરી તાકાત લગાડીને દેવતાઓ સામે લડવાનું શરૂ કર્યું. એક પછી બે, બે પછી ચાર અને આમ કરતાં-કરતાં તેણે તમામ દેવતાઓને જીતી લીધા અને સ્વર્ગલોક પર કબજો કરી લીધો. દેવતા ઘરવિહોણા થઈ ગયા.

દેવતા બધા એકત્ર‌િત થયા અને આવ્યા મહાદેવ પાસે. મહાદેવને બધાએ સાથે મળીને પ્રાર્થના કરી અને કહ્યું કે કોઈ પણ રીતે આ ત્રિપુરનો વધ કરો. ત્રિપુરને મારવાનું કામ એટલું સરળ પણ નહોતું રહ્યું. કારણ કે ત્રિપુર તો દેવલોકના તમામ દેવતાઓને જીતી ચૂક્યો હતો અને એટલે એ હવે તમામ દેવતાઓની તાકાત પણ ધરાવતો હતો અને વરદાન મુજબ એ તાકાત પણ દસગણી થઈ ગઈ હતી.

દેવતાઓની વિનંતી પછી મહાદેવે તેનું અંતિમ શસ્ત્ર એવું અઘોર નામના મહા-શસ્ત્રનું ચિંતન કર્યું. અઘોર એવું મહા-શસ્ત્ર હતું જેને સાથે રાખવું પણ જોખમી હોવાથી એને અલોપ અવસ્થામાં મૂકવામાં આવતું. અઘોર માટેના ચિંતન માટે મહાદેવે દીર્ઘ તપ કર્યું અને એની માટે તેમણે આંખો બંધ કરી. ક્ષણના છઠ્ઠા ભાગમાં શૈકાઓ જેવી સાધના પૂર્ણ કરીને મહાદેવ અઘોર મહા-શસ્ત્ર સાથે પરત આવ્યા અને મહાદેવે આંખો ખોલી. આંખો ખોલતાં મહાદેવની આંખોમાંથી અશ્રુ સરી પડ્યા, જેના કેટલાંક બિંદુઓ જમીન પર પડ્યાં અને એ જગ્યાએ રુદ્રાક્ષના વૃક્ષનું વાવેતર થયું.

મહાદેવની આંખોમાંથી પડેલાં અશ્રુમાંથી જે રુદ્રાક્ષના વૃક્ષ થયાં એ આડત્રીસ પ્રકારનાં હતાં પણ એમાં પણ ત્રણ પ્રકાર હતાં. મહાદેવના સૂર્યરૂપ નેત્રમાંથી જે રુદ્રાક્ષ થયાં એ પિંગળા રંગનાં હતાં. પિંગળા રંગના બાર વૃક્ષ થયાં તો મહાદેવના ચંદ્રરૂપ નેત્રમાંથી સોળ સફેદ રંગનાં રુદ્રાક્ષ થયાં અને અગ્નિરૂપ નેત્રમાંથી દસ રુદ્રાક્ષ થયાં, જે કૃષ્ણ રંગનાં હતાં. આજે પણ મળતાં રુદ્રાક્ષ આ ત્રણ રંગનાં હોય છે. આ ત્રણ રંગનાં રુદ્રાક્ષના લાભ પણ એના રંગ મુજબના જુદા-જુદા હોય છે. રુદ્રાક્ષના જાણકારો રંગ મુજબ રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ આપતા હોય છે.

શિવજીના અશ્રુમાંથી જન્મેલા એ બીજનું નામકરણ બ્રહ્માએ કર્યું છે. રુદ્રાક્ષ એ સંસ્કૃત શબ્દ છે. રુદ્ર વત્તા અક્ષ એમ બે શબ્દના સંયોજનથી બનેલા શબ્દ રુદ્રાક્ષનો અર્થ થાય છે ભગવાન રુદ્રના આંસુ. યાદ હશે કે મહાદેવના બાળ અવતારને રુદ્ર નામ આપવાનું કામ પણ બ્રહ્માજીએ કર્યું હતું.

ત્રિપુરના વધ પછી બ્રહ્માજીએ જ રુદ્રાક્ષને મનુષ્યના સુરક્ષાકવચ તરીકેનો દરજ્જો આપતાં કહ્યું હતું કે રુદ્રાક્ષ સંસારની તમામ પ્રકારની વ્યાધિ સામે એવું જ સુરક્ષાકવચ બનશે જેવું મહાદેવ ત્રિપુર સામે સ્વર્ગલોકનું સુરક્ષાકવચ બન્યા હતા. આ જ કારણોસર રુદ્રાક્ષને હીરા-મોતી-માણેક જેવો જ દરજ્જો મળ્યો અને જન્માક્ષરમાં નડતર બનતાં ગ્રહો સામે જે રીતે જે તે ગ્રહના પથ્થરો અસરકારક કામ કરે એવું જ કામ કરવાની જવાબદારી પણ રુદ્રાક્ષને આપવામાં આવી. હા, રુદ્રાક્ષ માત્ર આસ્થા અને શ્રદ્ધાની દૃષ્ટિએ પણ નહીં, જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ પણ મહત્ત્વનાં છે.

columnists