17 September, 2023 03:10 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર
ગરમીમાં તો કીડી પણ અકળાય છે અને ભૂખમાં તો ગધેડોય ભૂંકવા માંડે છે. અપમાન થતાં તો કૂતરો પણ આવેશમાં આવી જાય છે અને હરણ સિંહને પોતાની પાછળ ભાગતો જુએ તો એ પણ ચીસાચીસ કરી મૂકે છે. ગરીબીમાં તો ડાકુ પણ અકળાય છે અને સામગ્રીની અછતમાં તો ગુંડો પણ મૂંઝાય છે.
આનો શું અર્થ?
એ જ કે સ્વ-દુઃખમાં વેદનાની અનુભૂતિ તો કોણ નથી કરતું એ પ્રશ્ન છે.
આશ્ચર્ય અને આનંદ તો ત્યારે અનુભવાય છે જ્યારે કો’ક આત્મા સ્વદુઃખમાં નહીં, પણ સ્વદોષમાં વેદના અનુભવે છે.
‘આટલી સંપત્તિ પછીય મારામાં અધિક સંપત્તિની લાલસા?’
‘બે દીકરાના બાપ બની ગયા પછીય વિજાતીય દર્શને મારી આંખોમાં વિકારગ્રસ્તતા?’
‘જેમનો મારા પર પ્રત્યક્ષ અનંત ઉપકાર છે એ માતા-પિતા પ્રત્યે પણ મારું ઉદ્ધતાઈભર્યું વર્તન?’
હા, આ અને આવી સ્વ-દોષની વેદના અનુભવનારને તો શાસ્ત્રકારોએ વંદનીયની કક્ષામાં મૂક્યા છે.
પણ સબૂર!
જીવનમાં સ્વ-દોષોની વેદના જ પર્યાપ્ત નથી, પર-દુઃખની સંવેદના પણ એટલી જ અગત્યની છે. પર-દુઃખની સંવેદનાની વ્યાખ્યા બહુ સરળ છે. સામાને દુઃખ હું આપું નહીં અને મારું ચાલે તો સામાનું શક્ય દુઃખ ઘટાડ્યા વિના હું રહું નહીં.
જેની પાસે આ સંવેદના હોય છે એ આત્મા નિશ્ચિત કોમળ હૃદયનો માલિક હોય છે અને હૃદયની આ કોમળતા ફળદ્રુપ કાળી માટીની જમીન જેવી હોય છે.
જેમ ફળદ્રુપ કાળી માટીવાળી જમીનમાં વાવેલાં બિયારણ ગજબનાક પાક આપીને જ રહે છે એમ હૃદયનું કોમળતાસભર આત્મદ્રવ્ય ન જાણે કેટકેટલા આત્મગુણોનું ભાજન બનીને જ રહે છે.
lll
એ સમસ્ત પરિવારના પ્રત્યેક સભ્ય પાસે હૃદયની કોમળતા છે. હૃદયની કોમળતા છે એટલે મનમાં સરળતા છે અને મનમાં સરળતા છે એટલે વચનમાં મધુરતા છે.
વડોદરાના એ પરિવારના વડીલ પાસેથી જે વાત સાંભળવા મળી એણે મને આનંદિત કરી દીધો છે.
‘મહારાજસાહેબ, કંપનીમાં અત્યારે બધું મળીને ૪૨ માણસોનો સ્ટાફ છે. અમે નક્કી કર્યું છે કે સ્ટાફના દરેક માણસ પાસે પોતાનું ઘર હોવું જ જોઈએ. કંપનીનો એક પણ માણસ ભાડાના ઘરમાં ન જ રહેવો જોઈએ. અત્યારે લગભગ ૩૦ જેટલા માણસો માટે તો અમે આ વ્યવસ્થા ગોઠવી દીધી, બાકીના ૧૨ માણસો માટે ટૂંક સમયમાં આ વ્યવસ્થા ગોઠવાઈ જશે.’ એ વડીલે નમ્રભાવ સાથે કહ્યું, ‘અન્ય એક વ્યવસ્થા છેલ્લા કેટલાક સમયથી અમલી બનાવી છે. કંપનીમાં કામ કરતો કોઈ પણ માણસ જો ગુજરી જાય તો એ સમયે એનો જેટલો પગાર હોય એના પગારની અડધી રકમ જીવનભર માટે તેના પરિવારને અમારે પહોંચાડી દેવાની. આમાં પણ સ્પષ્ટતા રાખી છે કે તેની પત્ની જીવે ત્યાં સુધી તો આ રકમ પહોંચાડવાની જ, પણ ધારો કે એ આત્માને પણ ઈશ્વર બોલાવી લે તો જે વ્યક્તિ અમારી કંપનીમાં હતો તેનાં બાળકો ૨૧ વર્ષનાં ન થાય ત્યાં સુધી પહોંચાડવાની. ધારો કે તેને દીકરીઓ જ હોય તો એ દીકરીઓને આ નિયમ લાગુ પડે નહીં. તેને તો ત્યાં સુધી રકમ પહોંચાડવાની, જ્યાં સુધી તેની હયાતી છે.’
‘ધારો કે કંપનીની આર્થિક પરિસ્થિતિ નબળી થઈ તો...’
‘તો પહેલાં તેને ત્યાં પૈસા પહોંચશે એ પછી અમારા ઘરમાં અમે પૈસા લાવીશું... અને આ પ્રતિજ્ઞા લેવા જ આપની પાસે આવ્યો છું.’ એ વડીલે બે હાથ જોડ્યા, ‘આશીર્વાદ આપો આપ, સ્ટાફના દરેક સભ્યના દુઃખને અમારાં દુઃખ માનીને અમે એ દૂર કરતા રહીએ અને અમારે ત્યાં આવે એ પહેલાં અમે એ સુખ સ્ટાફના દરેક પરિવારને ત્યાં મોકલીએ.’
કેટલી ઉમદા વાત, કેટલી ઉમદા વિચારધારા અને કેટલી ઉમદા ભાવના!
મશીન ચલાવવાનું કામ નાનો માણસ કરે છે અને તેના હાથપગ ચાલે છે ત્યારે મોટા માણસના ઘરમાં ગાડી આવે છે, તો પછી એ નાના માણસને સુખ આપવાનું ઉમદા કાર્ય જો દેશનો દરેકેદરેક ઉદ્યોગપતિ કરતો થઈ જાય તો સંસાર જ સ્વર્ગ બની જાય અને પરમાત્માની જવાબદારી ઘટી જાય.