માતાજીની આરાધના કરો મૌલિક ગરબા સ્પર્ધામાં ભાગ લઈને

05 October, 2021 01:49 PM IST  |  Mumbai | Shailesh Nayak

નાગર બહેનોના એક વૉટ્સઍપ ગ્રુપે નવરાત્રિને લઈને કર્યો છે નવતર પ્રયોગ. પ્રાચીન અને અર્વાચીન ગરબાઓ માણવા ગમતા હોય તો હવે પોતાના મૌલિક ગરબા લખવાનો મોકો આ બહેનોએ મુંબઈગરાઓને આપ્યો છે

માતાજીના ગરબા લખીને તેમ જ ગાઈને આરાધના થઈ શકે

નાગર બહેનોના એક વૉટ્સઍપ ગ્રુપે નવરાત્રિને લઈને કર્યો છે નવતર પ્રયોગ. પ્રાચીન અને અર્વાચીન ગરબાઓ માણવા ગમતા હોય તો હવે પોતાના મૌલિક ગરબા લખવાનો મોકો આ બહેનોએ મુંબઈગરાઓને આપ્યો છે

આદ્યશક્તિ જગદ જનની અંબે માતાજીનાં નવલાં નોરતાંના ઢોલ વાગી રહ્યા છે ત્યારે આવા  સ્વરચિત ગરબાઓ નવરાત્રિ દરમ્યાન મુંબઈના વિશ્વપથ ગ્રુપની બહેનો લખશે, ગાશે અને ઝીલશે.

વિશ્વપથ ગ્રુપના નામથી મુંબઈની બહેનોનું વૉટ્ઍપ ગ્રુપ છે. નવરાત્રિ આવી પહોંચી છે ત્યારે આ ગ્રુપે મૌલિક ગરબા લખવાની સ્પર્ધા યોજીને એક નવતર પ્રયોગ કર્યો છે કે જેના થકી માતાજીની ભક્તિ પણ થશે અને બહેનોની મૌલિકતા ખીલશે. આ વિશે વાત કરતાં વિશ્વપથ ગ્રુપનાં ઍડ્મિન દેવિકા હાથી ભટ્ટ કહે છે કે ‘ગયા વર્ષે અમે વર્ચ્યુઅલ ગરબા સ્પર્ધા યોજી હતી જેમાં બેઠા ગરબા, સોલો ગરબા સહિતની સ્પર્ધા યોજી હતી અને પ્રાઇઝ પણ આપ્યાં હતાં. આ સ્પર્ધામાં મુંબઈ ઉપરાંત ગુજરાત તેમ જ દુબઈ, ઑસ્ટ્રેલિયા, યુએસએથી પણ એન્ટ્રી આવી હતી અને ઉત્સાહપૂર્વક બધાએ ભાગ લીધો હતો. આ વર્ષે નવરાત્રિમાં અમે જુદા પ્રકારની ગરબા લખો સ્પર્ધા યોજી છે. ગ્રુપના સભ્યોએ આમાં ભાગ લેવો હોય તેમણે ઓછામાં ઓછી ૧૦ લીટીની મર્યાદામાં મૌલિક ગરબો લખવાનો રહેશે. ’

ગ્રુપમાં હજી તો આ ગરબા લખો સ્પર્ધાની જાહેરાત કરી અને ત્યાં તો બહેનોએ ગરબા લખવાનું પણ શરૂ કરી દીધું હોવાની વાત કરતાં દેવિકા હાથી ભટ્ટ કહે છે કે ‘અમારો આ નવો પ્રયાસ છે જેને આવકાર મળ્યો છે. હજી તો જાહેરાત કર્યાને થોડા જ દિવસો થયા છે ત્યાં મુંબઈની, ગુજરાતની, બૅન્ગલોરની અને યુએસએની બહેનોએ એન્ટ્રી મોકલાવી છે. લોકોમાં ઉત્સાહ છે અને પોતે લખીને તેમ જ ગાઈને ગરબા મોકલી રહ્યા છે. અમે નવો પ્રયાસ કરવા માગીએ છીએ. કંઈક અલગ કરીએ તો લોકો ઉત્સાહથી ભાગ લે છે. કોરોનાના કારણે બહાર નથી જઈ શકાતું તો આ રીતે માતાજીના ગરબા લખીને તેમ જ ગાઈને આરાધના થઈ શકે છે. અમે ત્રીજા નોરતા એટલે કે ૮ ઑક્ટોબર પહેલાં મૌલિક ગરબાની એન્ટ્રી સ્વીકારવાના છીએ. આ ગરબા ચોથા નોરતાથી ગ્રુપમાં પ્રસિદ્ધ કરવામાં આવશે અને દશેરાના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ ત્રણ મૌલિક લખેલા ગરબાને પારિતોષિકથી નવાજવામાં આવશે. અમારી મુંબઈની ટીમ બેઠા ગરબા કરશે અને યુટ્યુબ પર અપલોડ કરીશું.’

culture news navratri