31 July, 2025 01:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જો પિતાને કોઈ દુર્વ્યસન હોય તો બાળકો વહેલા મોડા એ કેળવવાનાંજ! પિતા જો જુગારી હોય તો બાળકો પણ જુગારી થવાનાં. પિતાને જો જુઠું બોલવાની ટેવ હોય તો બાળકો સત્યવાદી કેવી રીતે બને? મા-બાપ જો કલબો માં સમય પસાર કરવા જતાં હોય તો બાળકો સત્સંગ સભામાં જવા ક્યાંથી પ્રેરાય? એટલે જ કહેવત પડી કે ‘બાપ તેવા બેટા ને વડ જેવા ટેટા !’
એક વખત એક પિતાએ એના દીકરાને કહ્યું, ‘બેટા ! એક પોસ્ટકાર્ડ લઈ આવ’ દીકરો પોસ્ટકાર્ડ લેવા ચાલ્યો. રસ્તામાં એને યાદ આવ્યું કે મારાં ખીસ્સામાં તો એક પણ પૈસો નથી એટલે ઘરે પાછો આવ્યો. ઘરે આવીને પિતાને કહ્યું, ‘પિતાજી ! પૈસા આપો તો પોસ્ટકાર્ડ લઈ આવું’ પિતાએ દીકરાને કહ્યું, ‘દીકરા ! પૈસાથી તો સૌ કોઇ લાવે, મફતમાં લાવ તો મારો દીકરો સાચો !’ હવે દીકરો મફતમાં પોસ્ટકાર્ડ લેવા ચાલ્યો. રસ્તામાં કોઈએ લખીને નાખી દીધેલું એક પોસ્ટકાર્ડ પડેલું હતું. તે દીકરાએ ઉપાડડ્યું. ઘરે આવીને એ પોસ્ટકાર્ડ પિતાનાં હાથમાં આપતાં તેણે કહ્યું, ‘પિતાજી આ રહ્યું પોસ્ટકાર્ડ !’ પિતાએ જોયું અને કહ્યું, ‘આતો લખેલું છે મારે તો કોરૂ જોઈએ છે.’ તરતજ પેલા દીકરાએ જવાબ આપ્યો, ‘બાપા કોરા પર તો સૌ.. કોઇ લખે પણ લખેલા પર લખે તો મારો બાપ સાચો !’
આપણા બધાનાં જીવનમાં પણ આવું ઘણીવાર થતું હોય છે. પણ આપણે તેનાં પ્રત્યે દુર્લક્ષ્ય સેવીએ છીએ. આજે આધુનિક પિતાઓ આખો દિવસ પૈસા કમાવા માં પડયા હોય અને માતાઓ બ્યૂટીપાર્લરો કે કલબો માં સમય પસાર કરતી હોય છે. પરંતુ પોતાનાં બાળકોના માથા પર પ્રેમથી હાથ ફેરવીને સંસ્કારનાં બે શબ્દ કહેવાનો કે બાળકોની મનોવ્યથા જાણીને તેમને સમજાવવાનો તેમની પાસે સમય જ હોતો નથી.
પછી અર્જુન, અભિમન્યુ શ્રવણકુમાર કે લવકુશ જેવાં વીર અને સંસ્કારી પુત્રોની આશા ક્યાંથી રાખી શકાય. પછીતો, સમાજમાં દૂર્યોધન, કેસ, કે રાવણ જેવાં દુરાચારી સંતાનોનુંજ સામ્રાજ્ય હોય અને પ્રત્યેક મા-બાપને શરમથી મોઢું સંતાડવું પડે.
બાલ્યાવસ્થામાં માતા-પિતા દ્વારા મળેલા સંસ્કારો પર જ બાળકોનું ભવિષ્ય નિર્ભર હોય છે.
પ્રત્યેક માતા-પિતા બાળકોનાં પ્રથમ ગુરૂ કહેવાય છે. માતા-પિતા દ્વારા ગુરૂની અને ગુરૂ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ગુરૂ જ્ઞાન આપી શકે પણ સંસ્કાર તો માતા-પિતા જ આપી શકે. એ સંસ્કારનું સિંચન માત્ર વાતોથી નહીં, પોતાના આચરણથી જ થઈ શકે છે.
-વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી