પ્રણવ અને પંચાક્ષર મંત્ર બન્ને મળીને જે મંત્ર બને એ છે ‘ૐ નમઃ શિવાય’

19 June, 2026 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિષ્ણુ સંબંધી જે વૈષ્ણવપુરાણ છે અથવા શિવ સંબંધી જે શૈવપુરાણ અથવા શૈવગ્રંથો છે એમાં ક્યાંક ભગવાન વિષ્ણુના મહિમાનું ગાયન થયું છે અને ક્યાંક ભગવાન શિવને સર્વોપરી બતાવવામાં આવ્યા છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ભક્તોનાં દુખ, પીડા, પાપને જે હરે તે હરિ છે, તે જ હર છે. કહે છે, ‘શિવસ્ય હૃદય વિષ્ણુઃ’. ભગવાન વિષ્ણુ ભગવાન શિવજીનું હૃદય છે, શિવજીનો આત્મા છે.

શિવજી અને વિષ્ણુમાં પરસ્પર અનુરાગ છે. તુલસીદાસજીએ રામચરિત માનસમાં શ્રીરામ અને શિવજી વચ્ચે ૩ પ્રકારના સંબંધો વર્ણવ્યા છે : સ્વામી, સેવક અને સખા. એ સંબંધોમાં આ ત્રણેય ભાવ છે. વિષ્ણુને ભજનારા પરમ શૈવ છે એટલે વિષ્ણુ સમાન કોઈ શૈવ નથી અને શિવજી સમાન કોઈ વૈષ્ણવ નથી. આ બન્ને એકબીજાના સેવક, સ્વામી અને સખા છે. વિષ્ણુની આરાધના, સેવા કયા પ્રકારથી કરવી જોઈએ એ શિવજી પાસેથી સૌકોઈએ શીખવું જોઈએ.

વિષ્ણુ સંબંધી જે વૈષ્ણવપુરાણ છે અથવા શિવ સંબંધી જે શૈવપુરાણ અથવા શૈવગ્રંથો છે એમાં ક્યાંક ભગવાન વિષ્ણુના મહિમાનું ગાયન થયું છે અને ક્યાંક ભગવાન શિવને સર્વોપરી બતાવવામાં આવ્યા છે. એમાં જરાય અસત્ય નથી અને અયોગ્ય પણ નથી. ક્યારેક કોઈ ગુણનો પ્રભાવ તો ક્યારેક અન્ય ગુણનો પ્રભાવ આપણા વ્યાવહારિક જીવનમાં રહેતો જ હોય છે.

ભગવાન શિવ મહાદેવ છે. ભાગવતની કથા અનુસાર ભગવાન વિષ્ણુના નાભિકમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીના ક્રોધ કરવાથી તેમની ભ્રૂકુટિમાંથી એક પુરુષ પ્રગટ થયો તે રુદ્ર કહેવાયા. આમ તો વિષ્ણુથી બ્રહ્મા અને બ્રહ્માથી ભગવાન શિવનો પ્રાદુર્ભાવ માનવામાં આવે છે. ત્રણેયમાં કાર્ય અને કારણનો સંબંધ છે એવું પણ કહી શકાય.

શિવલિંગની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. એમાં પણ ખાસ કરીને ૐ એટલે કે પ્રણવનું મહત્ત્વ છે અને પ્રણવ અને પંચાક્ષર મંત્ર બન્ને મળીને મંત્ર બને એ છે ૐ નમઃ શિવાય.

ૐ મહાદેવનાં પંચમુખ છે. પંચમુખી મહાદેવનું એક મુખ પૂર્વમાં છે તો એક દક્ષિણમાં અને એક પશ્ચિમમાં, એક ઉત્તરમાં અને એક મધ્યમાં છે. ઉત્તરવાળા મુખમાંથી અકાર પ્રગટ થયો. પશ્ચિમવાળા મુખથી ઉકાર પ્રગટ થયો. દક્ષિણવાળા મુખમાંથી મકાર પ્રગટ થયો અને પૂર્વવાળા મુખમાંથી બિંદુ અર્ધમાત્રા ૐકારની ઉપર જે અર્ધમાત્રા હોય છે એ પ્રગટ થઈ. આ રીતે શિવલિંગના જે પાંચ મુખના ભાવ છે એનાથી પ્રણવનું પ્રાગટ્ય થયું.

શિવપુરાણમાં શિવજીનાં સકલ અને નિષ્કલ બે સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે. બન્ને સ્વરૂપ ભગવાન શિવજીનાં છે. એક સકલ રૂપ છે અને એક નિષ્કલ રૂપ છે. એક સાકાર રૂપ છે જેમાં ભોલેબાબા જટાધારી રૂપમાં, પદમાસનસ્થ છે, ખૂબ સુંદર દેખાય છે.

જટા મુકુટ સુરસરિત સિર લોચન નલિન બિસાલ

નીલકંઠ લાવણ્યનિધિ સૌહ બાબિધુ ભાલ

hinduism shiva shiva temple culture news life and style lifestyle news columnists