જૂના અમદાવાદની 5 જગ્યાઓ, જ્યાંની ફેમસ વાનગી જીભને આપશે ચટાકો

29 March, 2019 06:31 PM IST  |  અમદાવાદ | ભાવિન રાવલ

જૂના અમદાવાદની 5 જગ્યાઓ, જ્યાંની ફેમસ વાનગી જીભને આપશે ચટાકો

(photo courtasy: archna's kitchen)

રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય,

જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના-મોટાં ખાય…

અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો,

અમદાવાદ બતાવું ચાલો

અવિનાશ વ્યાસનું આ ગીત હોય કે અમદાવાદ વિશેનું બીજું કોઈ ગીત પણ આ શહેર વિશેના ગીતો શહેરની વાનગીઓના ઉલ્લેખ વિના અધુરા છે. અમદાવાદીઓ સુરતીઓ જેટલા જ સ્વાદના શોખીન છે. એમાંય જો તમે પોળમાં રહેલા અમદાવાદીઓને મળો તો તેમને તો ક્યાં શું સૌથી મસ્ત મળે છે, તે મોઢે જ હોય. અને તમને પાછા ખવડાવ્યા વગર જવા પણ ન દે.

જો તમે પણ અમદાવાદી છો અને હજી સુધી શહેરની જાણીતી જગ્યાઓએ સ્વાદના ચટાકા નથી માણ્યા તો આ આર્ટિકલ તમારા માટે જ છે. gujaratimidday.com ખાસ તમારા માટે લાવ્યું છે અમદાવાદની એ જગ્યાઓ જે પોતાની વાનગીઓથી ફેમસ થઈ ગઈ.

1) ચંદ્રવિલાસના ફાફડા- જલેબી

આમ તો ફાફડા જલેબી ખાવાનો મહિના દશેરાના દિવસે છે. પરંતુ અમદાવાદીઓ માટે તો 365 દિવસો દશેરા જ છે. સ્વાદના કેટલાક શોખીનો તો એવા પણ છે જેમનો રવિવાર જેઠાલાલની જેમ ફાફડા જલેબી વગર શરૂ નથી થતો. અને ફાફડા-જલેબીનું નામ પડે તો પહેલું જ યાદ આવે ચંદ્રવિલાસ ડાઈનિંગ હોલ.

તસવીર સૌજન્યઃટ્રિપ એડવાઈઝર (photo courtesy: trip advisor)

રિલીફ રોડ પર આવેલી ચંદ્રવિલાસના ફાફડા-જલેબી વર્લ્ડ ફેમસ છે. કોટ વિસ્તારમાં આવેલી ચંદ્રવિલાસ 120 વર્ષ જૂની છે. અહીં જ અમદાવાદની સૌથી પહેલી ગુજરાતી થાળી મળવાની શરૂઆત થઈ હતી, એ પણ માત્ર 1 રૂપિયામાં. સ્વાદના શોખીન અને દિલથી અમદાવાદી પાર્થ શર્મા કહે છે કે ચંદ્રવિલાસની દાળ સૌથી વધુ જાણીતી હતી. લોકો શાક રોટલી ભાત ઘરે બનાવતા પરંતુ ખાસ દાળ માટે ચંદ્રવિલાસની બહાર લાઈન લાગતી.

2) રાયપુરના ભજીયા

અમદાવાદના રાયપુરના ભજિયા વિશે તો તમે સાંભળ્યું જ હશે. ભાગ્યે જ કોઈ એવો અમદાવાદી હશે કે જેણે જીવનમાં એકવાર રાયપુરના ભજિયા ન ચાખ્યા હોય. રાયપુર દરવાજા પાસે આવેલા આ ભજીયા હાઉસના બટાકાના ભજીયા ખૂબ વખણાય છે. દિવસ કોઈ પણ હોય અહીં ભજિયા લેવા માટે લાઈન લાગે છે. વળી ખાસિયત એ છે કે અહીં ભજીયા સાથે ન તો ચટણી મળે છે, ન તો પ્લાસ્ટિકની કોથળીમાં અપાય છે. કાગળ હાથમાં લઈને જ તમે ભજિયાનો સ્વાદ માણી શકો.'

આ ભજીયાની શરૂઆત કરી હતી સોમભાઈ મોતીલાલ પટેલે. જેઓ એક વડના ઝાડ નીચે ખૂમચો લઈને ભજિયા વેચતા હતા. પછી તેમણે અત્યારે જે ભજીયા હાઉસની દુકાન છે તે ભાડાપટ્ટે લીધી. અને ભાડું હતું કે ઉપર આવેલા ચબૂતરામાં રોજ કબૂતરા માટે ચણ નાખવું. વિશ્વાસ ન આવે પરંતુ આ જ ભાડા સાથે રાયપુર ભજીયા હાઉસની શરૂઆત થઈ હતી.

3) દાસના ખમણ

આજે તો દાસના ખમણ અમદાવાદના લગભગ દરેક વિસ્તારમાં મળે છે. પરંતુ સૌથી પહેલા આ દુકાન કોટ વિસ્તારમાં એટલે કે જૂના અમદાવાદમાં શરૂ થઈ હતી. મૂળે અમરેલીના પિતાંબર ઠક્કરે ખમણ બનાવીને વેચવાની શરૂઆત કરી હતી. ત્યારથી આજ સુધી દાસના ખમણ બ્રાન્ડ બની ચૂક્યા છે. આજે ચોથી પેઢી ફરસાણનો બિઝનેસ ચલાવી રહી છે. તમે પણ જો અમદાવાદી થઈને દાસના ખમણ કે સુરતી લોચો નથી ખાધો તો તો ભઈ કહેવું જ શું. ફટાફટ પહોંચીને ચાખો હવે.

4) શેર બજારનું ચવાણું

અમદાવાદનું માણેકચોક ખાણીપીણી માટે પ્રખ્યાત છે. અને માણેકચોકમાં જ આવેલું જૂનું શેરબજાર ચવાણા માટે લેન્ડમાર્ક બની ચૂક્યુ છે. શેરબજારનું ચવાણું એટલું ફેમસ છે કે દુકાનનું નામ જ શેરબજારનું ચવાણું થઈ ચૂક્યુ છે. પાર્થ શર્મા કહે છે કે શેરબજારના ચવાણાના ચાહકો સેલિબ્રિટીઝ પણ છે. પાર્થના કહેવા પ્રમાણે મુકેશ અંબાણી અને અમિતાભ બચ્ચન પણ આ ચવાણાનો સ્વાદ માણે છે.

આ પણ વાંચોઃ માણેકચોક: અમદાવાદનું નાસ્તાનું નેટવર્ક, જાણો અજાણી વાતો

5) હરિભાઈ ફાફડાવાળા

જૂના અમદાવાદની જેટલી જાણીતી વાનગીઓની દુકાનો છે, તેની ખાસિયત એ છે કે તે વર્ષો જૂની છે. અને લાંબા સમયથી તે એસ્ટાબ્લિશ થઈ ચૂકી છે. આવી જ એક જગ્યા એટલે હરિભાઈ ફાફડાવાળાની દુકાન. બાપુનગર ચાર રસ્તા પર આવેલી હરિભાઈ ફાફડાવાળાની દુકાન 80 વર્ષ જૂની છે. અને તેમના ફાફડાખાવા માટે દૂર દૂરથી લોકો લાઈન લગાવે છે.

gujarat news ahmedabad Gujarati food Places to visit in gujarat