'સ્વરગુર્જરી' : અક્ષત પરીખ જેને વારસા અને ગળથુથી બંન્નેમાં મળ્યું સંગીત

29 September, 2020 12:00 PM IST  |  Mumbai | Nandini Trivedi

'સ્વરગુર્જરી' : અક્ષત પરીખ જેને વારસા અને ગળથુથી બંન્નેમાં મળ્યું સંગીત

અક્ષત પરીખ

લોકપ્રિય વેબ સિરીઝ 'બંદિશ બેન્ડિટ્સ' દ્વારા અપાર લોકચાહના મેળવનાર યુવા ગાયક અક્ષત પરીખ સંગીતવિશ્વનું હવે લાડકું નામ બની ગયું છે. શાસ્ત્રીય અને વેસ્ટર્ન મ્યુઝિકના સંયોજનને પ્રદર્શિત કરતી આ વેબ સિરીઝમાં અક્ષતે જાણીતા કલાકારો નસીરૂદ્દીન શાહ, અતુલ કુલકર્ણી અને ઋત્વિક ભૌમિકને શાસ્ત્રીય ગાયકી અભિનય દ્વારા કેવી રીતે વ્યક્ત કરવી એની તાલીમ આપી હતી. કલા, સાહિત્ય અને સંગીતને સમર્પિત યુટ્યુબ ચેનલ 'સ્વરગુર્જરી'માં અક્ષત પરીખે આ સીરિઝ સાથે સંકળાયેલી રસપ્રદ વાતો કરી છે તેમજ અત્યંત લોકપ્રિય થયેલી રાગ મારવાની બંદિશ એ રી સખી મૈં અંગ અંગ આજ રંગ ડાર દૂં... પ્રસ્તુત કરી છે.


અક્ષતે સાત વર્ષની વયે તેમના દાદાજી પં. કૃષ્ણકાંત પરીખ પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ કરી હતી. સંગીતમાર્તંડ પં.જસરાજજીના મેવાતી ઘરાણાને અનુસરતા અક્ષતને આ સીરીઝ શરૂ થઈ ત્યારે પં. જસરાજજીના પણ આશીર્વાદ મળ્યા છે. એડ. જિંગલ્સથી લઈને દરેક પ્રકારનું સંગીત ગાઈ શકતા અક્ષત પરીખ ગાયક ઉપરાંત કમ્પોઝર છે. આજની મુલાકાતમાં અક્ષત પરીખ સાથે એમનાં પત્ની પ્રાર્થના મહેતા જોડાયાં છે, જેઓ પોતે પિયાનોવાદક છે. 

'સ્વરગુર્જરી'નો આજથી શુભારંભ
'સ્વરગુર્જરી' માતૃભાષાના સંવર્ધન તથા ભારતીય સાહિત્ય, સંગીત અને કલાના પ્રસારને સમર્પિત વેબ ચેનલ છે. જાણીતાં લેખિકા, પત્રકાર અને સંગીત સંશોધક નંદિની ત્રિવેદી દ્વારા આ યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે જેમાં ગુજરાતી સાહિત્ય-સંગીત-નાટક ક્ષેત્રના અનેક અગ્રગણ્ય કલાકારોની મુલાકાતો તથા કર્ણપ્રિય સંગીત આ યુટ્યુબ ચેનલ પર રજૂ થાય છે. વિવિધ ક્ષેત્રના કલાકારોએ આ લોકપ્રિય શ્રેણીમાં તેમના સંગીત, ભાષા, કવિતા અને સમયખંડ વિશે રસપ્રદ વાતો કરી છે. 'ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ' આજથી દર મંગળવારે આ સિરીઝ પ્રસ્તુત કરશે. 

indian classical music indian music