શ્રાવણમાં કાશી વિશ્વનાથધામ ન જઈ શકો તો મુંબઈના કાશી વિશ્વેશ્વર મંદિરમાં અચૂક જજો

22 August, 2026 01:50 PM IST  |  Mumbai | Kajal Rampariya

મુંબઈના માટુંગામાં આવેલું ૨૪૩ વર્ષ જૂનું કાશી વિશ્વેશ્વર મંદિર પેશવાઈ સ્થાપત્ય, લાકડાની કારીગરી અને દાઢી-મૂછવાળી દુર્લભ શિવ પ્રતિમા માટે જાણીતું છે. શ્રાવણમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.

મંદિરનું ગર્ભગૃહ અને મરાઠા શૈલીના વાડાની યાદ અપાવતો સભામંડપ.

કાશી જવાની ઇચ્છા તમામ શિવભક્તોને હોય છે, પણ ત્યાં સુધી જવું બધાના નસીબમાં નથી હોતું. શ્રાવણમાં જે લોકો વારાણસી ન જઈ શકે તેઓ મુંબઈના કાશી વિશ્વેશ્વર મંદિરમાં દર્શન કરવા આવે છે. મુંબઈના પ્રાચીન વારસાની ઝાંખી કરાવતું આ ઐતિહાસિક શિવધામ પેશવાઈ સ્થાપત્યશૈલી અને શિવજીની દાઢી-મૂછવાળી દુર્લભ પ્રતિમા માટે આજે પણ શ્રદ્ધાળુઓમાં અસીમ આસ્થાનું કેન્દ્ર બનેલું છે

મુંબઈના માટુંગા-વેસ્ટમાં સિટીલાઇટ માર્કેટના ગીચ વિસ્તારમાં આવેલું કાશી વિશ્વેશ્વર મંદિર શહેરનાં સૌથી જૂનાં શિવધામોમાં સ્થાન ધરાવે છે. આ મંદિર મુંબઈના ટાપુઓથી મહાનગર બનવાના પ્રારંભિક તબક્કાનું મૂર્ત પ્રતીક છે. સામાન્ય રીતે મુંબઈના ઐતિહાસિક વારસાની વાત થાય ત્યારે દક્ષિણ મુંબઈનાં બ્રિટિશકાલીન સ્થાપત્યોની ચર્ચા વધુ થાય છે, પરંતુ માટુંગાનું આ મંદિર મુંબઈના મરાઠાકાલીન અને પેશવાઈ કાળના વારસાને જીવંત રાખતું મહત્ત્વનું સ્થળ છે. ૨૪૩ વર્ષથી સળંગ ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહેલા આ શિવધામને મુંબઈના કાશી તરીકે ઓળખવામાં આવે છે. અહીં એવી માન્યતા છે કે પહેલાં કાશી જવું બધા માટે સરળ નહોતું એટલે લોકો અહીં રહીને જ કાશી જેટલી પવિત્રતાનો અનુભવ કરી શકે એ આશયથી આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. પેશવાઈ સ્થાપત્યશૈલી, લાકડાની કારીગરી અને શિવજીની દુર્લભ દાઢી-મૂછ ધરાવતી પ્રતિમા આ મંદિરને સમગ્ર મહારાષ્ટ્રમાં એક વિશિષ્ટ ઓળખ આપે છે. આ મંદિરના ઐતિહાસિક, આર્કિટેક્ચરલ અને સાંસ્કૃતિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારના પુરાતત્ત્વ વિભાગ દ્વારા એને સ્ટેટ પ્રોટેક્ટેડ મૉન્યુમેન્ટ એટલે કે રાજ્ય-સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. આ દરજ્જાને કારણે મંદિરના મૂળ પેશવાઈ કાળના સ્થાપત્ય-માળખામાં કોઈ પણ ગેરકાયદે ફેરફાર કરી શકાતો નથી અને એનું જતન પુરાતત્ત્વના નિયમો અનુસાર કરવામાં આવે છે.

મંદિરની સ્થાપના અને ઇતિહાસ

ઈસવીસન ૧૭૮૩માં આ મંદિરની સ્થાપના થઈ ત્યારે માટુંગા વિસ્તાર મુંબઈના અન્ય વિકસિત ભાગોથી અલગ એક નાનું ગામડું અને મીઠાના અગરો તથા ખેતરો ધરાવતો વિસ્તાર હતો. આ સમયગાળા દરમ્યાન મુંબઈના પ્રાચીન મૂળ નિવાસી સમુદાયો પૈકીના એક એવા સોમવંશી પાથરે ક્ષત્રિય પાંચકળશી સમાજના અગ્રણી નારાયણ દાજી મંત્રી દ્વારા આ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો હતો. મંદિરના પ્રાંગણમાં આવેલા પ્રાચીન શિલાલેખમાં દર્શાવેલી તિથિ અને વિગતો અનુસાર સન ૧૭૮૩માં જ શાસ્ત્રોક્ત વિધિથી ગર્ભગૃહમાં શિવલિંગ અને અન્ય દેવોની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ શિવધામની સ્થાપનાથી લઈને આજ સુધી એનો સામાજિક અને કાનૂની માલિકીહક પાંચકળશી જ્ઞાતિ હસ્તક રહ્યો છે. અઢારમી સદીના અંત ભાગમાં આ જ જ્ઞાતિના પ્રતિષ્ઠિત અને મોટા જમીનદાર દાડોબા જગન્નાથ મંત્રીએ મંદિરના કાયમી સંચાલન, પૂજાવિધિના ખર્ચ અને ધાર્મિક ઉત્સવોના આયોજન માટે પોતાની સંપત્તિમાંથી મોટું દાન આપીને એક ધાર્મિક ટ્રસ્ટની રચના કરી હતી. આ ટ્રસ્ટ દાડોબા જગન્નાથ રિલિજિયસ ટ્રસ્ટ તરીકે ઓળખાય છે અને આજે પણ મંદિરનું વહીવટી સંચાલન આ ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવે છે. મંદિરનું ૨૪૩ વર્ષ જૂનું બિલ્ડિંગ સમય જતાં ક્ષતિગ્રસ્ત ન થાય એ હેતુથી ૨૦૧૩માં ટ્રસ્ટ દ્વારા પુરાતત્ત્વ વિભાગની માર્ગદર્શિકા મુજબ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

પેશવાઈ મરાઠા શૈલીનું આર્કિટેક્ચર

કાશી વિશ્વેશ્વર મંદિરનું સ્થાપત્ય મુંબઈનાં અન્ય આધુનિક મંદિરો કરતાં સાવ અલગ અને આગવું સ્થાન ધરાવે છે. આ મંદિર અઢારમી સદીના ઉત્તરાર્ધની પેશવાઈ મરાઠા વાસ્તુશૈલીનું પ્રતિનિધિત્વ કરે છે. બે માળનું આ મંદિર બહારથી જોતાં સામાન્ય મંદિર જેવું લાગવાને બદલે જૂના જમાનાના મરાઠવાડા એટલે કે હવેલી જેવું દેખાય છે. મંદિરની બહારની દીવાલો અને પ્રવેશદ્વાર લાકડાં અને પથ્થરના મિશ્રણથી બનેલાં છે.
મંદિરના મુખ્ય દરવાજાથી પ્રવેશતાં જ ભવ્ય સભામંડપ આવે છે. આ મંડપના ફ્લોરિંગમાં સફેદ આરસપહાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંડપની છત અને બાજુની દીવાલોમાં પેશવાઈ શૈલીનું લાકડાનું કામ જોવા મળે છે. આ મંડપની ઉપરની બાજુએ ૩ દિશામાં લાકડામાંથી બનાવેલું છજા એટલે કે ગૅલરી જેવી બેઠકવ્યવસ્થા છે. અઢારમી અને ઓગણીસમી સદીમાં પ્રવર્તતી સામાજિક વ્યવસ્થા અને પડદાપ્રથા અનુસાર કુટુંબની મહિલાઓ પુરુષોથી અલગ રહીને ઉપરની ગૅલરીમાં બેસીને કીર્તન, પ્રવચન કે પૂજાવિધિ શાંતિથી જોઈ અને સાંભળી શકે એ હેતુથી આ વિશિષ્ટ લાકડાની બાલ્કનીઓ બનાવવામાં આવી હતી. આ સ્થાપત્યશૈલી મરાઠાકાળના ગ્રૅન્ડ વાડાકલ્ચરની યાદ અપાવે છે.

શિવજીનું દુર્લભ સ્વરૂપ

આ મંદિરની સૌથી અનોખી અને દુર્લભ વિશેષતા ગર્ભગૃહની સામે આવેલા શિવપરિવારના શિલ્પમાં જોવા મળે છે. ગર્ભગૃહની સામેની દીવાલ પર ઉપરના ભાગે શિવપરિવારનું એક ભવ્ય અને કલાત્મક શિલ્પ કોતરવામાં આવેલું છે જેમાં ભગવાન શિવ, માતા પાર્વતી, ગણેશજી, નંદીજી અને મૂષકની મૂર્તિઓ છે. આ શિલ્પની ખાસિયત એ છે કે એમાં ભગવાન શંકરને દાઢી અને મૂછ ધરાવતા દર્શાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે શિવજીની પ્રતિમાઓ દાઢી કે મૂછ વગરની હોય છે, પરંતુ આ દાઢી-મૂછ ધરાવતું સ્વરૂપ અત્યંત દુર્લભ માનવામાં આવે છે. આ અનોખી શિવ પંચાયત મૂર્તિનાં દર્શન કરવા દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં ખાસ આવે છે.

ગર્ભગૃહ અને અન્ય દેવી-દેવતાઓ

મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં કાળા પથ્થરનું ભવ્ય શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. ગર્ભગૃહની બહારના ભાગમાં ભગવાન શિવના પરમ ભક્ત નંદીજી અને કાચબાની આકર્ષક પથ્થરની મૂર્તિઓ છે. નંદીજીની બરાબર બાજુમાં ચતુર્ભુજ સ્વરૂપ ધરાવતી શીતળામાતાની પ્રાચીન મૂર્તિ બિરાજમાન છે. પૌરાણિક માન્યતા અનુસાર શીતળામાતાનાં દર્શનથી શારીરિક વ્યાધિઓમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત મંદિરના ગોખલાઓમાં ભગવાન દત્તાત્રેય, લક્ષ્મીનારાયણ અને સંકટમોચન હનુમાનજીની પ્રતિમાઓ પણ સ્થાપિત છે જે એક જ પરિસરમાં વિવિધ દેવોના પૂજનનો સંગમ પૂરો પાડે છે.

શ્રાવણ માસ અને ઉત્સવનું મહત્ત્વ

કાશી વિશ્વેશ્વર મંદિરમાં દરરોજ સવારે છથી રાત્રે ૯ વાગ્યા સુધી દર્શનનો લાભ લઈ શકાય છે. આખા વર્ષ દરમ્યાન મહાશિવરાત્રિ આ મંદિરનો સૌથી મોટો ઉત્સવ ગણાય છે. આ દિવસે આખા મંદિર પરિસરને ફૂલો અને રંગબેરંગી લાઇટિંગથી સજાવવામાં આવે છે તથા શાસ્ત્રોક્ત વિધિથી વિશેષ પૂજા અને અભિષેક થાય છે.
શ્રાવણ મહિનામાં અહીં આખો મહિનો ઉત્સવ જેવો માહોલ છવાયેલો રહે છે. શ્રાવણના દરેક સોમવારે સવારે રુદ્રાભિષેક અને સાંજના સમયે શિવલિંગ પર મનોહર શણગાર કરવામાં આવે છે જેનાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે. આ સિવાય ત્રિપુરી પૂર્ણિમાના દિવસે મંદિરમાં દીપમાળા પ્રગટાવીને ભવ્ય દીપોત્સવ ઊજવવામાં આવે છે.

mumbai matunga shiva temple history life and style lifestyle news culture news