કૃષ્ણનો સહવાસ- પ્રકરણ ૨ : કાનુડાનાં પારણાં ઝુલાવો, સાથે તમે પણ ઘરે હીંચકા વસાવો

03 December, 2024 11:42 AM IST  |  Mumbai | Mukesh Pandya

માગશર મહિનામાં કૃષ્ણની બાળસ્વરૂપની પૂજા ખૂબ થાય છે. એના હિંડોળાને ખૂબ સારી રીતે સજાવાય છે. ભક્તો કૃષ્ણને પારણે ઝુલાવવામાં ખૂબ ધન્યતા અનુભવે છે

શ્રીકૃષ્ણની તસવીર

માગશર મહિનામાં કૃષ્ણની બાળસ્વરૂપની પૂજા ખૂબ થાય છે. એના હિંડોળાને ખૂબ સારી રીતે સજાવાય છે. ભક્તો કૃષ્ણને પારણે ઝુલાવવામાં ખૂબ ધન્યતા અનુભવે છે. શ્રાવણ મહિનામાં કૃષ્ણનાં મંદિરોમાં હિંડોળા-દર્શનનું અનેરું મહત્ત્વ હોય છે. કૃષ્ણએ મોટા થઈને પણ હીંચકે ઝૂલવાની પ્રથા ચાલુ રાખી હતી. તેઓ કિશોરાવસ્થામાં રાધા સાથે હીંચકે ઝૂલતા હોય એવાં ચિત્રો તમે સૌએ અચૂક જોયાં હશે.

રાજા બન્યા બાદ તેમના મહેલમાં પણ હીંચકાનું નિશ્ચિત સ્થાન રહેતું.

જોકે આજે લોકોના ઘરેથી હીંચકા ગાયબ થતા જાય છે.

એક સમય હતો જ્યારે ગામડામાં દરેક લોકોના ઘરે હીંચકા જરૂર જોવા મળતા. હીંચકા આપણી સંસ્કૃતિના એક ભાગરૂપ હતા. શહેરોમાં જગ્યાના અભાવે હીંચકા ન હોય તો સાર્વજનિક બગીચાઓમાં જઈને પણ હીંચકે જરૂર ઝૂલવું જોઈએ.

તમે જ્યારે હીંચકાના ફાયદા વિશે જાણશો ત્યારે ખ્યાલ આવશે કે કૃષ્ણએ પોતાના જીવનમાં હીંચકાને શા માટે આટલું બધું મહત્ત્વ આપ્યું હશે અને શા માટે આપણે હિંડોળા-દર્શન કરવા લાઇન લગાવીએ છીએ.

મિત્રો હીંચકો એટલે શરીર અને મનને ચુસ્ત રાખે એવી મફતની કસરત. સવાર-સાંજ જમ્યા પછી રોજ ૧૫ મિનિટ પણ હીંચકે ઝૂલો તો ખાવાનું ઝડપથી અને સારી રીતે પચી જાય છે. હીંચકાની ગતિ ઘડિયાળના લોલક જેવી હાર્મોનિક હોય છે. જે રીતે જશોદામૈયા વલોણું વલોવીને છાશમાંથી મજાનું માખણ કાઢતાં એ જ રીતે જમ્યા પછી હીંચકે ઝૂલવાથી પેટની અંદરનો ખોરાક સરસ રીતે વલોવાય છે. પાચનક્રિયાની ઝડપ અને ક્ષમતા વધી જાય છે, કબજિયાત રહેતો નથી, પેટ સાફ રહે છે. જેનું પેટ સાફ તેના સઘળા ગુના માફ હોય છે અને તે હંમેશાં સાજોનરવો રહે છે.

બીજું, આજે લોકોનાં ઘૂંટણનાં દર્દ વધી રહ્યાં છે. ખૂબ નાની ઉંમરે ઢીંચણના ઑપરેશન કરવાની નોબત આવે છે, પણ જેમણે નાનપણથી પગની ઠેસી દઈને હીંચકા ખાધા હોય તેને મોડે સુધી ઘૂંટણનાં દર્દ સતાવતાં નથી. પગના સાથળથી લઈ પગની પાની સુધીનાં હાડકાં અને સાંધાને મજબૂત, લવચીક અને સલામત રાખતી આ એક ઉત્તમ કસરત છે.

 અનિદ્રાની બીમારી ધરાવતા લોકો માટે પણ હીંચકે ઝૂલવું લાભકારક બની રહે છે. હીંચકા ખાવાથી શરીરને પ્રાણવાયુ પણ અધિક માત્રામાં અસરકારક રીતે મળી રહે છે.

કોઈ નાનું બાળક અસુખથી પીડાઈને રડતું હોય તો તેને ઘોડિયા (પારણા)માં મૂકીને હીંચકો નાખવાથી કેવું શાંત થઈ જાય છે. આ બાળક મોટું થાય એ પછી આપણે ઘોડિયું છોડાવીએ છીએ પણ તેને હીંચકે બેસાડવાની આદત પાળવી જોઈએ. હવે તો ઘરની જગ્યાની જરૂરિયાત મુજબ નાની-મોટી સાઇઝના ફોલ્ડિંગ હીંચકા પણ મળી રહે છે.

હીંચકા ખાવાથી જે આનંદ મળે છે એનાથી માનસિક બીમારીઓ પણ દૂર ભાગે છે. હીંચકા પર પતિ-પત્ની રાધા-કૃષ્ણની જેમ સાથે બેસીને ઝૂલે તો તેમના મનમાંથી નીકળતાં આંદોલનો હીંચકાનાં આંદોલન સાથે ભળીને એકરૂપતા (હાર્મની) સર્જે છે. હીંચકો આગળ જાય તો બેઉ આગળ, હીંચકો પાછળ જાય તો બેઉં પાછળ. સુખમાંય બેઉ સાથે અને દુ:ખમાંય બેઉ સાથે. જો આ રીતે હીંચકાના તાલ સાથે તેઓ તાલ મિલાવે તો ખરેખર બન્ને વચ્ચે તાલમેલ વધે છે. મતભેદ દૂર થઈ મનમેળ વધે છે. કોઈ દંપતી જો છૂટાછેડા લેવા માગતું હોય તો કમસે કમ એક મહિનો હીંચકા પર સાથે બેસીને ઝૂલવાનો પ્રયોગ કરવો જોઈએ.

હવે જ્યારે તમે મંદિરમાં કાનુડાનું પારણું ઝુલાવવા જાઓ કે હિંડોળાનાં દર્શન કરવા જાઓ તો ભલે જાઓ, પણ સાથે ઘરે પણ હીંચકો વસાવીને નિયમિત ઝૂલતા રહેજો અને આપણી અંદર વસેલા શ્રીકૃષ્ણને જીવંત રાખજો. તમારે તનમનની અસ્વસ્થતા સિવાય બીજું કશું ગુમાવવું નહીં પડે.

(ક્રમશઃ)

culture news religion hinduism life and style mumbai