15 March, 2026 12:18 PM IST | Madhya Pradesh | Alpa Nirmal
બગલામુખી જયંતીના દિવસે સ્ત્રીઓ ઉપરાંત પુરુષો પણ ઉપવાસ, પૂજા, કથાવાંચન, જપ આદિ ધાર્મિક વિધિઓ કરે છે. ૨૪ એપ્રિલે આ પાવન દિવસ છે ત્યારે દરેક ભક્ત પોતાના ઘરે રહીને પણ માતાની જયંતીની ઉજવણી કરી શકે છે.
ઇન્ડિયન ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીર, ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલના ચૅરમૅન જય શાહ, ઍક્ટર ગોવિંદા, અનિલ અંબાણી, ઈવન ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી તથા અનેક જાણીતી હસ્તીઓએ અહીં હવન તથા પૂજા કરાવ્યાં છે. ૧૦ મહાવિદ્યામાંથી આઠમા નંબરનાં મા બગલામુખી શત્રુઓને પરાસ્ત કરી જીવનના દરેક ક્ષેત્રમાં વિજય પ્રદાન કરતાં આદિશક્તિ ગણાય છે. અહીં વર્ષના ૩૬૫ દિવસો યજ્ઞ થતા હોય છે. એમાંય ૪ નવરાત્રિ, બગલામુખી જયંતી, પૂર્ણિમા, અમાવસ્યા, અષ્ટમી ને દર ગુરુવારે તો અહીં જબરદસ્ત ભીડ હોય છે
ભારતે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ સોશ્યલ મીડિયાનાં વિવિધ પ્લૅટફૉર્મ પર કોચ ગૌતમ ગંભીરનો નલખેડાના બગલામુખી મંદિરમાં હવન કરતો વિડિયો વાઇરલ થયો હતો. એમાં ગૌતમભાઈએ આ હવન ક્યારે કર્યો, પર્સનલ કારણોસર કર્યો કે મૅચ જીતવા અર્થે કર્યો એનું કોઈ વિવરણ નહોતું; પણ ન્યુઝ-ચૅનલોએ એના ન્યુઝ બનાવી દીધા. અને અચાનક મધ્ય પ્રદેશના અગર માલવા જિલ્લાના નલખેડા શહેરમાં આવેલું બગલામુખી મંદિર દેશભરમાં અને વિદેશમાં રહેતા ભારતીયોમાં પ્રસિદ્ધ થઈ ગયું. મંદિરમાં હવન કરાવતા એક પંડિત નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહે છે, ‘પહેલાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશથી ભક્તો આવતા; પરંતુ ગંભીરજી કા વિડિયો વાઇરલ હો જાને કે બાદ ચેન્નઈ, બૅન્ગલોર, દુબઈ, અમેરિકા, લંડન સે ફોન આને લગે હૈં. અને દરેક વ્યક્તિ આ વિશિષ્ટ હવન વિશે પૂછતાછ કરી રહી છે.’
વેલ, આપણી તીર્થાટન એક્સપ્રેસ તો તૈયાર જ છે. હવે દેરી કિસ બાત કી? આપણેય જઈએ મા બગલામુખીનાં શરણે અને ચરણે.
થોડા મહિનાઓ પૂર્વે આપણે ઝાંસી પાસે આવેલા દતિયા ગામનાં મા બગલામુખીના મંદિરની માનસયાત્રા કરી હતી ત્યારે આ મહાવિદ્યાના પ્રાગટ્યની કથા જાણી હતી. છતાંય ફરી એનો નાનો રીકૅપ કરી લઈએ. પ્રાચીન વેદો અનુસાર સતયુગમાં સંપૂર્ણ સૃષ્ટિને નષ્ટ કરી શકે એવું ભયંકર તોફાન આવ્યું હતું. દરિયો ગાંડોતૂર થઈને ઊછળતો હતો. આભ ત્રાહિમામ મેઘ વરસાવી રહ્યું હતું. વીજળી બેફામ બની ગઈ હતી ને વાદળોના ગડગડાટે પૃથ્વીના દરેક સજીવને ડરાવી દીધા હતા. આ પૂરમાં અનેક પશુ-પ્રાણી, મનુષ્યો મરી રહ્યાં હતાં. એ જોઈ વિષ્ણુ ભગવાનને ચિંતા થઈ અને આ સમસ્યાનું સમાધાન લેવા પહોંચ્યા શિવજી પાસે. ત્યારે ભોળેનાથે કહ્યું કે ‘આ તાંડવ સમાપ્ત કરવાની ક્ષમતા ફક્ત આદિશક્તિમાં છે.’ સૃષ્ટિના સંરક્ષક ભગવાન વિષ્ણુએ જગત જનનીની કઠોર તપસ્યા કરી અને માતા સૌરાષ્ટ્ર ક્ષેત્રની હરિદ્રા નામક નદીમાં બગલામુખી રૂપે પ્રગટ થયાં અને વિધ્વંસકારી તોફાન તરત જ થંભી ગયું. આ રાત્રિ હતી વૈશાખ મહિનાની ઊજળી અષ્ટમી.
બગલા શબ્દ સંસ્કૃત શબ્દ વલ્ગાનો અપભ્રંશ છે. વલ્ગા અર્થાત લગામ. આદ્યશક્તિ પોતાના ભક્તોને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરનારા પર લગામ તાણે છે, નિયંત્રિત કરે છે. આથી તેમને બગલામુખી માતા, સ્તંભન કી દેવી, શત્રુબુદ્ધિ વિનાશિની, બ્રહ્માસ્ત્ર રૂપિણી આદિ નામોથી સંબોધાય છે. ભારતના ઉત્તર પ્રદેશ, હિમાચલમાં તેઓ પીતાંબરા દેવી તરીકે પણ પ્રસિદ્ધ છે.
ઉપર્યુક્ત કથા ઉપરાંત માતાના પ્રાર્દુભાવની અન્ય એક કહાની પણ જાણીતી છે. આ કથા મુજબ સતયુગમાં એક મદન નામક રાક્ષસ હતો. તેણે તપસ્યા કરી વાકસિદ્ધિનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. આ વરદાનથી તે જે કહે એવું બનતું. હવે હતો તો મદન અસુર એટલે તે આ વિદ્યાનો દુરુપયોગ કરતો. માણસો, ઋષિમુનિઓને પ્રતાડતો, રંજાડતો. તેની ક્રૂરતા એટલી વધી ગઈ કે દેવતાઓએ બગલામુખી માતાને પ્રાર્થના કરી અને આહ્વાન કર્યું. માતા પ્રગટ થયાં અને પોતાની દિવ્ય શક્તિથી પેલા દૈત્ય મદનની જીભ જ પકડી લીધી. ન રહેગા બાંસ, ન રહેગી બાંસુરી એ ન્યાયે મદન મૂંગો અને ગતિહીન થઈ ગયો અને માતા બગલામુખીએ ગદા લઈ તેનો સંહાર કરી નાખ્યો અને એ આતંકવાદીનો આતંક ખતમ થયો. આ વાર્તાને અનુરૂપ રચના નલખેડાના મંદિરના પરિસરમાં કરી છે જે બાળકોને બહુ આકર્ષે છે. અરે હા, એ જોવા માટે મંદિરમાં પહેલાં પ્રવેશ તો કરવો પડે.
મધ્ય પ્રદેશના કેન્દ્રસ્થાને રહેલા સર્વ સિદ્ધપીઠ મા બગલામુખી મંદિરનું થોડાં વર્ષો પહેલાં નૂતનીકરણ થયું છે. મંદિરનો પરિસર વધુ મોટો બનાવાયો છે. પરિસર પસાર કરી અંદર જઈએ એટલે વ્યાઘ્રમુખ જેવા દરવાજામાંથી એન્ટર થઈ મંદિર સુધી પહોંચાય છે. માતાના વાહન વાઘના મુખના આકારનું પ્રવેશદ્વાર પણ નવું જ બન્યું છે. હા, પ્રાચીન છે ગર્ભગૃહમાં ત્રણ પિંડીરૂપે બિરાજતાં લક્ષ્મીજી, સરસ્વતી અને વચ્ચે બગલામુખી માતા જે સ્વયંભૂ છે અને પાંડવકાલીન છે. કહે છે કે પાંડવોએ ખાસ તો યુધિષ્ઠિરે આ ક્ષેત્રમાં રહી બગલામુખી માતાની કઠિન તપસ્યા કરી હતી અને માઈએ પ્રગટ થઈ તેમને કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજયી થવાના આશીર્વાદ આપ્યા હતા. ત્રણ પિંડમાંથી વચ્ચેની પિંડી લગભગ અઢીથી ત્રણ ફીટ ઊંચી છે અને એની આજુબાજુની પિંડીની ઊંચાઈ દોઢથી બે ફીટ છે. ત્રણેય પવિત્ર પિંડીઓને સમયે-સમયે શણગાર કરાય છે. સવારે ૬ વાગ્યે તથા સંધ્યાના ૭ વાગ્યે આરતી થાય છે તેમ જ ભોગ ધરાવાય છે. માતાજીની આજુબાજુ શંકર-પાર્વતી તથા ભૈરોબાબાની મૂર્તિ પણ છે. આ મંદિરનું આર્કિટેક્ચર કે બાંધકામ શૈલી અત્યંત સાદી છે તથા એ ક્યારનું છે, કોણે બનાવ્યું હતું એનું પ્રમાણ નથી. એમ પણ કહેવાય છે કે આ ગર્ભગૃહ ખોદકામ કરતાં મળ્યું છે. મુખ્ય મંદિરની આજુબાજુ ગણપતિજી, હનુમાનજી તથા રાધા-કૃષ્ણની અને રામજીનાં પણ નાનાં દેવળો છે. ત્યાં જ આગળ કહ્યું એ માતાજી અને રાક્ષસની મોટી રચના છે. જોકે પરિસરમાં ઉલ્લેખનીય છે હવનકુંડ હૉલ. મંદિરની બરાબર બાજુમાં ૨૬ નાના-મોટા હવન કુંડ ધરાવતો મોટો હવનખંડ છે અને એની બાજુમાં ૮૦ હવન કુંડ ધરાવતો બીજો હૉલ બનાવાયો છે. અહીંના પંડિતજીના કહેવા અનુસાર અહીં આવતા ૯૦ ટકા ભક્તો નાનો-મોટો હવન કરાવે જ છે. આ ન્યાયનાં દેવી છે, શત્રુ પરાસ્ત કરનારી મા છે, આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરનાર શક્તિ છે. લક્ષ્મીમાની કૃપા જોઈએ કે સરસ્વતી માતાની અમીદૃષ્ટિ, દરેક કાર્ય માટે અહીં યજ્ઞ થાય છે. વિશિષ્ટ દિવસો તથા નવરાત્રિમાં એટલો ધસારો રહે છે કે કુલ ૧૦૬ કુંડ હોવા છતાં વહેલી સવારથી રાત સુધી યજ્ઞ કરી શકાતા હોવા છતાં ભાવિકોનો નંબર નથી લાગતો. જોકે એ માટે મંદિર મૉડર્ન થયું છે અને ઑનલાઇન બુકિંગ કરાવાની સુવિધા શરૂ થઈ છે.
નલખેડા પહોંચવા મહાકાલની નગરી ઉજ્જૈનથી ૧૦૦ કિલોમીટરની રોડ-જર્ની કરવી પડે, જે બેથી અઢી કલાકમાં થાય. તો ઇન્દોરથી નલખેડા ૧૫૦ અને ભોપાલથી ૧૮૦ કિલોમીટરની ડ્રાઇવ થાય. અફકોર્સ એ માટે પ્રાઇવેટ ટૅક્સી મળી રહે છે અને મધ્ય પ્રદેશ પરિવહનની બસ પણ મળે છે. મુંબઈથી ઉજ્જૈન, ભોપાલ, ઇન્દોર જવા અનેક ટ્રેનો છે અને હવાઈ માર્ગે જવું હોય તો ભોપાલ અને ઇન્દોરમાં ઍરપોર્ટ છે. નલખેડામાં દર્શન, હવન, પૂજા, આવવું-જવું એક દિવસમાં થઈ જાય છે. એટલે ભક્તો અહીં રાત રોકાતા નથી પણ રાતવાસો કરવો હોય તો સિમ્પલ ગેસ્ટહાઉસ અને હોટેલો છે. એ જ રીતે સાદું ભારતીય ખાણું પીરસતી રેસ્ટોરાંઓ પણ છે.
નલખેડાનું બીજું ટ્રમ્પ કાર્ડ છે મંદિરની નજીક વહેતી લખુંદર નદી
મા નર્મદાની પેટા નદી લખુંદર મંદિરની નજીકથી વહે છે. ઑગસ્ટથી માર્ચ સુધી ભરપૂર વહેતી આ સરિતા પર નાનકડો ઘાટ પણ બનાવાયો છે. નાના-નાના ખડકો અને કોતરો પરથી દદડતી નદી અહીં આવનારને રિલૅક્સ કરી દે છે. જોકે ઘાટ પર ટહેલતી ગાયોની સંખ્યા વધુ છે પણ એ શાંત રહે છે એટલે સહ્ય રહે છે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
બગલામુખી માતાને પીળો કલર અત્યંત પ્રિય છે. આ રંગ સ્પષ્ટતા, આધ્યાત્મિક ઊર્જા અને દિવ્ય ચેતનાનું પ્રતીક છે. આથી હવન કરનાર શ્રદ્ધાળુઓ પીળા રંગનાં વસ્ત્રો પહેરે છે. માતાજીને ભોગ, ફૂલ આદિ પણ પીળાં જ ચડે છે અને હવન બાદ પીળા રંગનું રક્ષાસૂત્ર આપવામાં આવે છે.
આ સિદ્ધપીઠમાં ત્રણ પ્રકારના હવન થાય છે. સામાન્ય, વિશેષ, મહાવિશેષ જેની અવધિ ૪૫ મિનિટથી બે કલાકની રહે છે. વિશેષ હવનમાં ૨૧ પ્રકારની ઔષધિઓ યજ્ઞકુંડમાં નખાય છે, જ્યારે મહાવિશેષ હવનમાં ૩૬ વિવિધ ઔષધિઓ. વળી દરેક વિષયની અલગ ઔષધિઓ હોય છે. લક્ષ્મીપ્રાપ્તિ માટે કમલ ગટ્ટા, વિલ્વ નખાય છે તો નજરદોષ માટે કાળા તલ અને શત્રુ પર વિજય મેળવવા મરી વપરાય છે.
મંદિર સવારના ૬થી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લું રહે છે તથા મંદિરની બહાર પ્રસાદ, શણગાર વેચતી અનેક દુકાનો છે.
બગલામુખી માતાને કલયુગનાં મહારાણી કહે છે કારણ કે આ કાળમાં થતી ગળાકાપ સ્પર્ધા, કાવાદાવા, ઈર્ષ્યા, ગુપ્ત શત્રુતા, સ્વાર્થી સંબંધ તથા માનસિક અશાંતિમાં બગલામુખી માતા દિવ્ય સહાય આપે છે.
બગલામુખી માતાનાં ત્રણ મંદિરો સિદ્ધપીઠ ગણાય છે. મધ્ય પ્રદેશના દતિયાનું, નલખેડાનું તથા હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં બનખંડીનું બગલામુખી મંદિર.