જીવન શ્વાસથી ચાલે છે, પરંતુ શ્વાસ ચાલતા રહે એ જ જીવન નથી

22 May, 2026 01:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણે આ સંસારને પ્રાપ્ત કરવાનો પ્રયાસ નાશવંત શરીરથી કરીએ છીએ, પરંતુ જો પ્રભુપ્રાપ્તિનો પ્રયાસ કરીએ તો શરીર દિવ્ય સાધન બની જાય છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મનુષ્યની બુદ્ધિ તથા ચતુરાઈ એમાં જ છે કે આ અસદ્, જડ, દુખરૂપ અને ક્ષણભંગુર શરીર દ્વારા સચ્ચિદાનંદ સ્વરૂપ અવિનાશી હું (પરમાત્મા)ને પ્રાપ્ત કરીએ. આ વિનાશી શરીરની સાર્થકતા એમાં જ છે કે એનાથી અવિનાશી પરમાત્માને પ્રાપ્ત કરી લઈએ. સ્વયં પરમાત્મા આ વાત આપણને કરી રહ્યા છે. સંસારજન્ય જે પણ સંપત્તિ, પદ અને પ્રતિષ્ઠા – અરે, આ શરીર કેમ ન હોય! - એ બધું એક દિવસ છૂટી જાય છે. શરીર હોય કે સંપત્તિ કે પ્રતિષ્ઠા, એક દિવસ બધું છૂટી જાય છે. પ્રત્યેક પળે નષ્ટ થતા આ સંસારમાં જે શાશ્વત છે એને પ્રાપ્ત કરવાનું છે.

આ સંસાર દુઃખરૂપ છે, અસદ્ છે એટલા માટે એને પ્રાપ્ત કરવાની ચાહ પણ દુઃખરૂપ અને અસદ્ છે. આપણે આ સંસારને પ્રાપ્ત કરવાનો પ્રયાસ નાશવંત શરીરથી કરીએ છીએ, પરંતુ જો પ્રભુપ્રાપ્તિનો પ્રયાસ કરીએ તો શરીર દિવ્ય સાધન બની જાય છે. નાશવંત હોવા છતાં ઈશ્વરની આરાધના માટે ઉપયોગમાં આવેલો આ દેહ દેવતાઓ દ્વારા વાંછનીય બને છે.

જીવન શ્વાસથી ચાલે છે, પરંતુ શ્વાસ ચાલતા રહે એ જ જીવન નથી. એ શ્વાસને દેનારા પરમાત્મામાં વિશ્વાસ થાય અને ઈશ્વરની ખોજ એ જીવનની ચાહ બને એ જ જીવનની વાસ્તવિક સાર્થકતા છે. શ્વાસ ચલાવનારા પરમાત્મામાં વિશ્વાસ હોય ત્યારે એ શ્વાસમાં જીવનનો સંચાર થાય છે.

ભગવાનના અનંત ઉપકારોનો વિચાર કરો તો તેમની સાથે પ્રેમ થઈ જશે અને આ પ્રેમનો રંગ જન્મોજન્મ લાગી જશે. શ્રીકૃષ્ણનો સંગ અને રંગ મેળવવા અને કેળવવા નામ સંકીર્તન એ જ કળિયુગમાં એકમાત્ર આશ્રય છે. નામ સંકીર્તનથી મંત્રજાપ થાય છે, નામ સંકીર્તનથી પાપનો નાશ થાય છે. જપના બળથી પાપ નાશ પામે છે. પાપ નાશ પામે ત્યારે ભગવાન પ્રત્યે પ્રીતિ થાય છે.

આપણાં પાપ આપણને ભગવાનને પ્રેમ કરવા દેતાં નથી. ભગવાનનું નામ રત્ન છે, ઔષધિ છે. ભલે મીઠું ન લાગે, મનને કઠે તો પણ જપો. ભગવાનના નામની મીઠાશનો અનુભવ ન થતો હોય તો પણ જપો. જેમ-જેમ સંકીર્તન કરતા જશો તેમ-તેમ પાપનો નાશ થતો જશે.

આ ભાગવતનું વચન છે. જેમ-જેમ પાપનો નાશ થવા લાગશે તેમ-તેમ પ્રભુના નામની મધુરતાનો અનુભવ થતો જશે. એટલે મંત્રજાપનું ખૂબ મહત્ત્વ છે.

પ્રભુના અવતાર અને પુનર્જન્મની વાત કેવળ સનાતન ધર્મમાં છે. અન્ય કોઈ ધર્મોમાં પ્રભુ મનુષ્યરૂપ લઈને અવતરે એવી કલ્પના પણ જોવા મળતી નથી, જ્યારે સનાતન ધર્મમાં તો ભગવાન મનુષ્યરૂપે જન્મે છે એ વાત સ્વીકારે છે અને એટલે જ કહેવાય છે કે જ્ઞાની કદી મરતો નથી.

culture news life and style lifestyle news columnists