અનેક સામગ્રીમાંથી બનેલી રાખમાં દૂધ નાખી એના લાડુ બનાવવામાં આવે છે

04 September, 2021 03:12 PM IST  |  Mumbai | Aacharya Devvrat Jani

હિમાચલ અને ગિરનારમાં રહેલા હઠયોગી અઘોરીઓ રાખના ગરમાગરમ લાડુ પર સૂઈને એનો ભૂકો કરે છે અને એમાંથી નીકળેલી ભસ્મ મહાકાલને ચડાવે છે

શિવલિંગ

મહાકાલનો શૃંગાર એવી ભસ્મના મુખ્યત્વે શ્રૌત, સ્માર્ત અને લૌકિક એમ ત્રણ પ્રકાર છે. આ ત્રણ પ્રકારની ભસ્મ અલગ-અલગ પ્રકારના યજ્ઞમાંથી ઉત્પન્ન થાય છે. આ જે પ્રકાર છે એ હકીકતે યજ્ઞની વિધિના આધારે પડ્યા છે. શ્રુતિ વિધિથી થયેલા હવનમાંથી જે ભસ્મ નીકળે છે એને શ્રૌત કહેવામાં આવે છે તો સ્મૃતિ વિધિથી યજ્ઞ થાય અને એમાંથી જે ભસ્મ નીકળે એને સ્માર્ત ભસ્મ કહેવામાં આવે છે, જ્યારે છાણાંમાંથી જે ભસ્મ તૈયાર થાય છે એને લૌકિક ભસ્મ કહે છે.

ભસ્મ આરતીમાં જે ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે એમાં પીપળાના ઝાડનું લાકડું, બિલ્વનું લાકડું, બીલીપત્ર, ગાયના છાણમાંથી બનાવવામાં આવેલાં છાણાં, ગૌમૂત્ર, કેળનાં પાન જેવી સામગ્રીનો ઉપયોગ થાય છે. માત્ર આ સામગ્રીઓને બાળવાથી ભસ્મ બને એવું જો તમે ધારો તો તમારી આ માન્યતા ભૂલભરેલી છે. મહાકાલ માટે તૈયાર કરવામાં આવતી ભસ્મની આખી પ્રક્રિયા લાંબી અને જાણવા જેવી છે.

તમામ સામગ્રીઓને બાળવાથી જે રાખ મળે છે એ રાખને પાતળા કપડાથી ચાળીને ઝીણી રાખને એકત્રિત કરવામાં આવે છે. એકત્રિત થયેલી આ ઝીણી રાખમાં ગાયના તાજા દૂધથી કણક તૈયાર કરતા હોય એ રીતે રાખની કણક તૈયાર કરવામાં આવે છે અને તૈયાર થયેલી એ કણકના લાડુ જેવા ગોળા બનાવવામાં આવે છે, જે ગોળાને કાચા લાકડાની આગમાં સાત વખત તપાવવામાં આવે છે. સાત વખત તપાવવાની આ જે પ્રક્રિયા છે એમાં દર વખતે અલગ-અલગ સામગ્રીનો અભિષેક પણ સાથે કરવામાં આવતો જાય છે. ગૌમૂત્રથી લઈને શુદ્ધ ઘી, મધ જેવી સામગ્રીના છંટકાવ સાથે સાત વખત આગમાં પકાવવામાં આવેલા એ રાખના લાડુને બહાર કાઢીને એને ફરીથી કાચા દૂધમાં ઠારવામાં આવે છે.

રાખના લાડુ ઠંડા પડ્યા પછી એનો ફરીથી ભૂકો કરવામાં આવે છે. ભૂકો કરવાની આ પ્રક્રિયામાં ક્યાંય મશીનનો ઉપયોગ નથી થતો. હાથેથી જ એને ખાંડવામાં આવે છે અને ખાંડીને તૈયાર કરવામાં આવેલી ભસ્મને ફરીથી ચાળીને ઝીણી ભસ્મ મહાકાલ માટે અલગ તારવવામાં આવે છે તો જે જાડી રાખ વધે છે એ રાખને પ્રસાદ સ્વરૂપે અઘોરીઓ લઈ જાય છે. અઘોરીઓને શિવગણ ગણવામાં આવે છે.

શિવગણ પણ મહાકાલના કારણે જ ભસ્મને પોતાનો શૃંગાર માને છે. હઠયોગમાં માનતા અઘોરીઓની સાધના અકલ્પનીય હોય છે. હિમાચલ અને ગિરનારમાં રહેલા હઠયોગી અઘોરીઓ રાખના ગરમાગરમ લાડુ પર સૂઈને એનો ભૂકો કરે છે અને એમાંથી નીકળેલી ભસ્મ મહાકાલને ચડાવે છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં સદીઓ પહેલાં જ્યારે પહેલી ચિતાની ભસ્મ મહાકાલને ચડતી હતી એ સમયની વાત છે.

મુગલ સામ્રાજ્ય હતું અને મહાકાલને ચિતાની ભસ્મ જ ચડાવવામાં આવતી હતી. લોકવાયકા છે કે એક સવારે પહેલી ચિતાની ભસ્મ મળી નહીં. મંદિરે મહાકાલની ચિતાની પ્રસાદી લેવા માટે એક અઘોરી આવ્યો હતો. તેને વાતની ખબર પડી. તેણે દસ મિનિટમાં મંદિરના પટાંગણમાં જ ચિતા બનાવીને જાતને એમાં હોમી દીધી અને એ રીતે મહાકાલને તાજી ભસ્મ મળે એની વ્યવસ્થા કરી હતી.

મહાકાલેશ્વરનું આજનું મંદિર જ્યાં છે એ જગ્યાએથી આજે પણ ભસ્મ જેવી માટી નીકળે છે, જેના માટે એવું કહેવાય છે કે મહાકાલે દૂષણ રાક્ષસને બાળ્યો એ સમયે એટલી ભસ્મ નીકળી હતી કે આ આખી જગ્યા ભસ્મથી ભરાઈ ગઈ હતી.

મહાકાલેશ્વર મંદિરની ભસ્મનો આયુર્વેદમાં પણ અનેરો ઉપયોગ દર્શાવાયો છે તો અત્યારે ચડતી મહાકાલની ભસ્મના પણ અનેક લાભો છે. સ્વાસ્થ્યની બાબતમાં આ ભસ્મથી તમામ પ્રકારની ત્વચાની બીમારી દૂર થાય છે તો આ ભસ્મને પીવાથી લાંબી બીમારીમાંથી પણ રાહત મળે છે. મહાકાલેશ્વરની ભસ્મથી ઇચ્છ‌િત સંતાનસુખ મળતું હોવાની પણ લોકવાયકા છે, પણ એ લોકવાયકાની પુષ્ટિ નથી મળતી પણ ભસ્મનો આયુર્વેદિક ઉપયોગ છે અને એના લાભો પણ છે એના સાયન્ટ‌િફિક પુરાવાઓ પણ મળ્યા છે.

columnists